×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

AIના 470 બાદ ઈન્ડીગોનો 500 વિમાનોનો ઓર્ડર


- ગો ફર્સ્ટ અને સ્પાઈસ જેટ ખોટના કારણે નાદારીના આરે પણ અન્ય કંપનીઓ નાગરિક ઉડ્ડયનની વૃદ્ધિ માટે 

- મહિને 4.54 લાખ લોકોની યાત્રા માટે અત્યારે એરલાઈન્સ પાસે 700 વિમાનો, 10 વર્ષમાં નવા 1880 હવાઈ જહાજો આવશે  

- અગામી દસ વર્ષમાં ભારતને વધુ 2200 વિમાનોની જરૂર પડવાનો અંદાજ

અમદાવાદ : એક તરફ એરલાઈન્સ કંપનીઓ વિમાનની લીઝના ભાડાં ચુકવવામાં, ઊંચા ઇંધણના ભાવના કારણે ખોટનો સામનો કરી રહી છે એ સમયે ભારતની બે વિમાની કંપનીઓએ છેલ્લા ચાર મહિનામાં લગભગ ૧૨૦ અબજ ડોલર (એક અબજ ડોલર એટલે રૂ.૮૨૦૦ કરોડ)ના ઓર્ડર જાહેર કર્યા છે. એર ઇન્ડિયાના ફેબ્રુઆરીના ૪૭૦ વિમાનોના ઓર્ડર બાદ આજે મુસાફરોની દ્રષ્ટિએ સૌથી મોટી એરલાઈન્સ ઈન્ડીગોએ ૫૦ અબજ ડોલરના ૫૦૦ નવા વિમાનો ખરીદવા માટે ઓર્ડર આપવાની પેરિસમાં જાહેરાત કરી છે. ભારતમાં ત્યારે પ્રવાસી વિમાનોની સંખ્યા ૭૦૦ જેટલી અંદાજીત છે તેની સામે નવા ૧૪૮૦ વિમાનો આગામી દસ વર્ષમાં ભારતમાં આવશે એટલા ઓર્ડર અત્યારે આપી દેવામાં આવ્યા છે. 

ભારતીય નાગરિક ઉડ્ડયન યાત્રા માટે વર્ષ ૨૦૨૩ અલગ સાબિત થાય એમ છે. એક તરફ, એરક્રાફ્ટ રીપેર નહી થતા, રોજીંદી ઉડાન ઘટી જતા ખોટમાં ગરકાવ થયેલી ગો ફર્સ્ટ અત્યારે બંધ છે. સ્પાસ જેટની પણ આવી જ હાલત છે ત્યારે એર ઇન્ડિયા બાદ હવે ઈન્ડીગોએ જંગી વિમાનોના ઓર્ડર આપ્યા છે. ઈન્ડીગોએ આજે ફ્રાંસની કંપની એરબસને ૫૦૦ વિમાનો માટે ઓર્ડર આપવાની જાહેરાત કરી છે. ટાટા સંચાલિત એરઇન્ડિયાએ ૪૭૦ વિમાનોનો ઓર્ડર ફેબ્રુઆરીમાં આપ્યો હતો. આ સિવાય વિસ્તારાના ૧૭ અને અકાસાના ૫૬ વિમાનોનો ઓર્ડર પણ છેલ્લા એક વર્ષમાં આવ્યો છે. આ સાથે ભારતમાં આગામી ૧૦ વર્ષમાં જેટલા વિમાનો અત્યારે ઉડે છે તેના કરતા પણ વધારે નવા વિમાનો ભારતમાં પ્રવાસીઓની સેવામાં આવી જશે. 

મે મહિનામાં ભારતમાં દૈનિક ૪.૨૫ લાખ લોકોએ વિમાન પ્રવાસ કર્યો હતો. જાન્યુઆરીથી મે મહિના વચ્ચે લગભગ ૬.૩૬ કરોડ લોકોએ હવાઈયાત્રા કરી હતી જે આગલા વર્ષ કરતા ૩૬ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ભારતમાં આગામી ૧૫ વર્ષમાં વિમાની પ્રવાસીઓની સંખ્યા દર વર્ષે સાત ટકા વધે એવો અંદાજ છે ત્યારે બોઇંગના મતે ભારતને આગામી દસ વર્ષમાં ૨૨૦૦ જેટલા વિમાનોની જરૂર પડશે એવી શક્યતા છે. અત્યારે કંપનીઓએ આપેલા ઓર્ડરના નવા ૧૪૮૦ અને વર્તમાન ૭૦૦ વિમાનો ગણવામાં આવે તો પણ ભારતમાં હજુ પણ જરૂરીયાત કરતા વિમાનોની સંખ્યા ઘટે એવી શક્યતા છે. 

હવાઈ યાત્રા માટે મુસાફરોની સંખ્યા સતત વધી રહી છે, નવા એરપોર્ટ અને કનેક્ટિવિટી વધી રહી છે પણ તેની સામે વિમાની કંપનીઓની નાણાકીય સદ્ધરતા હંમેશા પ્રશ્નાર્થ રહી છે. છેલ્લા ત્રણ દાયકામાં ભારતમાં લગભગ ૧૨ જેટલી એરલાઈન્સ બંધ થઇ ગઈ છે. જેટ એરવેઝની નાદારી બાદ તેને ફરી બેઠી કરવા માટે યુએઈના રોકાણકારે પ્રયત્ન કર્યા હતા તેની બે ફ્લાઈટ શરુ થયેલી પણ ફરી તે બંધ થઇ છે. નસલી વાડિયા જૂથની ગો ફર્સ્ટ પોતે નાદાર જાહેર થઇ છે. ગો ફર્સ્ટ ઉપર એ સમયે રૂ.૧૧,૦૦૦ કરોડનું દેવું હતું. સ્પાઈસ જેટ ઉપર પણ લગભગ એટલું જ દેવું છે. આ સ્થિતિમાં બન્ને એરલાઈન્સની હાલત કફોડી છે. 

ઈન્ડીગોએ છેલ્લા દસ વર્ષમાં લગભગ રૂ.૧૦,૦૦૦ કરોડની એકંદર ખોટ નોંધાવી છે પણ છતાં તે આજે દેશની સૌથી વધુ મોટી એરલાઈન્સ છે. ઈન્ડીગો પાસે અત્યારે ૩૦૦ વિમાનો છે. અગાઉના ઓર્ડર આપેલા ૪૮૦ વિમાનો ૨૦૩૦ સુધીમાં આવશે અને નવા ૫૦૦ના ઓર્ડર સાથે ૨૦૩૫ સુધીમાં કંપની પાસે કુલ ૧૦૦૦ જેટલા વિમાનો હશે. આ એરલાઈન્સ ઉપર રૂ.૪૪,૫૦૦ કરોડનું દેવું છે તેની સામે ૫૦ અબજ ડોલર (એક અબજ એટલે લગભગ રૂ.૮૨૦૦ કરોડ રૂપિયા)નો ઓર્ડર આજે જાહેર કર્યો છે.