×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રથયાત્રા અને IPLની ફાઈનલ મેચ નજીક હોવા છતાં અમદાવાદ શહેર ઈન્ચાર્જ પોલીસ કમિશ્નરના ભરોસે



અમદાવાદઃ 30મી એપ્રિલના રોજ અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ નિવૃત્ત થયાને 20 દિવસ થયા હોવા છતાં શહેર પોલીસ કમિશ્વનર જેવી મહત્વની જગ્યા હજુ પણ ચાર્જ પર ચાલી રહી છે. નોંધનીય છે કે, એક તરફ અમદાવાદ શહેરમાં રાજ્યની સૌથી મોટી રથયાત્રા નીકળવાની છે અને ભાંગફોડ્યા પ્રવૃત્તિ ના થાય તે માટે રાજ્યના ડીજીપી વિકાસ સહાય ખુદ અમદાવાદ શહેર પોલીસ સાથે મીટિંગો કરી રહ્યાં છે. આ ઉપરાંત આઈપીએલ ક્રિકેટ મેચ પણ અમદાવાદ શહેરમાં રમાવાની છે ત્યારે અનેક સેલીબ્રિટીઓ તેમજ ક્રિકેટરો શહેરના મહેમાન બનવાના છે ત્યારે ઈન્ચાર્જ પોલીસ કમિશ્નર પ્રેમવિરસિંહના ભરોસે અમદાવાદ શહેર મુકવામાં આવતાં પોલીસ વિભાગમાં ચર્ચા ચાલી રહી છે કે, અમદાવાદ શહેર રામ ભરોસે હોય તેમ લાગી રહ્યું છે. 

રથયાત્રા ક્યારેય પોલીસ કમિશ્નર વિના નીકળી નથી
અમદાવાદના ઈતિહાસમાં શહેરના સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થતી રથયાત્રા ક્યારેય પોલીસ કમિશ્નર વિના નીકળી નથી. શહેરમાં આગામી જૂન મહિનામાં નીકળનારી રથયાત્રાનો આટલો મોટો પ્રસંગ હોવા છતાં સરકાર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. નોંધનીય છે કે, અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરનો તાજ વડોદરાના પોલીસ કમિશ્રર ડો. શમશેરસિંહ, આઈબીના વડા અનુપમસિંહ ગેહલોત, કેન્દ્રમાં ડેપ્યુટેશનમાં રહેલા જી.એસ.મલિક અને મનોજ શશીધરણના નામોની અનેકવાર ચર્ચાઓ થઈ છતાં સરકાર અવઢવમાં હોય તેમ કોઈ નિર્ણય લઈ શકતી નથી. જેના કારણે પોલીસ વિભાગમાં નારાજગી વ્યાપી હોવાનું જાણવા મળ્યું છે. 

રથયાત્રાને એક મહિના જેટલો સમય બાકી
રથયાત્રા નીકળવાને એક મહિના જેટલો સમય બાકી છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ હિંદુ અને મુસ્લિમ બિરાદરોને એક જૂથ રાખવા માટે ક્રિકેટ મેચ, મહોલ્લા મીટિંગ તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં આર્મીની ફ્લેગ માર્ચ તેમજ હિસ્ટ્રીશીટરોનું લીસ્ટ બનાવીને તેમને જેલ ભેગા કરવાની બહુ મોટી જવાબદારી શહેર પોલીસ કમિશ્નર ઉપર હોય છે. ત્યારે આ ટાણે કાયમી પોલીસ કમિશ્નર ના હોવાથી કોઈ યોગ્ય ડિસિજન લેવાતુ ના હોવાની પણ પોલીસ બેડામાં ચર્ચાઓ ચાલી રહી છે. હાલના ઈન્ચાર્જ પોલીસ કમિશ્નર પ્રેમવિરસિંહ પણ 18મી મેએ વિદેશ પ્રવાસ જવાના હતાં. આ અંગે તેમણે અગાઉથી જ સરકારને જાણ કરી દીધી હતી. પરંતુ કાયમી પોલીસ કમિશ્નર નહીં હોવાના કારણે તેમણે પોતાનો વિદેશ પ્રવાસ રદ કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે. 

સરકાર પણ અવઢવમાં હોવાની ચર્ચાઓ
જો હજુ પણ રથયાત્રા સુધી કાયમી પોલીસ કમિશ્નર નહીં મુકાય તો રથયાત્રા તેમજ આઈપીએલ ક્રિકેટ મેચ અને વીવીઆઈપીઓની મુવમેન્ટમાં કોઈપણ અનિચ્છનિય ઘટના બનશે તો તે માટે જવાબદાર કોણ તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર બનાવવા માટે સરકાર પણ અવઢવમાં હોવાનું જાણવા મળ્યું છે. જેથી રથયાત્રા બાદ નવા પોલીસ કમિશ્નર અમદાવાદને મળશે તેમ કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓમાં ચર્ચાઓ ચાલી રહી છે.