×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મહારાષ્ટ્રમાં હવે અહેમદનગરમાં તોફાનો, એકનું મોત : ઈન્ટરનેટ બંધ


- ભારેલાં અગ્નિ જેવું વાતાવરણ, યુનિ.ની પરીક્ષાઓ પણ રદ

- અહેમદનગરમાં સંભાજી મહારાજની શોભાયાત્રામાં ઘર્ષણ ૧૫૦થી વધુ સામે ગુનો નોંધાયો, 100ની અટકાયત

મુંબઇ : સોશિયલ મીડિયા પરની એક પોસ્ટને લઇ અકોલામાં બે સમુદાયમાં ઘર્ષણ થયા બાદ પોલીસે ૧૦૦થી વધુ વ્યક્તિની અટકાયત કરાઈ છે. અકોલામાં રમખાણો ફાટી નીકળ્યા પછી અહમદનગર જિલ્લાના શેવગાંવમાં પણ કોમી અથડામણના પગલે અશાંતિ ફેલાઈ હતી. પરિણામે અશાંતગ્રસ્ત વિસ્તારોમાં રાજ્ય સરકારે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ હતી. શેવગાવમાં છત્રપતિ સંભાજી મહારાજની જયંતિ નિમિત્તે કાઢવામાં આવેલી શોભાયાત્રામાં બે જૂથ વચ્ચે ઘર્ષણ થતા પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં પાંચ જણ ઘવાયા હતા જેમા ચાર પોલીસકર્મીનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં અચાનક જ કોમી રમખાણોનો સિલસિલો શરુ થતાં રાજ્યની પોલીસ સહિત વિવિધ એજન્સીઓ ચોંકી ગઈ છે. રાજ્યના ગ્રામ વિકાસ મંત્રીએ આ તોફાનો પૂર્વનિયોજિત હોવાનો દાવો કર્યો હતો.  

અકોલામાં કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો હતો પણ અમૂક વિસ્તારમાં ફરીથી શાંતિ પ્રસ્થાપિત થતા કર્ફ્યુમાં રાહત આપવામાં આવી હતી. અકોલામાં અશાંત વાતાવરણના કારણે યુનિવર્સિટીની તમામ પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. શહેરમાં સ્થિતિ પૂર્વવત થયા બાદ આ બાબતે આગળનો નિર્ણય લેવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું. દરમિયાન સમગ્ર શહેરમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શનિવારે રાત્રે સોશિયલ મીડિયા પરની એક પોસ્ટને લીધે જુના શહેરમાં બે સમુદાય વચ્ચે ઘર્ષણ થઇ ભડકો થયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે બે પોલીસકર્મી સહિત આઠ જણ ઘવાયા હતા.

આ સંદર્ભે વધુ વિગત આપતા અકોલાના એસ.પી. સંદીપ ઘુગેએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર  અફવા ફેલાતી રોકવા શહેરમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ ઘટના બાદ જિલ્લાધિકારી નીમા અરોરાએ કર્ફ્યુનો આદેશ આપી લોકોને ઘરે જ રહેવા જણાવ્યું હતું. જો કે સોમવારે પરિસ્થિતિમાં સુધારો નોંધાતા આજે શહેરના સિટી કોનવાલી અને રામદાસપેઠ પોલીસ સ્ટેશનની હદમાં કર્ફ્યુમાં રાહત જાહેર કરવામાં આવી  હતી. જો કે શહેરના ડબકી રોડ અને ઓલ્ડ સિટી પોલીસ સ્ટેશનની હદમાં રાત્રે આઠથી સવારે આઠ દરમિયાન  કર્ફ્યુ યથાવત રહેશે. જ્યારે દિવસે અમૂક રાહત આપવામાં આવશે.

આ પહેલા રાજ્યના ગ્રામિણ વિકાસ પ્રધાન ગિરીશ મહાજને અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઇ આ 'પૂર્વ નિયોજીત' અથડામણ હોવાનો દાવો કર્યો હતો. તેમણે આ ઘર્ષણમાં માર્યા ગયેલ વિલાસ ગાયકવાડ (૪૦)ના પરિવારજનોની પણ મુલાકાત લઇ સાંત્વન આપ્યું હતું. આ ઉપરાંત ડીસીએમ દેવેન્દ્ર  ફડણવીસે માર્યા ગયેલ વ્યક્તિના પરિવારજનોને ચાર લાખની સહાયની ઘોષણા કરી તેની જાણ કરી હતી. દરમિયાન પુણેમાં ફડણવીસે એવી જાહેરાત કરી હતી કે અમૂક લોકો અને સંગઠનો રાજ્યમાં અશાંતિ ફેલાવવા માગે છે. તેને સરકાર બરાબરનો પાઠ ભણાવશે. શનિવારે બનેલી આ ઘટના બાદ આ ઘટના માટે  જવાબદાર ૩૦૦થી વધુ નાગરિકો પર જુના શહેર પોલીસે ગુનાઓ નોંધ્યા બાદ આજે સાંજ સુધીમાં ૯૦થી વધુ જણની ધરપકડ કરી હતી.

પોલીસે આ પ્રકરણે ૧૫૦થી વધુ સામે ગુનો નોંધી ૩૨ જણને તાબામાં લીધા હતા. આ ઘટના બાદ પોલીસે કડક બંદોબસ્ત ગોઠવી પોલીસની વધારાની કુમક મગાવી હતી. આ સિવાય ઇન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી હતી.

રવિવારે રાત્રે છત્રપતિ સંભાજી મહારાજની જયંતિ નિમિત્તે શેવગાવમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ સમયે બે સમુદાયો વચ્ચે આક્ષેપજનક ઘોષણાઓ બાદ જોરદાર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં અનેક દુકાનોને નુકસાન થયું હતું. પથ્થરમારામાં પોલીસો સહિત સામાન્ય નાગરિકોને પણ ઇજા પહોંચી હતી. આ ઘટના બાદ પોલીસે લાઠીચાર્જ કરી ટોળાને વિખેરી નાંખ્યું હતું. કોઇ અપ્રિય ઘટના ન બને તે માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી જિલ્લા મથકથી વધુ કુમક મગાવી લીધી હતી.

દરમિયાન આ ઘટના બાદ પોલીસે સીસીટીવીના ફૂટેજ મેળવી આરોપીઓ સામે કાર્યવાહી આરંભી હતી. આ ઘટના બાદ જિલ્લાના પાલક પ્રધાન અને મહેસૂલ પ્રધાન રાધાકૃષ્ણ વિખે પાટીલે રમખાણગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. આ ઘટના બાદ પોલીસના ઉચ્ચાધિકારીઓ તંબૂ તાણીને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.