×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સિદ્ધારમૈયા 5 વર્ષ સુધી CM રહેશે… કર્ણાટકના મંત્રીના નિવેદન બાદ DK શિવકુમારે આપ્યો જવાબ

બેંગાલુરુ, તા.23 મે-2023, મંગળવાર

કર્ણાટકની નવી રચાયેલી સરકારના મંત્રી એમ.બી.પાટીલે કહ્યું કે, સિદ્ધારમૈયા પૂરા 5 વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે યથાવત્ રહેશે. પાટીલના આ નિવેદન બાદ રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. દરમિયાન તાજેતરમાં જ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે બહુમતી સાથે વિજય મેળવ્યો હતો. ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રીની દોડમાં સામેલ સિદ્ધારમૈયા અને ડી.કે.શિવકુમારને લઈ લાંબો સમય સુધી સ્પર્ધા જામી હતી. જોકે ત્યારબાદ સિદ્ધારમૈયા અને ડી.કે.શિવકુમારને 50:50 એટલે કે પ્રથમ અઢી વર્ષ માટે સિદ્ધારમૈયા અને ત્યારબાદ અઢી વર્ષ માટે ડી.કે.શિવકુમારને મુખ્યમંત્રી બનાવવા પર મહોર વાગી ગઈ હતી. જોકે આ બધી કમઠાણો પૂર્ણ થયા બાદ પાટીલે વિવાદાસ્પદ નિવેદન કરી એ વાતને રદીયો આપ્યો છે, જેમાં નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમાર અઢી વર્ષ બાદ અથવા 2024ની લોકસભા ચૂંટણી બાદ મુખ્યમંત્રી પદ સંભાળવાનો નિર્ણય કર્યો છે.

પાટીલના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી શકતા હતા, જોકે...

પાટિલે સોમવારે સાંજે કહ્યું કે, મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે. મંત્રીના નિવેદન પર નાખુશ જોવા મળેલા શિવકુમારે કહ્યું કે, આ બાબતને હાઈકમાન્ડ જોશે. જ્યારે બીજીતરફ બેંગલુરુ ગ્રામીણના સાંસદ તેમના ભાઈ ડી.કે.સુરેશે કહ્યું કે, તેઓ પાટીલના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી શકે છે, પરંતુ તેઓ આવું નહીં કરે. પાટિલે સોમવારે મૈસુરમાં કહ્યું હતું કે, સિદ્ધારમૈયા 5 વર્ષ સુધી મુખ્યમંત્રી રહેશે. જો સત્તાની વહેંચણી અથવા બીજું કંઈક હોત તો, અમારા નેતૃત્વએ તેમને (મીડિયા)ને જણાવ્યું હોત, આવું કંઈપણ નથી.

પાટીલે કરી સ્પષ્ટતા... કહ્યું, કોંગ્રેસ મહાસચિવના નિવેદનને દોહરાવ્યું હતું.

જ્યારે પાટીલને પુછવામાં આવ્યું કે, શું લોકસભા ચૂંટણી બાદ મુખ્યમંત્રી બદલાશે અને શિવકુમાર મુખ્યમંત્રી બનશે.. તો પાટીલે કહ્યું કે, જો આવી વાત હોત તો અમારા એઆઈસીસી મહાસચિવ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તમને કહી દેતા... તેમણે કહ્યું કે, આવી કોઈ વાત નથી... પાટીલે આજે તેમના નિવેદન પર સ્પષ્ટતા કરતા કહ્યું કે, તેમણે સોમવારે પત્રકારો સામે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહાસચિવ કે.સી.વેણુગોપાલની વાતનો દોહરાવ્યું હતું, જે તેમણે (વેણુગોપાલે) 18 મેએ સિદ્ધારમૈયાનું નામ મુખ્યમંત્રી અને શિવકુમારનું નામ નાયબ મુખ્યમંત્રી જાહેર કર્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં દરમિયાન કહ્યું હતું.