×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન : આસ્થા, શ્રદ્ધા, ઉમંગ, ઉલ્લાસ અને કોમી એખલાસનો માહોલ જોવા મળ્યો

અમદાવાદ, તા.20 જૂન-2023, મંગળવાર

આજે અષાઢી બીજે અમદાવાદના જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથના સુપ્રસિદ્ધ મંદિરેથી જગતના નાથ એવા ખુદ ભગવાન જગન્નાથ શણગાર સાથે વાજતે-ગાજતે નગરચર્યાએ નીકળ્યા હતા. આ દરમિયાન ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભગવાન જગદીશની સાથે તેમના બહેન સુભદ્રાજી અને તેમના ભાઈ બલભદ્ર સાથે નીકળેલી 146મી રથયાત્રામાં ભક્તોના ઘોડાપુર ઉમટ્યું હતું. 

આસ્થા, શ્રદ્ધા, ઉમંગ, ઉલ્લાસ અને કોમી એખલાસના માહોલમાં રથયાત્રા સંપન્ન

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે સોનાની સાવરણીથી પહિંદવિધિ કરીને ત્રણેય રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ ખલાસીઓ સાથે મળી ભગવાનનો રથ ખેંચી પ્રસ્થાન કરાવ્યું હતું. બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો રથ પણ મંદિરની બહાર લવાયો હતો. આસ્થા, શ્રદ્ધા, ઉમંગ, ઉલ્લાસ અને કોમી એખલાસના માહોલમાં શહેરમાં નીકળેલી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા રંગે ચંગે અને સુખરૂપ સંપન્ન થઈ હતી. આજે સાંજે 8.30 વાગ્યે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બલભદ્રજીના રથ નિજ મંદિરે હેમખેમ પહોંચ્યા હતા અને રથયાત્રા આયોજકો સહિત સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો.

રથયાત્રામાં શણગારેલા ટ્રકમાં મોદી-બાયડેન-આંબેના કટઆઉટ જોવા મળ્યા

ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો. કોમી એખલાસના માહોલમાં યોજાયેલી રથયાત્રામાં આશરે 18 લાખથી વધુ લોકો રથયાત્રામાં જોડાયા હતા. કડક પોલીસ બંદોબસ્ત સાથે યોજાયેલી રથયાત્રામાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટેબ્લો, શણગારેલા ટ્રક, 18 હાથી, 1000થી વધુ ખલાસીઓ અને સાધુ-સંતો જોડાયા હતા. રથયાત્રામાં જી -20 યજમાનીની ઝાંખી જોવા મળી હતી. ટ્રકમાં પીએમ મોદી સહિત જી - 20 દેશના વડાપ્રધાનના કટ આઉટ જોવા મળ્યા હતા. ભારત સહિત અમેરિકા, જાપાનના પીએમના ક્ટ આઉટ જોવા મળ્યા હતા. 

અમિત શાહે મંગળા આરતી કરી પરિવાર સાથે દર્શન કર્યા

ભગવાન જગન્નાથજીની 146ની રથયાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વહેલી સવારે જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિરે પહોંચ્યા હતા. અમિત શાહ જગન્નાથ મંદિરે પહોંચ્યા અને મંગળા આરતી કરી પરિવાર સાથે દર્શન કર્યા હતા. તેમની સાથે જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજીએ પણ મંગળા આરતી કરી હતી. મંગળા આરતી પછી અમિત શાહને પાઘડી, હાર, ખેસ અને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા. 4.30 વાગ્યે ભગવાનને ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો. 6.00 વાગ્યે ભગવાનને નવા રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. 

સરસપુરમાં ભજત, ભોજત ભક્તિનો અનોખો સમન્વય

મોસાળ સરસપુરમાં ભજન, ભોજન અને ભક્તિનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. મોસાળમાં લાખો ભક્તોએ જુદા જુદા ઉભા કરેલા રસોડામાં લાખો લોકોએ ભોજન-પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ભક્તોને ચોખ્ખા ઘીનો મોહનથાળ, બુંદી, પુરી-શાક, કઢી-ખીચડી, ફુલવડી દાળ-ભાત સહિતનું ભોજન પીરસાયું હતું.

CM ભુપેન્દ્ર પટેલે બીજીવાર પહિંદ વિધી કરી

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 146મી રથયાત્રામાં મુખ્યમંત્રી તરીકે બીજી વાર પહિંદ વિધિ કરી હતી અને રથયાત્રાને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવવાની પરંપરા જાળવી રાખી હતી. મુખ્યમંત્રીએ સોનાની સાવરણીથી રથનો રસ્તો સાફ કર્યો હતો અને રથને પ્રસ્થાન કરાવ્યું હતું.