×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આજથી કડક સુરક્ષા વચ્ચે શ્રીનગરમાં G-20ની બેઠક શરુ થશે, સભ્ય દેશોના 60 પ્રતિનિધિઓ ભાગ લેશે

Image : Twitter

આજથી શ્રીનગરમાં કડક સુરક્ષા વચ્ચે G-20 ટૂરિઝમ વર્કિંગ ગ્રુપની ત્રણ દિવસીય બેઠક શરૂ થશે. શ્રીનગરના ડાલ સરોવરના કિનારે શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત બેઠકમાં વિવિધ રાષ્ટ્રોના 60 કરતા પણ વધારે પ્રતિનિધિઓ ભાગ લેશે. ડાલ સરોવરની સુરક્ષા માર્કોસ કમાન્ડો દ્વારા કરવામાં આવી રહી છે.

લાલચોક સહિત અનેક વિસ્તારોમાં NSG કમાન્ડોના ધામા

આ બેઠકને માટે લાલચોક સહિત અનેક વિસ્તારોમાં NSG કમાન્ડોએ ધામા નાખ્યા છે. ડાલ સરોવરના કિનારે બુલેવાર્ડ રોડ પર ત્રણ દિવસ સુધી વાહનવ્યવહાર પ્રતિબંધિત રહેશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બોર્ડરથી નિયંત્રણ રેખા સુધી એલર્ટ છે. કઠુઆ, સાંબા, જમ્મુ, રાજોરી, પુંછ, બારામુલ્લા, કુપવાડા અને બાંદીપોરાના સરહદી જિલ્લાઓમાં જવાનોને IB અને LoC પર વધુ સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે.

પ્રતિનિધિઓનું સ્વાગત કરવામાં આવશે

કોન્ફરન્સના પ્રથમ દિવસે પ્રતિનિધિઓ બપોરે SKICC ખાતે પહોંચશે. સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. ક્રાફ્ટ બજારમાં સ્થાનિક ઉત્પાદનોના પ્રદર્શનમાં પ્રતિનિધિઓને જોવાની તક મળશે. બીજા દિવસે આર્થિક વિકાસ અને સાંસ્કૃતિક જાળવણી માટે ફિલ્મ ટુરિઝમ પર સેશન હશે જેથી ફિલ્મ ટુરીઝમને પ્રોત્સાહન મળી શકે. આ સાથે ઈકો ટુરીઝમ પર અલગ સેશન પણ યોજાશે.

પરી મહેલ અને મુગલ ગાર્ડનના પ્રતિનિધિઓ મુલાકાત લેશે

G-20માં હાજરી આપનાર પ્રતિનિધિઓ પરી મહેલ, અને મુગલ ગાર્ડનની મુલાકાત લેશે. આ સાથે તેઓ પોલો વ્યુ માર્કેટની પણ મુલાકાત લેશે જેનું તાજેતરમાં નવીનીકરણ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર અને જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રને આશા છે કે આ આયોજનથી જમ્મુ-કાશ્મીરની અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવામાં મદદ કરશે.