×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Cyclone Biparjoy : વાવાઝોડાથી ભારત-પાકિસ્તાનમાં 6.25 લાખથી વધુ બાળકો ખતરામાં : UNICEF

કાઠમંડુ, તા.16 જૂન-2023, શુક્રવાર

વાવાઝોડુ બિપરજોય ગુજરાત પર ત્રાટક્યા બાદ રાજસ્થાન તરફ આગળ વધ્યું છે અને ત્યારબાદ તે પાકિસ્તાનના કરાંચી બંદરે ટકરાવાની સંભાવના છે, ત્યારે વાવાઝોડાને લઈને યુનિસેફે મહત્વનું નિવેદન આપ્યું છે. યુનિસેફે કહ્યું કે, વાવાઝોડાના કારણે ભારત અને પાકિસ્તામાં 6.25 લાખથી વધુ બાળકો પર ખતરો મંડરાઈ રહ્યો છે.

દક્ષિણ એશિયા માટે યુનિસેફના પ્રાદેશિક નિર્દેશક નોઆલા સ્કિનરે એક નિવેદનમાં કહ્યું કે, ઝડપી પવન, ભારે વરસાદ અને વાવાઝોડુ બિપરજોયના કારણે આવેલા પૂરથી ભારત અને પાકિસ્તાનમાં 6.25 લાખથી વધુ બાળકો સંકટમાં છે. તેમણે કહ્યું કે, અમે દરિયાકાંઠાના પૂરગ્રસ્ત જિલ્લાઓમાં બાળકોના આરોગ્ય અને સુરક્ષાને લઈ ખુબ જ ચિંતિત છીએ, જેમાંથી ઘણા બાળકો વાવાઝોડા પહેલા અસુરક્ષિત હતા.

પાકિસ્તાનમાં વાવાઝોડું બિપરજોય

પાકિસ્તાન પર વાવાઝોડું બિપરજોયના ખતરા અંગે નોઆલા સ્કિનરે કહ્યું કે, ગત વર્ષે પાકિસ્તાનમાં આવેલા વિનાશક પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત થયેલા સિંધ પ્રાંતમાં બાળકો અને પરિવારો પર બિપરજોયના કારણે નવું સંકટ આવી રહ્યું છે. આ રાષ્ટ્રીય કટોકટી સામે અમે પણ લડવા તૈયાર છીએ. દેશમાં અમારા કેન્દ્ર દ્વારા બાળકો અને પરિવારો માટે જીવનરક્ષક પુરવઠો પહેલાથી જ તૈનાત કરી દેવાયો છે, જેમાં પાણી શુદ્ધિકરણ કીટ, મચ્છરદાની અને વિટામિન-એનો સમાવેશ થાય છે. સિંધ પ્રાંતમાં હજારો લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડાયા છે. સિંધ પ્રાંતના વિવિધ વિસ્તારો ઉપરાંત થટ્ટા, સુજાવલ અને બાદિનના હજારો લોકોને વાવાઝોડાથી બચાવવા માટે તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ પહોંચી ગયા છે.

યુનિસેફે ભારત સરકારને પણ આપી મદદની ખાતરી

આ જ પ્રકારે અમે ભારતમાં પણ સૌથી વધુ નબળા બાળકો અને તેમના પરિવારો પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે અને રાષ્ટ્રીય કટોકટીને સમર્થન આપવા તૈયાર છીએ. અમે સરકારના સતત સંપર્કમાં છીએ તેમજ વાવાઝોડા સામે લડવાની તૈયારી કરનાર, લોકોને સુરક્ષિત સ્થળે લઈ જનાર અને સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લામાં અપડેટ શેર કરનાર અને સૂચનાનું પ્રસારણ કરવા માટે એજન્સી-સમૂહો સાથે સંકલનમાં કામ કરી રહ્યા છીએ. જેમ જેમ સહાયની જરૂરિયાત સ્પષ્ટ થઈ જશે, તેમ તેમ અમે બાળકો અને સૌથી વધુ અસરગ્રસ્ત પરિવારો સુધી પહોંચવા માટે તમામ પ્રકારનો પ્રયાસ કરવા તૈયાર છીએ.