×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કેજરીવાલ જ દિલ્હીના સર્વેસર્વા, એલજી માથું ના મારે : સુપ્રીમ


- દિલ્હીમાં રાજ્ય સરકાર વિ. એલજીના વિવાદમાં પાંચ જજોની બેન્ચનો સર્વાનુમતે ચૂકાદો

- રાજ્ય સરકારની સત્તાઓ કેન્દ્ર સરકાર પોતાના હસ્તક લઈ શકે નહીં, લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકાર પાસે લોકોની ઈચ્છાઓ લાગુ કરવાની શક્તિ હોવી જોઈએ

- ચૂંટાયેલી સરકાર પાસે અધિકારીઓની ટ્રાન્સફરના પણ અધિકાર ના હોય તો જવાબદારીની ટ્રિપલ ચેઈન પૂરી નહીં થાય : સુપ્રીમ

- સુપ્રીમ કોર્ટે જીએનટીસીડી કાયદોમાં કેન્દ્ર સરકારે કરેલા સુધારા રદ કર્યા

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્રને અલગ અલગ ચૂકાદામાં એક પછી એક મોટા ઝટકા આપ્યા હતા. કેન્દ્ર સરકારને સૌથી પહેલો ફટકો દિલ્હી સરકાર વિ. ઉપરાજ્યપાલ કેસમાં મળ્યો. દિલ્હીમાં રાજ્ય સરકારનું પ્રભુત્વ કે કેન્દ્ર સરકારનું તેનો સ્પષ્ટ આદેશ આપી દેતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, દિલ્હીમાં ચૂંટાયેલી સરકારનું જ શાસન ચાલશે, ઉપરાજ્યપાલનું નહીં. સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે સર્વાનુમતે લીધેલા આ નિર્ણયથી દિલ્હી સરકાર અને એલજી વચ્ચે આઠ વર્ષથી ચાલતા વિવાદનો અંત આવ્યો છે. આ નિર્ણયને આપ સરકારના સૌથી મોટા વિજય તરીકે જોવામાં આવે છે. સીએમ કેજરીવાલે કહ્યું કે, સુપ્રીમનો આદેશ ઐતિહાસિક છે.

સુપ્રીમ કોર્ટે ૧૦૫ પાનાના તેના ચૂકાદામાં જણાવ્યું કે, રાજ્ય સરકારની સત્તાઓ કેન્દ્ર સરકાર પોતાના હસ્તક લઈ શકે નહીં. કેન્દ્ર સરકારે સહકારી સંઘવાદની ભાવનામાં બંધારણ દ્વારા નિર્મિત સરહદની અંદર રહીને તેની શક્તિઓનો ઉપયોગ કરવો જોઈએ. દિલ્હી રાષ્ટ્રીય રાજધાની હોવાથી પબ્લિક ઓર્ડર, પોલીસ અને જમીન સંબંધિત બાબતો સિવાય વહીવટી સેવાઓ પર કેન્દ્ર સરકાર નિયંત્રણ કરી શકે નહીં. આ સાથે સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૨૧માં ગવર્મેન્ટ ઓફ એનસીટી ઓફ દિલ્હી એક્ટ (જીએનટીસીડી કાયદો)માં કેન્દ્ર સરકારે કરેલા સુધારા રદ કરી દીધા હતા. આમ આદમી પાર્ટીએ વડાપ્રધાન મોદીએ આ કાયદામાં કરેલા સુધારાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, દિલ્હીની વિધાનસભા પ્રતિનિદિ લોકતંત્રના સિદ્ધાંતોનું પ્રતીક છે, તેને જન આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરવા માટે કાયદો બનાવવાની તાકત અપાઈ છે. મુખ્ય ન્યાયાધીશ ધનંજય યશવંત ચંદ્રચૂડના અધ્યક્ષપદે પાંચ ન્યાયાધીશોની બેન્ચે જણાવ્યું હતું કે, સંઘવાદના સિદ્ધાંતનું સન્માન થવું જોઈએ. કેન્દ્ર બધી જ કાયદાકીય, નિમણૂક પાવર તેના હાથમાં લઈ શકે નહીં. ચૂંટાયેલી સરકાર અધિકારીઓને નિયંત્રિત ના કરી શકતી હોય તો તે લોકો પ્રત્યે સામુહિક જવાબદારી કેવી રીતે પૂરી કરી શકશે? ચૂંટાયેલી સરકાર પાસે અધિકારીઓની ટ્રાન્સફરના પણ અધિકાર ના હોય તો જવાબદારીની ટ્રિપલ ચેઈન પૂરી નહીં થાય.પાંચ ન્યાયાધીશોની આ બંધારણીય બેન્ચમાં અન્ય ન્યાયાધીશોમાં એમઆર શાહ, કૃષ્ણ મુરારી, હિમા કોહલી અને પીએસ નરિસંહાનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, દિલ્હી એક પૂર્ણ રાજ્ય નથી એવામાં રાજ્ય પહેલી યાદીમાં નથી આવતું. એનસીટી દિલ્હીના અધિકાર અન્ય રાજ્યોની સરખામણીમાં ઓછાં છે, પરંતુ વિધાનસભાને યાદી બે અને ત્રણ હેઠળ વિષયો પર અધિકારો અપાયેલા છે. લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકાર પાસે લોકોની ઈચ્છાઓ લાગુ કરવાની શક્તિ હોવી જોઈએ. બેન્ચે જણાવ્યું હતું કે, ભારતીય સંઘવાદ અને કેન્દ્ર તથા રાજ્યોની યોગ્યતાના ક્ષેત્રો બંધારણની વિશેષતા છે. સંઘવાદ બંધારણનું મૂળભૂત માળખું ભારત જેવા બહુ સાંસ્કૃતિક, બહુ ધાર્મિક, બહુ વંશીય અને બહુભાષાકીય દેશમાં વિવિધ હિતોનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરે છે. 

બંધારણીય બેન્ચે ઉમેર્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસે કાયદો બનાવવાનો અધિકાર છે, પરંતુ કેન્દ્રે એટલી બધી દખલ ના કરવી જોઈએ કે તે રાજ્ય સરકારનું કામ પોતાના હાથમાં લઈ લે. દિલ્હી સરકારની શક્તિઓને મર્યાદિત કરવા માટે કેન્દ્રની દલીલોનો જવાબ આપવો જરૂરી છે. એનસીડીટી એક્યની કલમ ૨૩૯-એએ ઘણી વિસ્તૃત અધિકાર પરિભાષિક કરે છે. બેન્ચે ઉમેર્યું કે, અધિકારીઓ મંત્રીઓને રિપોર્ટ કરવાનું બંધ કરી દે અથવા તેમના નિર્દેશોનું પાલન ના કરે તો સામુહિક જવાબદારીનો સિદ્ધાંત પ્રભાવિત થશે.

૨૦૧૫માં કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સેવાઓ પર તેનું નિયંત્રણ છે તેવું જાહેર કરતું એક જાહેરનામું બહાર પાડીને કાયદાકીય અને વહીવટી સત્તાઓ કેન્દ્ર સરકારે પોતાના હસ્તક લઈ લીધી હતી. કેન્દ્રના આ નિર્ણય મુદ્દે સુપ્રીમ કોર્ટે બંધારણીય બેન્ચની રચના કરી હતી, જેણે કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા અને દિલ્હી સરકાર તરફથી વરિષ્ઠ વકીલ એએમ સિંઘવીની દલીલો સાંભળ્યા પછી ૧૮ જાન્યુઆરીએ તેનો ચૂકાદો અનામત રાખ્યો હતો. આજે મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડ સર્વાનુમતે લેવાયેલો ચૂકાદો વાંચી ગયા હતા.

રાજ્ય સરકારને કયા અધિકારો મળ્યા

- કેન્દ્રનો કાયદો ના હોય તો દિલ્હી સરકાર કાયદો-નિયમ બનાવી શકે છે.

- દિલ્હી સરકારને વહીવટી સેવાના અધિકાર મળ્યા એટલે કે હવે અધિકારીઓની નિમણૂક અને ટ્રાન્સફરના અધિકાર મળ્યા.

- જોકે, પોલીસ, પબ્લિક ઓર્ડર અને જમીન સંબંધિત અધિકારો કેન્દ્ર સરકાર પાસે.

- એલજી પાસે દિલ્હી વિધાનસભા અને ચૂંટાયેલી સરકારની કાયદાકીય તાકતમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી.

- ઉપરાજ્યપાલ દિલ્હી સરકારની સલાહ અને મદદથી તંત્ર ચલાવશે.

દિલ્હીમાં કામ રોકાયું, ભાજપ હવે કામ કરવા દે

દરેક રાજ્ય વડાપ્રધાનને પિતા સમાન માને છે : સીએમ કેજરીવાલ

- દિલ્હી સરકારે અનેક નિર્ણયો કર્યા હતા, પરંતુ તેના અમલ રોકાયો હતો, હવે પૂરઝડપે કામ થશે

દિલ્હીમાં કેજરીવાલ સરકાર અને એલજી વચ્ચે ચાલતા યુદ્ધમાં ગુરુવારે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચૂકાદો આપતાં આપ સરકારને રાહત થઈ છે. આ ચૂકાદા પછી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, તેમના માટે આ વિજય સૌથી મહત્વપૂર્ણ છે. કોર્ટનો આદેશ અનેક દૃષ્ટિએ ઐતિહાસિક છે. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન પિતા સમાન હોય છે, તેમણે દરેક સંતાનનું પાલન-પોષણ કરવું જોઈએ. 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટે દિલ્હીના લોકો સાથે આજે ન્યાય કર્યો છે. તેની સાથે જ તેમણે દિલ્હીની જનતાનો પણ આભાર માન્યો હતો, જેમણે આટલા વર્ષ સુધી તેમને સાથ આપ્યો. વડાપ્રધાન પિતા સમાન હોય છે. મુશ્કેલીના સમયમાં અમને આશા હોય છે કે તેઓ અમારી મદદ કરશે, પરંતુ ૮ વર્ષ અમે કોઈ પાવર વિના કામ કરવું પડયું. તેમના આદેશથી કોઈને લાભ થયો નહીં. અત્યાર સુધી દિલ્હીમાં કામકાજ રોકાયું હતું, બંને હાથ બાંધીને મને નદીમાં ફેંકી દેવાયો હતો.

મીડિયાએ સીએમ કેજરીવાલને જવાબદારી મળવા અંગે સવાલ કર્યો તો તેમણે કહ્યું કે જવાબદારી પહેલાં પણ હતી, પરંતુ હવે જવાબદારી વધી ગઈ છે. એટલું જ નહીં હવે જવાબદારીનો પાવર મળ્યો છે. આ પાવર સુપ્રીમ કોર્ટે આપ્યો છે. દિલ્હી સરકારે અનેક નિર્ણયો કર્યા હતા, પરંતુ તેના અમલ રોકવામાં આવ્યા હતા. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ભાજપ હવે અમને કામ કરવા દેશે. સુપ્રીમ કોર્ટના ચૂકાદા પછી સરકારના કામકાજમાં કેન્દ્રની દખલ ઓછી થઈ જશે. તેમણે ભાજપને સંદેશ આપતા કહ્યું કે, દિલ્હીમાં રાજ કરવું હોય તો દિલ્હીવાળાનું હૃદય જીતી લો. અનેક મુશ્કેલીઓ છતાં દિલ્હીમાં ખૂબ જ સારું કામ થયું છે.  

સરકારી અધિકારીઓ રાજકીય રીતે તટસ્થ હોવા જોઈએ : સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે, સરકારી અધિકારીઓ રાજકીય રીતે તટસ્થ હોવા જોઈએ અને ચૂંટાયેલી સરકારના દૈનિક નિર્ણયોના અમલ માટે મંત્રીઓના વહીવટી નિયંત્રણ હેઠળ હોવા જોઈએ. દિલ્હી સરકાર વિ. એલજી કેસનો ચૂકાદો આપતાં મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે જણાવ્યું હતું કે, સરકારની કામગીરી ચૂંટાયેલા મંત્રીઓની પસંદગીઓ અને તેમના મારફત લોકોની ઈચ્છાઓને પ્રતિબિંબિત કરે છે. આ બાબતની ખાતરી કરવા માટે જાહેર સેવા અધિકારીઓ અને તેમની દેખરેખ રાખનારા ચૂંટાયેલા પ્રધાનો વચ્ચે જવાબદારીની કડીની તપાસ કરવી જરૂરી છે. સીજેઆઈએ વેસ્ટમિન્સ્ટર શૈલીના કેબિનેટ શાસનના સ્વરૂપમાં નાગરિક સેવાઓની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું કે, સરકારની નીતિઓ લોકો, સંસદ, કેબિનેટ અથવા વ્યક્તિગત મંત્રીઓ દ્વારા નહીં પરંતુ અધિકારીઓ દ્વારા લાગુ કરવામાં આવે છે. નાગરિક સેવા અધિકારીઓ 'જવાબદારીની ટ્રિપલ ચેઈનનો મહત્વપૂર્ણ ભાગ છે.' ટ્રીપલ ચેઈન કમાન્ડને વિસ્તૃત કરતાં સીજેઆઈએ ચૂકાદામાં કહ્યું છે કે સરકારી અધિકારીઓ મંત્રીઓને જવાબદાર હોય છે, મંત્રીઓ સંસદ અથવા વિધાનસભાને અને આ ગૃહો મતદારોને જવાબદાર હોય છે.

સુપ્રીમના ચૂકાદા પછી દિલ્હી સરકારનું મોટું પગલું

દિલ્હીમાં સેવા વિભાગના સચિવ મોરેને હટાવાયા, અનિલ કુમાર નવા સચિવ

- દિલ્હીમાં હવે કામ રોકનારા અધિકારીઓ પર લટકતી તલવાર : સારું કામ કરનારાને જવાબદારી અપાશે

દિલ્હીમાં આપ સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે પાવરની લડાઈ પર સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચૂકાદો આપ્યો હતો. તે સાથે જ આમ આદમી પાર્ટીએ રાજ્યમાં કામ રોકનારા અધિકારીઓને ચેતવણી આપી હતી. વધુમાં અધિકારીઓની ટ્રાન્સફર મુદ્દે મોટો નિર્ણય લેતાં કેજરીવાલ સરકારે સુપ્રીમના ચુકાદાના કેટલાક કલાકોમાં જ સેવા વિભાગના સચિવ આશિષ મોરેને પદ પરથી હટાવી દીધા છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી મોટો નિર્ણય કરતાં અરવિંદ કેજરીવાલ સરકારે સેવા વિભાગના સચિવપદે આશીષ મોરેના સ્થાને અનિલ કુમાર સિંહનિ નિમણૂક કરી હતી. અનિલ કુમાર સિંહ ૧૯૯૫ બેચના આઈએએસ અધિકારી છે. તેઓ દિલ્હી જલ બોર્ડના સીઈઓ રહી ચૂક્યા છે. મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે દિલ્હીમાં મોટાપાયે અધિકારીઓની ટ્રાન્સફર થશે. સાથે જ તેમણે કહ્યું હતું કે ખરાબ કામ કરનારા અને કામ રોકનારા અધિકારીઓને પદ પરથી હટાવી દેવાશે અને સારા અધિકારીઓને જવાબદારી અપાશે. જે અધિકારીઓએ જનતાને હેરાન કરી છે તેમણે તેમને તેમના કર્મોનું ફળ મળશે અને જે અધિકારીઓએ જનતાનું પાણી રોક્યું છે, મોહલ્લા ક્લિનિકમાં દવાઓ રોકી છે અને જનતાના બીજા કામ રોક્યા છે તેમને હવે છોડવામાં નહીં આપે. હવે અમારી પાસે સતર્કતા વિભાગ પણ આવી ગયો છે. હવે અમે અમારી રીતે કરી શકીશું.