×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અધિનમ મહંતે PM મોદીને સોંપ્યું સેંગોલ, કાલે નવા સંસદ ભવનમાં કરાશે સ્થાપિત

નવી દિલ્હી, તા.27 મે-2023, શનિવાર

નવી સંસદ ભવનના ઉદ્ઘાટન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પીએમ આવાસ પર તમિલનાડુના અધિનમ મહંતને મળ્યા હતા. આ દરમિયાન PM મોદીને સેંગોલ સોંપાયું હતું. અધિનમ મહંતે વૈદિક મંત્રોચ્ચારો કરી સત્તા હસ્તાંતરણનો આ સાંસ્કૃતિક વારસો સેંગોલ સોંપ્યો છે. આ પ્રસંગે 21 અધીનલ મહંતો ઉપસ્થિત રહ્યા હતા. આ અગાઉ વડાપ્રધાન મોદીને સોનેરી અંગવસ્ત્રમ આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમણે વૈદિક વિધિ મુજબ સેંગોલ પ્રાપ્ત કર્યું હતું. આ દરમિયાન નાણા મંત્રી નિર્મલા સીતારમણ પણ ઉપસ્થિત રહ્યા હતા.

PM આવાસ પર સોંપાયું સેંગોલ

મળતા અહેવાલો મુજબ રવિવારે નવા સંસદ ભવનનાં ઉદઘાટન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવાસ પર આજે અધીનમ મહંતો પહોંચ્યા હતા. PM મોદીએ તેમની મુલાકાત લઈને આશિર્વાદ લીધા હતા. અધીનલ મહંતે વડાપ્રધાન મોદીને સેંગોલ સોંપ્યું હતું. ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન મોદી આવતીકાલે 28મી મેએ નવા સંસદ ભવનનું ઉદઘાટન કરશે. નવા સંસદ ભવનનું ઉદઘાટન વૈદિક વિધિ-વિધાન સાથે કરવામાં આવશે. 

સેંગોલની લંબાઈ 5 ફુટ

તાજેતરમાં જ સેંગોલની એક્સક્લૂઝિવ તસવીરો સામે આવી હતી. 5 ફુટ લાંબા સેંગોલ પર સોનાની પરત ચઢાવાઈ છે. તેના ઉપરના ભાગે નંદી બિરાજમાન છે અને તેના પર ધ્વજ જોવા મળી રહ્યા છે. સેંગોલની નીચે તમિલ ભાષામાં કંઈક લખેલું પણ છે. આ સેંગોલને 1947માં બનાવવામાં આવ્યું હતું.

સંસદમાં ક્યાં સ્થાપિત કરાશે સેંગોલ ?

નવા સંસદ ભવનમાં સેંગોલ સ્થાપિત કરતા પહેલા તેને ફરી એકવાર પવિત્ર જળથી શુદ્ધ કરવામાં આવશે. ફરી એકવાર નવું સંસદ ભવન વૈદિક મંત્રોચ્ચારથી ગુંજી ઉઠશે. ફરી એકવાર સંસદમાં શંખના અવાજ સંભળાશે. ત્યારબાદ તેને વડાપ્રધાન મોદીને સોંપવામાં આવશે અને તેઓ સેંગોલને લોકશાહીના નવા મંદિરમાં સ્થાપિત કરશે. લોકસભા અધ્યક્ષની ખુરશીની બાજુના પોડિયમ પર સેંગોલ સ્થાપિત કરવામાં આવશે.