×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સુપ્રીમ કોર્ટે ઉપરાષ્ટ્રપતિ અને કાયદા મંત્રીને પદ પરથી હટાવવાની અરજી ફગાવી, જાણો શું કહ્યું SCએ

નવી દિલ્હી, તા.15 મે-2023, સોમવાર

સુપ્રીમ કોર્ટે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજૂ વિરુદ્ધની અરજી ફગાવી દીધી છે. બોમ્બે લોયર્સ એસોસિએશન નામની સંસ્થાએ કહ્યું હતું કે, બંનેએ સુપ્રીમ કોર્ટના સન્માન વિરુદ્ધ નિવેદનો આપ્યા છે, તેથી તેઓ બંધારણીય પદ પર રહેવા માટે યોગ્ય નથી. અગાઉ બોમ્બે હાઈકોર્ટે પણ અરજી ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે સોમવાર 15મી મેએ કહ્યું કે, હાઈકોર્ટે યોગ્ય નિર્ણય લીધો હતો. તમારે અહીં અપીલ દાખલ કરવાની કોઈ જરૂર નહોતી.

કાયદા મંત્રીએ SCનું સન્માન ઘટાડવાનો પ્રયાસ કર્યો : અરજદાર

બોમ્બે લોયર્સ એસોસિએશન તરફથી તેમના અધ્યક્ષ અહમદ આબ્દીની અરજીમાં ઉપરાષ્ટ્રપતિ ધનખડ અને રિજિજૂના કેટલાક નિવેદનનો ઉલ્લેખ કરાયો હતો. અરજદારનું કહેવું હતું કે, રિજિજૂએ જજોની નિમણૂક કરવાની કોલેજિયમ વ્યવસ્થા અંગે સતત નિવેદનો કર્યા છે. કોલેજિયમના સભ્યો સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ જજ હોય છે, તેથી તેમના પર અવિશ્વાસ રાખી કાયદા મંત્રીએ લોકોની નજરમાં સુપ્રીમ કોર્ટનું સન્માન નીચે પાડવાના પ્રયાસો કર્યા છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણયને ખોટો ગણાવ્યો

અરજીમાં વધુમાં જણાવાયું છે કે, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષે નેશનલ જ્યુડિશિયલ એપોઈન્ટમેન્ટ કમિશન (NJAC) કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને ખોટો ગણાવ્યો... સંસદમાં પસાર કરાયેલા કાયદાને રદ કરવાને સંસદની સ્વાયત્તતાનું ઉલ્લંઘન ગણાવ્યું... તેમણે 1973નાં ઐતિહાસિક ‘કેશવાનંદ ભારતી’ ચુકાદા દ્વારા સ્થાપિત ‘બેસિક સ્ટ્રક્ચર ડૉક્ટ્રિન’ એટલે કે ‘મૂળભૂત માળખું સિદ્ધાંત’ને પણ ખોટો કહ્યો... આવા પ્રકારનું નિવેદન કરીને તેમણે બંધારણનું પાલન કરવાની પ્રતિજ્ઞા વિરુદ્ધ કામ કર્યું...

બોમ્બે હાઈકોર્ટે પણ અરજી ફગાવી હતી

આ વર્ષે 9મી ફેબ્રુઆરીએ બોમ્બે હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ સંજય ગંગાપુરવાલા અને જસ્ટિસ સંજીવ માર્નેની બેન્ચે અરજી ફગાવી દીધી હતી. ન્યાયાધીશોએ કહ્યું હતું કે, અમુક નિવેદનોના કારણે સુપ્રીમ કોર્ટમાં લોકોનો વિશ્વાસ ઘટાડી શકાય નહીં. બંધારણીય પદ પર બેઠેલા વ્યક્તિને હટાવવાની માંગ પણ ખોટી છે. આ રીતે કોર્ટમાં અરજી કરીને તેઓને હટાવી શકાય નહીં.