×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઓડિશા ટ્રેન અકસ્માત : પિતાએ શબઘરમાંથી પુત્રને જીવતો શોધ્યો


- સીબીઆઇની ટીમ બાલાસોર પહોંચી, તપાસ શરૂ કરાઇ

- રેલવેની સુરક્ષાની નિષ્ફળતાને છુપાવવા સરકારે કાવતરાનું સ્વરૂપ આપી લોકોનું ધ્યાન ભટકાવવા સીબીઆઇને તપાસ સોપી : કોંગ્રેસ

કોલકાતા : ઓડિશામાં ટ્રિપલ ટ્રેન અકસ્માતમાં ૨૭૫થી વધુ લોકો માર્યા ગયા છે. એવામાં ઘાયલોની સારવારને લઇને હોસ્પિટલ અને પ્રશાસનની ઘોર બેદરકારી સામે આવી છે. એક યુવક આ અકસ્માતમાં ઘાયલ થયો હતો, જેને હોસ્પિટલે મૃત જાહેર કરીને મૃતદેહોની સાથે મોકલી દીધો હતો. જોકે આ જાણકારી પિતાને થતા તેઓ ૨૩૦ કિમીની મુસાફરી કરીને પુત્રને શોધવા બાલાસોર પહોંચ્યા હતા. તેઓ શબઘરમાં પહોંચ્યા જ્યાં તેમનો પુત્ર જીવીત મળ્યો હતો. તેથી તાત્કાલીક તેને હોસ્પિટલ લઇ ગયા હતા. 

અકસ્માત થયો તે કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનમાં બિસ્વજીત મલિક નામનો ૨૪ વર્ષનો યુવક પણ સવાર હતો, અકસ્માત થતા તે ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો. જોકે પ્રશાસને તેને મૃત જાહેર કરી દીધો હતો. અને અહીં મૃતદેહોને રાખવા માટે તૈયાર કરાયેલા શબઘર (બહાનાગા હાઇસ્કૂલ)માં તેને અન્ય મૃતદેહોની સાથે મોકલી દેવામાં આવ્યો હતો. તેના પિતા હેલારામ મલિકે જણાવ્યું હતું કે મે સમાચાર જોયા તેમાં મારો પુત્ર મૃત જાહેર કરાયો હતો. 

જોકે મને વિશ્વાસ નહોતો આવતો તેથી તાત્કાલીક હું પશ્ચિમ બંગાળથી ઓડિશા પહોંચ્યો, ૨૩૦ કિમીની મુસાફરી કરીને હું મારા પુત્રને સોધવા ઘટના સ્થળ અને આસપાસના હોસ્પિટલોમાં ગયો જોકે મને મારો પુત્ર કોઇ હોસ્પિટલમાં ના મળ્યો, તેથી હું જે જગ્યાએ મૃતદેહો રાખવામાં આવ્યા હતા ત્યાં ગયો. તપાસ કરતા માલુમ પડયું કે મારો પુત્ર જીવીત હતો પણ ગંભીર રીતે ઘાયલ હતો. તેથી હું તાત્કાલીક તેને બાલાસોર હોસ્પિટલ લઇ ગયો, જ્યાંથી હાલ તેને કોલકાતાની એસએસકેએમ હોસ્પિટલમાં લાવ્યો. જોકે કોલકાતાના એસએસકેએમ હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું કે આ યુવક કદાચ સસ્પેન્ડેડ એનિમેશનમાં જતો રહ્યો હશે જેમાં તેના અંગો કામ કરવાનું બંધ કરી દેતા તે મૃત હોય તેવુ માની લેવામાં આવ્યું હશે.  

બીજી તરફ આ ટ્રેન અકસ્માતની તપાસ સીબીઆઇને સોપી દેવામાં આવી છે. સીબીઆઇ હવે રેલવે નિષ્ણાતોની પણ મદદ લેશે. મંગળવારે સીબીઆઇની ટીમ ઘટના ઘટી તે બાલાસોર પહોંચી હતી, સીબીઆઇના જોઇન્ટ ડાયરેક્ટર (ક્રાઇમ) વિપ્લવ કુમાર ચૌધરીની આગેવાનીમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે કોંગ્રેસના પ્રવક્તા સુપ્રીયા શ્રીનાતે કહ્યું હતું કે સરકાર રેલવે સુરક્ષાની પોતાની નિષ્ફળતાને છુપાવવા માટે લોકોનું ધ્યાન સુરક્ષામાંથી કાવતરા તરફ દોરી રહી છે તેથી જ સીબીઆઇને તપાસ સોપાઇ છે. બાલાસોર અકસ્માતમાં ૧૦૦ મૃતદેહોની ઓળખ થઇ શકે તેમ ન હોવાથી ડીએનએ સેંપલ લેવાયા છે. ૨૭૮માંથી ૧૭૭ મૃતદેહોની ઓળખ કરી લેવાઇ છે જ્યારે ૧૦૧ મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે.  

એનડીઆરએફના જવાનોને પાણીમાં લોહી દેખાય છે

ઓડિશાના ટ્રેન અકસ્માત બાદ રેસ્ક્યૂ ઓપરેશનમાં એનડીઆરએફના જવાનોએ મહત્વનું કામ કર્યું હતું અને લોકોના મૃતદેહો બહાર કાઢ્યા હતા સાથે જીવીત લોકોને રેસ્ક્યૂ પણ કર્યા હતા. જોકે આ ઓપરેશન દરમિયાન જે જવાનો કામગીરી કરી રહ્યા હતા તેમના મન પર તેની ખરાબ અસર થઇ રહી છે. એનડીઆરએફના ડાયરેક્ટર અતુલ કરવાલે જણાવ્યું હતું કે કેટલાક કર્મચારીઓ આ રેસ્ક્યૂ ઓપરેશન કરીને જ્યારે ઘરે ગયા ત્યારે પાણીમાં પણ તેમને લોહી દેખાવા લાગ્યું એટલી તેમના મગજ પર અસર થઇ છે. એનડીઆરએફની ટીમે ૪૪ લોકોને રેસ્ક્યૂ કર્યા હતા અને ૧૨૧ મૃતદેહોને બહાર કાઢ્યા હતા. કેટલાકના હાથ તો કેટલાકના પગ વગેરે અંગો કપાયેલી અવસ્થામાં હતા.  

40 મુસાફરો કરંટ લાગતા માર્યા ગયા હતા

ઓડિશામાં ટ્રેન અકસ્માત દરમિયાન કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનમાં સવાર જે મુસાફરો માર્યા ગયા છે તેમાંથી ૪૦ મુસાફરો એવા છે કે જેમના શરીર પર એક લિસોટો પણ નથી છતા તેઓના મોત થયા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ૪૦ મુસાફરોને કરંટ લાગવાને કારણે મોતને ભેટયા હતા.

પ્રાથમિક તપાસ મુજબ રેલવેનો લાઇવ ઓવરહેડ તાર અકસ્માત સમયે તુટી ગયો હતો. જે ટ્રેનને જઇને ટકરાયો હતો, જેનો સીધો કરંટ આ મુસાફરોને લાગ્યો હતો. જેને કારણે તેઓ સ્થળ પર જ મોતને ભેટયા હતા. ટ્રેનના ડબા પલટી જવાથી આ તાર તુટી ગયો હતો.