×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સચિન પાયલોટે ઉઠાવેલા પેપર લીક મુદ્દે રાજસ્થાનમાં 28 જગ્યાએ EDના દરોડા, CM ગેહલોતે ઉઠાવ્યા સવાલ

જયપુર, તા.5 મે-2023, સોમવાર

રાજસ્થાનમાં પેપર લીક કેસ ફરી છવાયો છે. સચિન પાયલોટે આપેલા અલ્ટીમેટમ બાદ અશોક ગેહલોતે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી, પરંતુ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમોએ રાજસ્થાનમાં એન્ટ્રી મારી છે અને પેપર લીક કૌભાંડમાં RPSP મેમ્બર અને પ્રશ્નપત્ર લીક કરનારા માફિયાઓના ઠેકાણાઓ સહિત 28 સ્થળોએ દરોડા પડાયા છે. રાજસ્થાનમાં EDની કાર્યવાહી બાદ રાજકારણ ગરમાયું છે અને મુખ્યમંત્રી અશોક ગેહલોતે ઈડીની કાર્યવાહી પર ઘણા સવાલો ઉઠાવ્યા છે, તો ભાજપે ઈડીની કાર્યવાહીને યોગ્ય કહી છે. ભાજપે કહ્યું કે, મોટા મગરોને બચાવવામાં આવી રહ્યા છે, પરંતુ તેઓ ઈડીની કાર્યવાહીમાં પકડાઈ જશે... ભલે તે મંત્રી હોય કે સીએમઓનો અધિકારી...

ઈડીની ચાર ટીમોએ રાજસ્થાનમાં વિવિધ સ્થળે પાડ્યા દરોડા

ઈડીની એક ટીમે આજે ડૂંગરપુરમાં રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન (RPSP)ના સભ્ય બાબુલાલ કટારાના ઘરે, જ્યારે બીજી ટીમે કટારાના અજમેરમાં સત્તાવાર નિવાસસ્થાન અને ઓફિસ પર દરોડા પાડ્યા છે. ત્રીજી ટીમે બાડમેરમાં પેપર માફિયા ભજનલાલ વિશ્નોઈના ઘરે તો ચોથી ટીમે જયપુરમાં પેપર માફિયા સુરેસ ઢાકાના ઘરે દરોડો પાડ્યો છે. આ ત્રણેય રાજસ્થાનમાં શિક્ષક ભરતી પરીક્ષામાં પેપર લીક મામલાના માસ્ટર માઈન્ડ છે. આ મામલે અત્યાર સુધીમાં કટારા અને ભજનલાલની ધરપકડ થઈ ગઈ છે, પરંતુ ઢાકા હજુ સુધી ફરાર છે.

પેપર માફિયાઓના 28 ઠેકાણાઓ પર દરોડા

રાજસ્થાનમાં ગત ડિસેમ્બરમાં RPSP દ્વારા શિક્ષક ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. RPSPના સભ્ય કટારાએ જ એક પેપર માફિયા શેર સિંહને પેપર વેંચ્યું હતું. અગાઉ થર્ડ ગ્રેડ શિક્ષણ ભરતી પરીક્ષા એટલે કે રીટનું પ્રશ્ન પત્ર પણ આ પેપર માફિયાએ વેંચ્યું હતું. ઈડીએ રાજસ્થાનમાં આજે પેપર માફિયાઓના 28 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. ઈડી દ્વારા હજુ પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. 

CM ગેહલોતે EDની કાર્યવાહી સામે ઉઠાવ્યા સવાલ

બીજી તરફ મુખ્યમંત્રી અશોક ગેહલોતે ઈડીના દરોડા પર વાંધો ઉઠાવ્યો છે. ગેહલોતે કહ્યું કે, રાજસ્થાનના ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો એટલે કે ACB સારી તપાસ કરી રહી હતી. તેમણે આરોપ લગાવ્યો કે, ઈડી-સીબીઆઈ રાજસ્થાનમાં એન્ટ્રી માટે તરસી રહી છે.

મોટા મગરો પણ ઈડીની તપાસમાં પકડાશે : ભાજપ

બીજી તરફ આ મામલે આંદોલન ચલાવનારા ભાજપના રાજ્યસભા સાંસદ કિરોડીલાલ મીણાએ દાવો કરતા કહ્યું કે, આ કૌભાંડમાં ઘણા મંત્રીઓ અને મુખ્યમંત્રી ઓફિસના અધિકારીઓ સામેલ છે. આ મોટા મગરો ઈડીની તપાસમાં પકડાઈ જશે. 

પાયલોટે ઉછાળ્યો હતો પેપર લીકનો મામલો

ઉલ્લેખનિય છે કે, રાજસ્થાનમાં પેપર લીક કૌભાંડ અંગે સચિન પાયલોટે 11થી 15 મે દરમિયાન અજમેરથી જયપુર સુધી અશોક ગેહલોત સરકાર વિરુદ્ધ જનસંઘર્ષ યાત્રાનું આયોજન કર્યું હતું. ત્યારબાદ પાયલોટે 15 મેએ જયપુરમાં જનસભા દરમિયાન ગેહલોતને 31 મે સુધીમાં પેપર લીક કૌભાંડમાં કાર્યવાહી કરવા, આરપીએસપીનું પુર્નગઠન કરવા અને પીડિત વિદ્યાર્થીઓને વળતર ચૂકવવાની માંગ સાથે અલ્ટીમેટમ આપ્યું હતું. પાયલોટ હજુ પણ કહી રહ્યા છે કે, જો રાજ્ય સરકાર કાર્યવાહી નહીં કરે તો તેઓ આંદોલન કરશે.

લગભગ 10 ભરતી પરીક્ષામાં પ્રશ્નપેપર લીક થવાનો આરોપ

રાજસ્થાનમાં 2021માં યોજાયેલી રીટ પરીક્ષામાં પ્રશ્ન પત્ર લીક થયું હતું, જેમાં 26 લાખ ઉમેદવારો બેઠા હતા. ત્યારબાદ વધુ ત્રણ પરીક્ષાના પ્રશ્ન પેપર લીક થયા, જેમાં ગત વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી સેકન્ડ શિક્ષણ ભરતી પરીક્ષા સામેલ છે. આ પરીક્ષામાં પેપર માફિયાઓએ ઉમેદવારને ઉદયપુરની બસમાં બેસાડી ખરીદેલા પેપરની નકલ કરાવી હતી. રાજસ્થાનમાં લગભગ 10 ભરતી પરીક્ષામાં પેપર લીક થવાનો આરોપ છે. આ પરીક્ષાઓમાં કેટલીક પરીક્ષા રદ થઈ હતી.