×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સરકારે પહેલવાનોની કેટલીક માગ સ્વીકારી, 15મી સુધી આંદોલન સસ્પેન્ડ


બજરંગ પુનિયા, સાક્ષી મલિકની મંત્રી અનુરાગ સાથે 5 કલાક બેઠક યોજાઇ

- 15મી સુધી તપાસ પૂર્ણ કરી કુશ્તી સંઘની ચૂંટણી યોજવી, બ્રિજ ભુષણને તેમાં તક ન આપવાની માગ સ્વીકારી : અનુરાગ

નવી દિલ્હી : ઓલિંપિક મેડલ વિજેતા પહેલવાનો સાક્ષી મલિક અને બજરંગ પુનિયા કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુરને મળ્યા હતા. બન્ને વચ્ચે પાંચ કલાક સુધી બેઠક યોજાઇ હતી. અનુરાગ ઠાકુરે પહેલવાનોને વાતચીત માટે તેમના ઘરે બોલાવ્યા હતા, તેથી પહેલવાનો ઠાકુરને મળ્યા હતા. બેઠકમાં પહેલવાનોએ ભાજપ સાંસદ અને કુશ્તી સંઘના પ્રમુખ બ્રિજ ભુષણની ધરપકડ સહિત ત્રણ માગણીઓ મુકી હતી. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે દાવો કર્યો હતો કે સરકારે પહેલવાનોની માગણી સ્વીકારી લીધી છે. ૧૫મી જુન સુધી તપાસ પુર્ણ કરી લેવાની સરકારે ખાતરી આપી છે.  

બીજી તરફ અનુરાગ ઠાકુર સાથેની મુલાકાત બાદ પહેલવાનોએ પોતાના આંદોલનને ૧૫મી જુન સુધી સ્થગિત કર્યું છે. બ્રિજ ભુષણ સામે વહેલી તકે ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવશે તેવી સરકારે ખાતરી આપ્યા બાદ પહેલવાનોએ હાલ પુરતા આંદોલનને રોકવાનો નિર્ણય લીધો હતો. સરકારે સાથે જ મહિનાના અંત સુધીમાં કુશ્તી સંઘની ચૂંટણી યોજી લેવાની પણ ખાતરી આપી છે. આ પહેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહ પણ પહેલવાનોને મળ્યા હતા. સરકારે એવી પણ ખાતરી આપી છે કે પહેલવાનોની સામે દાખલ ફરિયાદોને રદ કરી દેવામાં આવશે. 

સાક્ષી મલિકે મીડિયાને જણાવ્યું હતું કે અમને સરકારે ખાતરી આપી છે કે ૧૫મી જુન સુધીમાં પોલીસ દ્વારા બ્રિજ ભુષણ સામેની તપાસને પુરી કરી લેવામાં આવશે. ત્યાં સુધીમાં અમને આંદોલન સસ્પેન્ડ કરવા અને રાહ જોવા માટે સરકારે કહ્યું છે. જોકે બન્ને પહેલવાનો સાક્ષી મલિક અને બજરંગ પુનિયાએ કહ્યંુ હતું કે અમે આંદોલન પરત નથી લઇ રહ્યા, પણ હાલ પુરતા આંદોલનને ૧૫મી જુન સુધી અટકાવીએ છીએ. જ્યારે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે બેઠક બાદ મીડિયાને સંબોધતા કહ્યું હતું કે સરકારે પહેલવાનોની માગણીને સ્વીકારી લીધી છે. આ મામલે ૧૫મી જુન સુધીમાં ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવશે. પહેલવાનોએ મહિનાના અંત સુધી ચૂંટણી યોજવી અને તેમાં બ્રિજ ભુષણને લડવાની તક ન આપવાની માગણી કરી હતી જેનો સ્વીકાર કરી લેવાયો છે.  

અનુરાગ ઠાકુર સાથેની બેઠક પહેલા જ પહેલવાનોએ સ્પષ્ટતા કરી દીધી હતી કે અમને બ્રિજ ભુષણની ધરપકડ સીવાય બીજુ કઇ મંજૂર નથી. પહેલવાન સાક્ષી મલિકે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે અમે જોઇશું કે સરકાર અમને શું પ્રસ્તાવ આપે છે. અમારી મુખ્યમંત્રી બ્રિજ ભુષણની ધરપકડ છે. જો અમને સરકારનો પ્રસ્તાવ યોગ્ય લાગશે તો અમે ખાપ નેતાઓની સલાહ પણ લઇશું. જ્યારે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે અમે પહેલવાનોને સમર્થન આપતા રહીશું. અમે અમારો ટેકો પરત નથી લીધો.