×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મનોજનો દાવોઃ હું એચઆઈવી પોઝિટિવ છું, સરસ્વતી સાથે શારીરિક સંબંધ હતા જ નહીં


સરસ્વતીની કુલ 4 બહેનો છે, તેમાંથી 3નાં પોલીસે નિવેદન લીધાં

રિમાન્ડમાં હત્યાનો ગુનો કબૂલવાના બદલે સરસ્વતીએ જ આત્મહત્યા કર્યાનું રટણઃ સરસ્વતીના દહના તમામ ટૂકડાનો નિકાલ કર્યા પછી પોતે પણ આત્મહત્યા કરવાનો હતોઃ જોકે, પોલીસને દાવાઓની સત્યતા પર શંકા

મુંબઈ :  મુંબઈના મીરા રોડ વિસ્તારમાં લીવ ઈન પાર્ટનરની હત્યા કરી તેના ટૂકડા પીસીને તથા રાંધીને કૂતરાઓને ખવડાવી દેનારા હેવાનિયતભરેલાં કૃત્યના આરોપી મનોજ સાનેના દાવે અનુસાર પોતે એચઆઈવી પોઝિટિવ છે અને  તેણે ક્યારેય તેની ૩૬ વર્ષીય લીવ ઈન પાર્ટનર સરસ્વતી વૈદ્ય સાથે શારીરિક સંબંધો બાંધ્યા ન હતા. મનોજ સાને સતત એમ જ કહી રહ્યો છે કે પોતે  સરસ્વતીની હત્યા કરી નથી પરંતુ તેણે ઝેર પી જઈને આત્મહત્યા કરી છે  અને પોતાના પર દોષનો ટોપલો આવશે તેવા ડરથી જ પોતે લાશનો આ રીતે નિકાલ કર્યો હતો. તે પોતે લાશના તમામ ટૂકડાઓના નિકાલ બાદ આત્મહત્યા કરી લેવાનો હતો. 

મનોજના દાવા અનુસાર સરસ્વતી તા. ત્રીજી જૂનની સવારે જ ઝેર પીને મૃત્યુ પામી હતી. તેના મોઢાંમાથી ફીણ પણ બહાર આવ્યું હતું. તે જોઈને પોતે ગભરાઈ ગયો હતો અને પોતે સરસ્વતીના મોત માટે જવાબદાર મનાશે એમ માની લાશનો નિકાલ કરવો શરૃ કર્યો હતો. 

મનોજે એવો પણ દાવો કર્યો છે કે તે પોતે પણ લાશના ટૂકડાઓનો નિકાલ કર્યા બાદ આત્મહત્યા કરવાનો હતો. મનોજના દાવા અનુસાર તેને બહુ સમય પહેલાં એક ગંભીર અકસ્માત થયો હતો. તે વખતે સારવાર દરમિયાન તેને એચઆઈવીનો ચેપ લાગી ગયો હતો. તે ૨૦૦૮થી એચઆઈવી પોઝિટવ છે અને તેની દવા પણ લઈ રહ્યો છે. આ કારણોસર તેણે ક્યારેય સરસ્વતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા જ ન હતા. 

જોકે, પોલીસને તેના  આ દાવાઓની સત્યતા અંગે શંકા છે. તે દાવાઓની ખરાઈ કરવા માટે અન્ય પુરાવાઓ તથા જુદા જુદા લોકોની જૂબાનીઓનો આશરો લઈ રહી છે. મનોજ પોલીસ તપાસને જુદા માર્ગે ચઢાવી દેવા માટે  જાણીબૂઝીને આવાં ગેરમાર્ગે દોરનારાં નિવેદનો આપતો હોય તે બનવા જોગ છે એમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું. 

પોલીસને બુધવારે સાંજે મનોજના પડોશીઓએ તેના ફલેટમાંથી દુર્ગંધ આવતી હોવાની જાણ કર્યા બાદ સાંજે તપાસ દરમિયાન પ્રેશર કૂકરમાં બફાયેલા અને કેટલાય શેકાયેલાં માનવ અંગો મળી આવ્યાં હતાં. 

મનોજ અને સરસ્વતી મીરા રોડના નયા નગર વિસ્તારમાં આવેલા આ ફલેટમાં ભાડેથી રહેતાં હતાં. 

પોલીસે સાનેની ધરપકડ કર્યા બાદ તેના તા. ૧૬મી જૂન સુધીના રિમાન્ડ મેળવ્યા છે. આ દરમિયાન પૂછપરછ વખતે સાને પોલીસને ગોળ ગોળ ફેરવી રહ્યો છે. 

પોલીસે સાનેના દાવાઓની ચકાસણી કરવા જુદા જુદા લોકોના નિવેદન નોંધવા શરૃ કર્યાં છે. સરસ્વતીની ત્રણ બહેનોનાં પણ પોલીસે નિવેદન લીધાં હતાં. સરસ્વતી અનાથ હોવાનું મનાતું હતું પરંતુ હવે ખબર પડી છે કે તેને કુલ ચાર બહેનો છે. તેમાંથી ત્રણ બહેનો સાથે સંપર્ક થતાં તેમનાં નિવેદન લેવાઈ રહ્યાં છે. 

સાનેએ સરસ્વતીની હત્યા કયાં કારણોસર કરી તે હજુ પણ સ્પષ્ટ થતું નથી એમ પોલીસે જણાવ્યું છે. જોકે, એક થિયરી અનુસા સરસ્વતી મનોજ સાનેના ચારિર્ત્ય પર શંકા કરતી હતી અને તે ઘરે મોડો આવે ત્યારે તેની સાથે  ઝઘડો કરતી હતી. આથી મનોજે તેની હત્યા કરી હોય તે શક્ય છે. જોકે, બાદમાં તેણે જે ક્ર, અમાનવીય અને હેવાનિયતભરી રીતે લાશનો નિકાલ કર્યો તે ભારે કમકમા ઉપજાવે તેવો છે. મનોજની ગુનાઇત માનસિકતા તથા  પોતાનો અપરાધ છૂપાવવાની ચાલાકી તેનાથી સ્પષ્ટ થઈ છે. 

સરસ્વતી ચોથી જૂને જ મૃત્યુ પામી હતી પરંતુ પડોશીઓએ જાણ કર્યા બાદ પોલીસ તેના ફલેટ પર પહોંચી ત્યારે સાતમી જૂને તેના મૃત્યુની જાણ થઈ હતી. પડોશીઓએ જણાવ્યું હતું કે મનોજ છેલ્લા કેટલાય દિવસોથી  કૂતરાઓને કશુંક ખવડાવી રહ્યો હતો. આ પહેલાં તેને ક્યારેય કૂતરાઓને કશું ખવડાવતાં જોવા મળ્યો નથી. તે પરથી તેણે સરસ્વતીની લાશના ટૂકડા કૂતરાઓને ખવડાવી દીધા હોવાનું મનાઈ રહ્યું છે.