×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઉત્તર ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં જળબંબાકાર જેવી સ્થિતિ



અમદાવાદઃ બિપરજોય વાવાઝોડાને કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં તારાજી સર્જાઈ છે. અનેક વૃક્ષ અને વીજપોલ ધરાશાયી થયાં છે. જ્યારે મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે. ત્યારે હવે વાવાઝોડાની અસર અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં જોવા મળી છે. મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં વરસાદે બગડાટી બોલાવી છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી.પાટણ જિલ્લાના સિદ્ધપુર, રાધનપુર, સંતાલપુર, સમી, હારીજ, શંખેશ્વર અને સરસ્વતી તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ડીસા, થરાદ, વાવ, દિયોદર અને સુઇગામ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે.

બનાસકાંઠામાં ચાર અને સાબરકાંઠામાં ત્રણ ઈંચ વરસાદ
ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ઠેર-ઠેર 2 ઈંચથી 4 ઈંચ સુધીનો વરસાદ પડ્યો છે. ત્યારે સાબરકાંઠામાં પણ 2 થી 3 ઈંચનો વરસાદ પડ્યો છે, તો પાટણમાં પણ ચાર ઈંચ વરસાદ ખાબકતાં જનજીવન પ્રભાવિત થયું છે. ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતમાં પવનની ગતિ 41 થી 61 કિમી રહી શકે છે. તેમજ કચ્છ,અરવલ્લી, સુરેન્દ્રનગર,ગાંધીનગર, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ધોધમાર વરસાદના કારણે એશિયાનો સૌથી મોટો સોલર પ્લાન્ટ બેટમાં ફેરવાયો! 15 મેગા વોટના પ્લાન્ટમાં ઢીંચણ સમા પાણી, કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ધોધમાર વરસાદને લઈ એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ બેટમાં ફેરવાયો છે. સાંતલપુરના ચારણકા ગામે આવેલા સોલાર પ્લાન્ટમાં ઢીંચણ સમા પાણી ભરાયા છે. ચારણકા ભેલ કંપની 15 મેગા વોલ્ટમાં ઢીંચણ સમા પાણી ભરાતા ભારે નુકસાન થયું છે. જેમાં ઢીંચણ સમા પાણી ભરાતા સોલાર પ્લાન્ટમાં કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે.

ચારણકાનો સોલાર પ્લાન્ટ પાણીમાં ગરકાવ



સાબરકાંઠા અને બનાસકાંઠામાં જળબંબાકાર
બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસાદ વરસી રહ્યો છે અને ભારે પવન સાથે વરસાદ પડવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 29 મિમીથી 88 મિમી વરસાદ નોંધાયો હતો, એટલે કે સવા ઇંચથી લઈને પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ વડાલીમાં 88 મિમી, તો સૌથી ઓછો વરસાદ તલોદમાં 29 મિમી નોંધાયો હતો. આજે વહેલી સવારથી ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો અને બે કલાકમાં આઠમાંથી ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અરવલ્લી જિલ્લામાં ભારે પવન ફૂંકાયો હતો સાથે સાથે વરસાદની પણ શરૂઆત થઈ હતી. મેઘરજ, ધનસુરા, મોડાસા, બાયડ તાલુકાઓમાં ભારે પવનના કારણે છાપરા ઉડવાની ઘટનાઓ સામે આવી છે. વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પણ જોવા મળી છે. જિલ્લામાં મોડાસામાં 3 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. ધનસુરામાં પણ 2.5 ઇંચ વરસાદ, બાયડ અને ભિલોડા માં 1થી 1.5 ઇંચ અને માલપુર અને મેઘરજમાં પણ સરેરાશ વરસાદ નોંધાયો છે.

બનાસકાંઠામાં અનેક વૃક્ષો ધરાશાયી



આકાશમાં કાળા ડિંબાગ વાદળો છવાયા
યાત્રાધામ અંબાજીમાં પણ અસર દેખાઈ રહી છે. ત્યારે આજે સવારથી જ આકાશમાં કાળા ડિંબાગ વાદળો છવાયા છે. ત્યારે દિવસે પણ અંધારપટ છવાયું છે. યાત્રાધામ અંબાજી અને દાંતાના આજુબાજુ વિસ્તારોમાં સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. તેજ પવન સાથે ધમાકેદાર વરસાદ વરસતા અંબાજી અને આજુબાજુના વિસ્તારમાં લોકોને મુશ્કેલીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. થરાદ શહેર તેમજ સમગ્ર તાલુકામાં એકધારો વરસાદ વરસ્યો છે.ગઈકાલે બપોરે ત્રણ વાગ્યાથી શરુ થયેલો આ વરસાદ રાતભર ચાલુ રહ્યો હતો અને વહેલી સવારથી લઇ હાલ સાંજના પોણા છ વાગ્યા સુધી સતત ચાલુ રહશે. હાલ ગોરંભાયેલા આકાશને જોતા આ વરસાદ આજની રાત્રિ પણ મહેમાન બની વરસતો રહેશે એવુ લાગી રહ્યું છે. વરસાદ અને વાવાઝોડાને લઇ થરાદ શહેરમાં ધંધા રોજગાર પર અસર થઇ છે.બનાસકાંઠાના થરાદ ડીસા હાઇવે પર મહાકાય વૃક્ષ અને શેડ તૂટી પડ્યા છે. શેડ તૂટવાથી હાઇવે બ્લોક થઈ ગયો છે. જેના કારણે હાઈવે પર 1 કિલોમીટર લાંબી વાહનોની લાઈન જોવા મળી હતી.