×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આમાં તમારું નુકશાન છે, અમારું નહીં… G20 બેઠકમાં ચીનની ગેરહાજરી પર ભારતે આપ્યો જડબાતોડ જવાબ

શ્રીનગર, તા.23 મે-2023, મંગળવાર

જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં ચાલી રહેલ G20 બેઠકમાં ચીને ભાગ લીધો નથી, જેને લઈને કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે જડબાતોડ જવાબ આપી કહ્યું કે, આ બેઠકમાં ચીનની ગેરહાજરીથી કોઈ ફરક પડતો નથી અને આમા તેમનું જ નુકશાન છે, ભારતનું નહીં... વાસ્તવમાં ચીન સિવાય G20ના અન્ય તમામ દેશોના પ્રતિનિધિઓ G20 પ્રવાસન કાર્યકારી જૂથની બેઠકમાં ભાગ લેવા સોમવારે શ્રીનગર પહોંચ્યા હતા. આ બેઠક અંગે જિતેન્દ્ર સિંહે કહ્યું કે, ‘આનાથી (બેઠકમાં ચીન સામેલ ન થવા પર) કોઈ ફરક પડતો નથી. ચીનનું ન આવવું ચીનને જ નુકસાન છે, ભારતને નહીં...’

અમે વિવિધતા ધરાવતા દેશ છીએ

પૂર્વ લદ્દાખ સરહદ પર ચાલી રહેલા ઘર્ષણના કારણે ચીન ગેરહાજર રહ્યું છે ? તેવા પ્રશ્નના જવાબમાં જિતેન્દ્ર સિંહે કહ્યું કે, આ બાબત પર વિદેશ મંત્રાલય વિચાર કરશે. બીજી તરફ કાશ્મીરમાં G-20 કાર્યક્રમના આયોજન અંગે જિતેન્દ્ર સિંહે કહ્યું કે, જે સ્થળોએ પ્રતિનિધિઓ જશે તે સ્થળની તેમને માહિતી અપાશે. વડાપ્રધાન કાર્યાલયમાં કેન્દ્રીય રાજ્યમંત્રીએ કહ્યું કે, અમે યુરોપના કેટલાક દેશોની જેમ નાના, સજાતીય રાષ્ટ્ર નથી. અમે વૈવિધ્યસભર દેશ છીએ.

કાશ્મીરમાં લોકો આગળ વધ્યા છે : કેન્દ્રીય મંત્રી

બીજી તરફ કાશ્મીર પર પાકિસ્તાની પ્રચાર અંગે પૂછવામાં આવતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, લોકો હવે આગળ વધી ગયા છે. તેમણે કહ્યું કે, સૌથી મહત્વની વાત એ છે કે સામાન્ય જનતા આગળ વધી ચુકી છે. જો તમે શ્રીનગરમાં રસ્તા પર કોઈ વ્યક્તિ સાથે વાત કરશો તો કદાચ તે વ્યક્તિ ખુલીને વાત ન કરી શકે... પરંતુ આતંક વિરુદ્ધ નિર્ણાયક કાર્યવાહીથી ભયનો માહોલ દૂર થઈ રહ્યો છે. જિતેન્દ્ર સિંહે એક દિવસ પહેલા કહ્યું હતું કે, કાશ્મીરમાં પરિવર્તન આવ્યું છે અને શ્રીનગરના રસ્તાઓ પર સામાન્ય લોકો આગળ વધવા માંગે છે. તેઓએ (આતંકવાદને કારણે) બે પેઢીઓ ગુમાવી છે.