×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જાણો, આ ૩ આરોપો પૂર્વ પીએમ ઇમરાનખાનને છેક જેલ સુધી લઇ ગયા., પાકિસ્તાનમાં હજુ પણ ભારેલો અગ્નિ


નવી દિલ્હી,૧૦ મે ૨૦૨૩,બુધવાર 

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને રાજકિય પાર્ટી તહરિકે ઇન્સાફના સર્વસર્વા ઇમરાનખાનની ધરપકડથી પાકિસ્તાનમાં રાજકીય વિદ્રોહની પરીસ્થિતિ ઉભી થઇ છે. પૂર્વ બની જતા સત્તાધિશો પર આરોપો,ધરપકડ અને જેલવાસએ પાકિસ્તાનના રાજકારણની તાસિર રહી છે પરંતુ ઇમરાખાનની ધરપકડ પછી તોફાનો ફાટી નિકળ્યા છે તે અભૂતપૂર્વ છે. ઇમરાનખાનના સમર્થકો અને સરકાર આમને સામને જોવા મળે છે.

ઇમરાનખાનની આજે નહી તો કાલે ધરપકડ થવાની હતી કારણ કે તેમના પર જુદા જુદા કેસમાં ૮૩ જેટલી એફઆઇઆર દાખલ કરવામાં આવી છે પરંતુ અદાલતમાં એક કેસ સંદર્ભે હાજરી આપવા આવ્યા હતા ત્યારે નાટકિય રીતે પાકિસ્તાનના રેન્જર્સે અપમાનજનક રીતે અટકાયત કરતા સમર્થકોનો રોષ ભભૂકી ઉઠયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ઇમરાનખાન પરના મુખ્યત્વે ૩ આરોપો જેલવાસ સુધી લઇ ગયા છે. 


(૧) અલ કાદિર ટ્રસ્ટ માટે બહરિયા ટાઉનથી ડોનેશન લેવાનો આરોપ (૨) પીએમ તરીકે મળેલી ભેટ સોગાતને તોશાખાનામાં જમા નહી કરાવવી (૩) મહિલા જજને ધમકી આપવી અને અપમાનિત કરવી. મહિલા જજને ધમકી અને તોશાખાના મામલે બિન જામીનપાત્ર વોરંટ કાઢવામાં આવ્યું હતું. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાને અલ કાદિર યુનિવર્સિટી પ્રોજેકટ માટે ૨૬ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ અલ કાદિર ટ્રસ્ટ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

આ ટ્રસ્ટમાં ઇમરાનખાન અને તેની પત્ની બુશરા બીબી ટ્રસ્ટી છે. ઇમરાનખાન અને બુશરાબીબી પર સત્તામાં બેઠેલા રાજકીય વિરોધીઓએ આરોપ મુકયો છે કે એક રીયલ એસ્ટેટ કંપનીને રુપિયા ૫૦ અબજના કાળાનાણાને સફેદ બનાવી આપ્યું હતું.તેના બદલામાં પોતાના ટ્રસ્ટ માટે અબજો રુપિયાની જમીન મેળવી હતી.કાદિર ટ્રસ્ટ બાબતે ઇમરાનખાનને નોટિસ આપીને જવાબ માંગવામાં આવ્યો હતો પરંતુ સંતોષજનક જવાબ આપી શકયા નથી. 


(૨) તોશાખાના કેસની વાત કરીએ તો આ મામલે ઇમરાનખાનને  આવનારા પાંચ વર્ષ માટે ચુંટણી લડવા માટે ગેર લાયક ઠરાવવામાં આવ્યા છે. પાકિસ્તાનના ચુંટણી પંચનું કહેવું હતું કે ઇમરાનખાને સત્તામાં રહયા ત્યારે તોશાખાનામાં જે ભેટ સોગાતો હતી તેની રજે રજની જાણકારી આપી ન હતી. ઇમરાન પર હોદાની રુએ મળેલી ભેટ સોગાતોને અંગત ફાયદા માટે વેચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઇમરાન ખાને ચુંટણી પંચને પોતાની સંપતિની જે માહિતી આપી તેમાં આનો ઉલ્લેખ કર્યો નથી.

આ બાબતે ચુંટણી પંચે ઇમરાનખાન વિરુધ એક જિલ્લા અદાલતમાં ફરિયાદ દાખલ કરીને કાયદા મુજબ કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. તોશાખાના એક એવો સરકારી વિભાગ હોય છે જેમાં પીએમ,રાષ્ટ્રપતિ અને મોટા અધિકારીઓ કોઇ સત્તાવાર પ્રવાસે હોય ત્યારે તેમને મળતી કિંમતી ભેટો અને સોૅગાત રાખવામાં આવે છે. જેમાં મોંઘી ઘડિયાળો, સોના અને હીરાના આભૂષણો, મોમેન્ટોસ, ક્રોકરી અને મોંઘી પેન જેવી અનેક ભેટ સોગાતોનો સમાવેશ થાય છે. ભેટ સોગાતોનો રેકોર્ડ રાખતા આ વિભાગની સ્થાપના ૧૯૭૪માં કરવામાં આવી હતી. 


(૩) મહિલા જજને ધમકી અને અપમાનનો કેસ-  ઇમરાનખાન પરનો આ એક મજબૂત કેસ છે.  ઓગસ્ટ ૨૦૨૨માં ઇમરાનખાનના નજીકના એક અનુયાયીને દેશદ્રોહના ગુનામાં અરેસ્ટ કરવામાં આવ્યો હતો. ઇમરાનખાનના ધ્યાને આવતા અનુયાયીને છોડી મુકવા જજ પર દબાણ ઉભું કર્યુ હતું.  એક રાજકિય રેલીમાં ઇમરાને ઇસ્લામાબાદની પોલીસ અને મહિલા જજની ઝાટકણી કાઢી હતી. શર્મ કરો,  આ ઉપરાંત ઇમરાને કહયું હતું કે ઇસ્લામાબાદ આઇજી,તને છોડવામાં આવશે નહી અને મેજીસ્ટ્રેટ સાહિબા પર તૈયાર રહે તેમના પર પણ એકશન લેવામાં આવશે. આ મામલે ટોચના અધિકારીઓ, મહિલા જજ, ચુટણી પંચ અને રાજકિય વિરોધીઓને જાહેરમાં ધમકી આપવાનું ભારે પડી ગયું છે. આ સમગ્ર કેસને મહિલા જજની અપમાન સાથે જોડવામાં આવ્યો છે.