×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

RBIએ રૂ 2000ની ચલણી નોટો પરત ખેંચી


- નવેમ્બર 2016ની નોટબંધીની યાદ ફરી તાજી થઇ

- ગ્રાહકોને તા.23 મેથી તા.30 સપ્ટેમ્બર વચ્ચે નોટો બદલી લેવા કે બેંકમાં જમા કરવા તાકીદ: રૂ.20,000ની મર્યાદામાં કોઇપણ બેંકમાંથી નોટો બદલી આપવામાં આવશે

- દેશની પ્રજાને મૂંઝવતો પ્રશ્ન: નોટો પરત ખેંચી લીધી પણ ચલણમાં કાયદેસર ગણાશે એટલે શું?


અમદાવાદ : નવેમ્બર ૨૦૧૬માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલી નોટબંધીની યાદ પ્રજાને તાજી કરાવે એવી જાહેરાતના ભાગરૂપે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રૂ.૨,૦૦૦ના દરની ચલણી નોટો રદ્દ કરી તેને પરત ખેચવાની જાહેરાત કરી છે. જોકે, નોટો બેંકમાં જમા કરાવવા કે તેને બદલવા માટે અથવા તો રોકડ વ્યવહારમાં તે સ્વીકારવા માટે તા.૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ એટલે કે લગભગ ચાર મહિના જેટલો સમય આપવામાં આવ્યો છે. અંદાજ અનુસાર માર્ચ ૨૦૨૩ની સ્થિતિએ દેશના કુલ રોકડ ચલણમાં ૧૦.૮ ટકા કે રૂ.૩.૬૨ લાખ કરોડની ચલણી નોટો રૂ.૨,૦૦૦ના સ્વરૂપમાં હતી. 

તા.૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ સમયે ચલણમાં રહેલી રૂ.૫૦૦ અને રૂ.૧,૦૦૦ની નોટો રદ્દ કરવાની જાહેરાત કરી તે સમયે રૂ.૨,૦૦૦ની નવી નોટો ચલણમાં મુકવામાં આવી હતી. આ પછી રિઝર્વ બેંકે ૨૦૧૮-૧૯ના વર્ષથી રૂ.૨,૦૦૦ની નવી ચલણી નોટો પ્રિન્ટ કરવાનું બંધ કર્યું હતું અને ત્યારથી વારંવાર આ નોટો રદ્દ થઇ જશે, સરકાર ગમે ત્યારે તેને પણ નોટબંધીની જેમ બંધ કરી દેશે એવી ચર્ચાઓ ચાલી રહી હતી અને પ્રજાને સતત ડર હતો કે આ નોટો પરત ખેંચી લેવામાં આવશે. 

રિઝર્વ બેંકે તાત્કાલિક અસરથી એટીએમ ઉપર અને બેંક કાઉન્ટર ઉપરથી રૂ.૨,૦૦૦ના ચલણની નોટો ગ્રાહકને આપવી નહી એવો પણ પોતાના જાહેરનામામાં આદેશ કર્યો છે. આ ઉપરાંત, કરન્સી ચેસ્ટ ધરાવતી બેંકોને પણ પોતાના સ્ટોરેજમાંથી કોઈપણ રીતે રૂ.૨,૦૦૦ના દરનો નોટોનો ઉપાડ બંધ કરવાની જાણ કરવામાં આવી છે. 

રિઝર્વ બેંકે બહાર પાડેલા જાહેરનામાં અનુસાર તા.૩૧ માર્ચ ૨૦૨૩ની સ્થિતિએ બજારમાં રૂ. ૩.૬૨ લાખ કરોડના મૂલ્યની બજારમાં નોટો ચલણમાં છે. માર્ચ ૨૦૧૮માં એક તબકકે કુલ ચલણમાં ૩૭.૩ ટકા કે રૂ.૬.૭૩ લાખ કરોડની આ દરની નોટો ચલણમાં હતી. નોટબંધી સમયે દેશમાં રોકડનું પ્રમાણ ઘટે, લોકો વધુને વધુ વ્યવહાર ડીજીટલ કે બેન્કિંગ સિસ્ટમથી કરે એવો ઉદ્દેશ હતો. જોકે, ભારતીય અર્થતંત્રમાં રોકડ કે ચલણી નોટોનું પ્રમાણ સતત વધી રહ્યું હતું. નવેમ્બર ૨૦૧૬ની નોટબંધી સમયે અર્થતંત્રમાં રૂ.૧૭.૭૨ લાખ કરોડની રોકડ હતી જે તા.૧૨ મે ૨૦૨૩ના રોજ બમણા જેટલી વધી રૂ.૩૪.૫૮ લાખ કરોડ હોવાનું રિઝર્વ બેંકના આંકડા જણાવે છે. 

રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે મોટાભાગની રૂ.૨,૦૦૦ના દરની નોટ માર્ચ ૨૦૧૭ પહેલા બહાર પાડવામાં આવી હતી અને ચલણની નોટોનું આયુષ્ય ૪ થી પાંચ વર્ષ જેટલું અંદાજીત હોય છે. આ ઉપરાંત, પ્રજા પોતાના રોકડ નાણાકીય વ્યવહારમાં રૂ.૨,૦૦૦ની નોટોનો ઉપયોગ અન્ય નોટ કરતા ઓછો કરી રહી છે એટલે તેનો ચલણમાં ઉપયોગ પણ ઘટી ગયો છે. રિઝર્વ બેંક બજારમાં સારી (ક્લીન નોટ) ગુણવત્તાની નોટો ઉપલબ્ધ હોય એવું ઈચ્છે છે એટલે પણ આ પગલું ઉચિત હોવાનું રિઝર્વ બેંકે જણાવ્યું હતું.

રિઝર્વ બેંકે બહાર પાડેલા જાહેરનામા અનુસાર રૂ.૨,૦૦૦ની નોટો પાછી ખેંચી લેવામાં આવી છે. ગ્રાહકોને તે બદલી લેવા કે બેંકોમાં તા.૩૦ સપ્ટેમ્બર સુધી જમા કરવા તાકીદ કરવામાં આવી છે. આ નોટો લીગલ ટેન્ડર એટલે કે ચલણી નોટ તરીકે સ્વીકાર્ય રહેશે એમ પણ જાહેરનામું જણાવે છે. એટલે પ્રજાને મૂંઝવણ શરુ થઇ છે કે નોટો તા.૩૦ સપ્ટેમ્બર સુધી ચલણમાં રહેશે કે પછી પણ ચલણમાં માન્ય ગણાશે. જો પછી પણ માન્ય ગણાશે તો બેંકો તે સ્વીકારશે કે નહી તે પણ એક મોટો સવાલ છે જે અંગે રિઝર્વ બેંકે સ્પષ્ટતા કરવી રહી.

કેટલી મર્યાદામાં નોટો બેંકમાં જમા કરાવી શકો?

ગ્રાહકના પોતાની બેંક સાથેના કેવાયસી અનુસાર તે કોઇપણ માત્રામાં, પોતાના બેંકના ખાતામાં રકમ જમા કરાવી કરાવી શકે છે. જોકે, બેંકોને રોકડ વ્યવહાર અંગેના અને શંકાસ્પદ વ્યવહાર અંગેના અહેવાલો સમયસર વિવિધ સત્તાવાળાઓને રોકડ જમા અંગે મોકલતા રહેવાની જાણ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત, બેઝિક સેવિંગ્સ બેંક એકાઉન્ટ (આ ખાતામાં મહત્તમ જમા રકમની મર્યાદા રૂ.૫૦,૦૦૦ છે) અને જન ધન બેંક એકાઉન્ટમાં (વાર્ષિક રૂપિયા એક લાખ) પણ રોકડ જમા કરાવવાની જે મર્યાદા છે તે મર્યાદાની સીમામાં જ રોકડ જમા કરાવી શકાશે.

પ્રજાની મૂંઝવણ: નોટો રદ્દ કે પરત ખેંચી લીધી?

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના જાહેરનામામાં જણાવ્યું છે કે રૂ.૨,૦૦૦ની નોટો ચલણમાંથી પરત ખેચવામાં આવી રહી છે પરંતુ તે ચલણ તરીકે કાયદેસર રીતે માન્ય રહેશે. રિઝર્વ બેંકે એમ પણ જણાવ્યું છે કે જાહેર જનતાએ પોતાની પાસે રહેલી રૂ.૨૦૦૦ની નોટો બેંકમાં જમા કરાવવા કે તેને બદલી લેવા માટે પોતે પ્રોત્સાહિત કરે છે.

 જોકે, જાહેરનામા અને તેને સંબધિત સવાલોમાં બેંકે ક્યાંય જણાવ્યું નથી કે તા.૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીની મુદ્દત પછી જો કોઈ વ્યક્તિ પાસે રૂ.૨,૦૦૦ની નોટો હશે તો શું થશે? નોટો પરત ખેંચવામાં આવે, બદલવા કે જમા કરવાનો સમય પૂર્ણ થાય પછી તે કોઈ વ્યક્તિ પાસે કાયદેસર માન્ય ચલણ હોય તો પણ નાણાકીય વ્યવહાર કેવી રીતે થશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ મુદ્દત પછી શું બેંક રૂ.૨,૦૦૦ની નોટો સ્વીકારશે કે નહી તે અંગે પણ કોઈ ઉલ્લેખ યાદીમાં થયો નથી.