×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વિપક્ષોની બેઠક યોજવા રાહુલ-અખિલેશ માની ગયા : પટણામાં 23 જૂને યોજાશે મિટિંગ

પટણા, તા.7 જૂન-2023, બુધવાર

બિહારની રાજધાની પટનામાં યોજાનારી વિપક્ષી પાર્ટીઓની બેઠક ફરી એકવાર સ્થગિત કરવામાં આવી છે. અગાઉ આ બેઠક 12 જૂન 2023ના રોજ યોજાવાની હતી. કેટલાક પક્ષોના વડાઓ ઉપસ્થિત ન રહી શકતા બેઠક સ્થગિત કરવામાં આવી હતી, પરંતુ હવે આ બેઠક 23 જૂને યોજાશે. જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલન સિંહે પ્રેસ કોન્ફરન્સમાં વિપક્ષી પાર્ટીઓની આગામી બેઠક વિશે સંપૂર્ણ માહિતી આપી. લાલન સિંહે કહ્યું કે, તમામ વિપક્ષી દળોની મંજૂરી મળ્યા બાદ બેઠક યોજવા માટે 23મી જૂન-2023ની તારીખ નક્કી કરાઈ છે. આ બેઠકને અખિલેશ યાદવ, રાહુલ ગાંધી સહિત તમામ વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ મંજૂરી આપી દીધી છે. 12 જૂન-2023ના રોજ વિપક્ષી દળોની બેઠક મોકૂફ રાખવા પાછળનું કારણ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની બેઠકમાં ગેરહાજરી હોવાનું કહેવાય છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે 23 જૂન 2023ના રોજ રાહુલ ગાંધી પણ બેઠકમાં હાજરી આપશે.

વિપક્ષોને એક કરવા નીતિશની મથામણ

ઉલ્લેખનિય છે કે, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર લોકસભા ચૂંટણી-2024 માટે પહેલેથી જ સક્રિય થઈ ચુક્યા છે. તેઓ વિપક્ષી પાર્ટીઓને એક કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. નીતિશ કુમારે અત્યાર સુધીમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ડાબેરી પક્ષો ઉપરાંત ઘણા પ્રાદેશિક પક્ષો સાથે વાતચીત શરૂ કરી છે. નીતિશ કુમારે રાહુલ અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી અને NCP પ્રમુખ શરદ પવાર સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ સાથે અલગ-અલગ બેઠક કરી ચુક્યા છે.

TMCને બોલાવવા પર કોંગ્રેસ નારાજ

રાહુલ ગાંધી માટે વિપક્ષી પાર્ટીઓની બેઠક સ્થગિત કરવામાં આવી રહી છે. આ બેઠકમાં TMCને બોલાવાઈ હોવાથી કોંગ્રેસ નારાજ છે. પશ્ચિમ બંગાળમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ દાવો કર્યો હતો કે, 12 જૂનની બેઠકમાં ગમે તે પરિણામ આવે, કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં TMCનો વિરોધ કરવાનું ચાલુ રાખશે. અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં અમારું આંદોલન ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વિરુદ્ધ છે અને તે ચાલુ રહેશે. તૃણમૂલ કોંગ્રેસ વાસ્તવમાં વિપક્ષી ગઠબંધનમાં તિરાડ ઊભી કરવા માટે ભાજપનું મોહરું છે.