×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બોબી પટેલના કબુતરબાજી કૌભાંડમાં ફરાર બે આરોપીઓ મુંબઇથી ઝડપાયા

અમદાવાદ,શનિવાર

બનાવટી પાસપોર્ટ અને વીઝા અપાવીને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરાવવાના ભરત ઉર્ફે બોબી પટેલ વિરૂદ્વ નોંધવામાં આવેલા ગુનામાં ફરાર બે આરોપીઓને ઝડપી લેવામાં સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને સફળતા  મળી છે. બોબી પટેલના ભાગીદાર તરીકે કામ કરતા  પ્રવિણ પટેલ અને હિતેશ પટેલ કબુતરબાજીનો ગુનો નોંધાયા બાદ ફરાર હતા અને મુંબઇમાં  મલાડ ખાતે રહેતા હતા. પ્રવિણ પટેલ અને હિતેશ પટેલ બોબી પટેલને મહેસાણા અને ઉત્તર ગુજરાતના અન્ય શહેરોમાંથી ગ્રાહકો શોધી આપતા હતા. બદલામાં તેમને એક ગ્રાહક દીઠ સાત રૂપિયા સુધીનું કમિશન મળતું હતું. ત્યારે બંનેની પુછપરછ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.અમદાવાદના સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં બોબી ઉર્ફે ભરત પટેલ વિરૂદ્વ નોંધાયેલા ગુજરાતના સૌથી મોટા કબુતરબાજીના કેસમાં તપાસ કરી રહેલી સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ બાતમીને આધારે આ કેસમાં ફરાર બે આરોપીઓને ઝડપી મુંબઇના મલાડથી ઝડપી લીધા હતા. એસએમસીના ડીવાયએસપી કે ટી કામરિયાને ચોક્કસ બાતમી મળી હતી કે બોબી ઉર્ફે ભરત પટેલના ભાગીદાર પ્રવિણ પરષોતમભાઇ પટેલ અને  હિતેશ જંયતિભાઇ પટેલ છેલ્લાં ઘણા સમયથી મુંબઇના મલાડ ખાતે ભાડાના મકાનમાં રહીને છુપાયા છે. જે બાતમીને આધારે પોલીસની એક ટીમને મુંબઇ મોકલી હતી. જ્યાં મલાડ વેસ્ટમાં આવેલા શયના શ્લોક ટાવરમાંથી પ્રવિણ પટેલ અને હિતેશ પટેલને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી  પાંચ મોબાઇલ ફોન, ૫૫ હજારની રોકડ, લક્ઝરી કાર સહિત કુલ ૧૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

બંનેની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે બોબી પટેલ માટે મહેસાણા અને ઉત્તર ગુજરાતના અન્ય શહેરોમાંથી ગ્રાહકો શોધી આપતા હતા. જે બાદ બોબી પટેલ બનાવટી પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજો તૈયાર કરીને લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરાવતો હતો.  જેના બદલામાં તે ગ્રાહક દીઠ  ૬૦ લાખથી ૭૦ લાખની રકમ વસુલતો હતો. જ્યારે તે પૈકીની ૧૦ ટકા રકમ કમિશન પેટે પ્રવિણ અને હિતેશને આપતો હતો. બંનેની મદદથી બોબી પટેલે ૭૦ થી ૮૦ કરોડ રૂપિયા ગ્રાહકો પાસેથી વસુલ્યા હતા. જેમાં પાંચ કરોડથી વધારે કમિશન બંનેને મળ્યું હતું.સોલા હાઇકોર્ટમાં ગુનો નોંધાયા બાદ બંને જણા ફરાર થઇ ગયા હતા અને રાજસ્થાનમાં છુપાયા બાદ ગોવામાં પણ રહ્યા હતા અને થોડા સમય પહેલા મુંબઇના મલાડમાં રહેવા માટે આવ્યા હતા. સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.