×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નોટબંધી બાદ રોકડનું પ્રમાણ વધીને 33 લાખ કરોડ


- ડિજિટલ પેમેન્ટના વધતા વ્યાપ વચ્ચે રોકડનું પ્રમાણ અઢી ગણું વધ્યું

- ત્રણ વર્ષમાં રિઝર્વ બેંકે રૂ.19.92 લાખ કરોડની નવી નોટ પ્રિન્ટ કરી સિસ્ટમમાં મૂકીઃ કુલ ચલણમાં રૂ.500 અને રૂ.2000ની નોટોનું પ્રમાણ 87.1 ટકા

અમદાવાદ : ડિજિટલ પેમેન્ટના વધી રહેલા વ્યાપ અને ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં ઈ-રૂપી માટે પ્રાયોગિક કવાયત ચાલી રહી છે ત્યારે ભારતના અર્થતંત્રમાં રોકડની બોલબાલા હજી ઓછી નથી થઇ. નોટબંધી બાદ ૨૦૧૬-૧૭માં દેશના ચલણમાં કુલ રોકડ રૂ.૧૩ લાખ કરોડ હતી જે માર્ચ ૨૦૨૩ના અંતે અઢી ગણી વધી રૂ.૩૩ લાખ કરોડ  થઇ ગઈ હોવાના આંકડા રિઝર્વ બેંકના વર્ષ ૨૦૨૨-૨૩ના વાર્ષિક અહેવાલમાં બહાર આવ્યા છે. એટલું જ નહી, વિકસી રહેલા અર્થતંત્ર, મોંઘવારી અને રોકડની માંગના કારણે છેલ્લા ત્રણ વર્ષમાં રિઝર્વ બેંકે વિવિધ મૂલ્યની રૂ.૧૯.૯૨ લાખ કરોડની ચલણી નોટોનો પુરવઠો ઉભો કર્યો હોવાનું પણ આ અહેવાલમાં નોંધવામાં આવ્યું છે. 

અમેરિકન અર્થતંત્રમાં નાણા છાપવામાં આવે છે અને સતત દેવા હેઠળ જીવતી અમેરિકન સરકાર, બજારમાં પુષ્કળ નાણા પ્રવાહિતા ઠાલવી રહી હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે, ભારતમાં પણ કોરોનાની મહામારી સમયે નાણા પ્રવાહિતા ઠાલવવામાં આવી હતી. વ્યાજના દર વિક્રમી નીચા સ્તરે હતા. રિઝર્વ બેંકના કરન્સી મેનેજમેન્ટ ડીપાર્ટમેન્ટ દ્વારા અર્થતંત્રના આંકલન બાદ જરૂરી માંગ અને વર્તમાન પુરવઠાના આધારે નવી નોટો પ્રિન્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત, જરીપૂર્ણ નોટો રદ્દ પણ કરવામાં આવે છે. માંગ અને પુરવઠાની સ્થિતિ બાદ દેશના અર્થતંત્રમાં આ ત્રણ વર્ષમાં રૂ. ૭,૧૨,૬૭૦ કરોડની રકમ નોટોના સ્વરૂપમાં વધારે ઠાલવવામાં આવી છે, એમ બેંકને નોટોની જવાબદારીના આધારે જાણવા મળે છે.  કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૦૬ની નોટબંધીમાં રૂ.૧૦૦૦ અને રૂ.૫૦૦ની નોટો રદ્દ કરવામાં આવી હતી. આ સમય પછી રૂ.૨૦૦૦ અને રૂ.૫૦૦ની નવી નોટ દાખલ કરવામાં આવી હતી. રોકડના સ્વરૂપે સંગ્રહ થતું કાળું નાણું બહાર લાવામાં માટેના એક પગલાં બાદ સિસ્ટમમાં રોકડનું પ્રમાણ ઘટે એ માટે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યા છે. યુપીઆઈ પેમેન્ટ ઉપર કોઈ ચાર્જ વસૂલવામાં આવતો નથી. મએપ્રિલ મહિનામાં એકલા યુપીઆઈ થકી રૂ.૧૪.૦૭ લાખ કરોડના વ્યવહાર થયા હતા જે આગળના વર્ષ કરતા ૪૯ ટકા વધારે હતા. આમ, ડિજિટલ પેમેન્ટનું પ્રમાણ વધ્યું છે પણ સામે રોકડનું પ્રમાણ પણ વધ્યું છે. એટલું જ નહી હજીપણ જેનું મૂલ્ય વધારે છે એવી નોટો જ બજારમાં વધારે ફરી રહી છે. 

રિઝર્વ બેંકના અહેવાલ અનુસાર ચલણમાં રહેલી નોટનું પ્રમાણ માર્ચ ૨૦૨૨ના રોજ રૂ.૩૧.૦૫ લાખ કરોડ હતું તે માર્ચ ૨૦૨૩ના વધી રૂ.૩૩.૪૮ લાખ કરોડ થયું હતું. આ વૃદ્ધિ ૭.૮ ટકાની છે. માર્ચના અંતે મૂલ્યની દ્રષ્ટિએ રૂ.૨૦૦૦ અને રૂ.૫૦૦ની નોટો ભેગી મળી કુલ ચલણમાં ૮૭.૧ ટકા હિસ્સો ધરાવે છે. દેશમાં માર્ચ ૨૦૨૩ની સ્થિતિએ કુલ રોકડમાં એકલા રૂ.૫૦૦ની નોટોનું પ્રમાણ ૭૭.૧ ટકા હોવાનું અહેવાલમાં નોંધવામાં આવ્યું છે. માર્ચ ૨૦૨૨માં રૂ.૫૦૦ કરતા ઓછા મૂલ્યની નોટોનું પ્રમાણ કુલ રોકડમાં નવ ટકા હતું જે માર્ચ ૨૦૨૩માં ઘટી ૮.૩ ટકા થઇ ગયું છે. લોકો ઊંચા મૂલ્યની નોટોનો સંગ્રહ કરી રહ્યા છે એ સૂચવે છે કે મોંઘવારી અને ફુગાવા સામે રક્ષણ મેળવવા માટે લોકો બેંકમાં જમા કરવા કરતા પોતાના હાથ ઉપર રોકડ રાખવાનું પસંદ કરી રહ્યા છે. 

વિશ્વની અન્ય સેન્ટ્રલ બેંકોની જેમ રિઝર્વ બેંકે પણ પોતાની અનામત માટે સોનું ખરીદવાની પ્રવૃત્તિને વેગ આપ્યો છે. જૂન ૨૦૧૮માં રિઝર્વ બેંક પાસે ૫૬૬ ટન સોનું હતું જે માર્ચ ૨૦૨૩માં વધી ૭૯૫ ટન થઇ ગયું છે. જોકે, રિઝર્વ બેંકે પોતાની ચલણી નોટોની જવાબદારી સામે સોનાની ફાળવણી પણ વધારી છે. ગત વર્ષે રૂ.૧.૨૫ લાખ કરોડનું સોનું નોટો સામે અનામત રાખવામાં આવ્યું હતું જે આ વર્ષે વધી રૂ.૧.૪ લાખ કરોડ થયું છે. 

ફોરેકસ વ્યવહારોથી રૂ.1.03  લાખ કરોડની આવક

ભારતની સેન્ટ્રલ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આજે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩નો વાર્ષિક અહેવાલ બહાર પાડયો હતો. આ વર્ષ દરમિયાન ફોરેકસના નાણાકીય વ્યવહારો અને ટ્રેડીંગના કારણે રિઝર્વ બેંકને રૂ.૧.૦૩ લાખ કરોડની જંગી આવક થઇ હતી જે ગત વર્ષે રૂ.૬૮,૯૯૦ કરોડ હતી. ફોરેકસની આવક વધતા રિઝર્વ બેંક પાસે પુરાંત વધી હતી અને જેના કારણે આકસ્મિક ફંડમાં રૂ.૧.૩૦ લાખ કરોડની ફાળવણી કરી હતી તેમજ ભારત સરકારને વધારે ડિવીડન્ડ પણ આપવું શક્ય બન્યું હતું. ગત વર્ષના રૂ.૩૦,૩૦૭ કરોડ સામે આ વર્ષે રિઝર્વ બેંકે કેન્દ્ર સરકારને રૂ.૮૭,૪૧૬ કરોડનું ડિવીડન્ડ આપવાની જાહેરાત અગાઉ કરવામાં આવી છે. 

નકલી નોટોમાં રૂ.500ની સૌથી વધુ

નકલી નોટોનું પ્રમાણ એકંદરે ઘટયું છે પણ રૂ.૫૦૦ની ચલણી નોટો નકલી હોવાનું પ્રમાણ વધ્યું છે. દેશમાં પકડાયેલી કુલ નકલી નોટોમાં રૂ.૫૦૦ની નોટો ૫૭ ટકા કે ૯૧,૧૧૦ કે રૂ.૭.૯૦ કરોડની મળી આવી હતી. ગત વર્ષ કરતા આ પ્રમાણ ૧૪.૪ ટકા વધ્યું છે. 

ત્રણ વર્ષમાં રિઝર્વ બેંકે કેટલી નવી નોટો પ્રિન્ટ કરી

મૂલ્ય

નોટ લાખમાં

રૂ. કરોડ

૧૦

૧૬,૩૫૬

,૬૩૫.૬

૨૦

૭૮,૫૧૯

,૭૦૩.૮

૫૦

૫૦,૮૮૭

,૪૪૩.૫

૧૦૦

,૩૭,૨૭૨

,૩૭,૨૭૨

૨૦૦

૪૭,૦૯૭

૯૪,૧૯૪

૫૦૦

,૪૩,૬૭૯

૧૭,૧૮,૩૯૫

કુલ

-

૧૯,૯૨,૬૪૩.૯


રિઝર્વ બેંકની રોકડ જવાબદારી

મહિનો

રૂ. લાખ કરોડ

માર્ચ ૨૦૨૦

રૂ.૨૬.૩૫

માર્ચ ૨૦૨૩

રૂ.૩૩.૪૮

વૃદ્ધિ

૭.૧૨