×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારત, અમેરિકા, સાઉદી અરબ અને યુએઈના આ મોટા પ્લાનથી નક્કી જ ચીનના પેટમાં તેલ રેડાશે!

image : Twitter 


સાઉદી અરબ અને યુએઈ સહિત અનેક અખાતી દેશોમાં જલદી જ ભારતમાં નિર્મિત ટ્રેન દોડાવવામાં આવી શકે છે. આ પ્રોજેક્ટ અંગે અમેરિકા, ભારત, સાઉદી અરબ અને સંયુક્ત અરબ અમીરાત (UAE) ના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો (NSA) વચ્ચે એક બેઠક પણ યોજાઈ હતી. માહિતી અનુસાર ભારતના NSA અજિત ડોભાલ પણ આ બેઠકમાં સામેલ થવા સાઉદી અરબ પહોંચ્યા છે. 

અજિત ડોભાલના માથે જવાબદારી... 

અહેવાલો અનુસાર બેઠકમાં ડોભાલ દક્ષિણ એશિયામાં ભારતીય ઉપમહાદ્વીપને પશ્ચિમ એશિયા સાથે જોડતા મોટા ક્ષેત્રમાં રેલવે, દરિયાઈ અને માર્ગ પરિવહન સંપર્ક વધારવા માટે મોટાપાયે સંયુક્ત પ્રોજેક્ટની વ્યાપક રૂપરેખા અંગે ચર્ચા કરી શકે છે.  સૂત્રોની માનીએ તો આ પ્રોજેક્ટના ડેવલપમેન્ટની માહિતી એક અમેરિકી વેબસાઇટે આપી હતી. તેનું કહેવું છે કે અનેક અખાતી દેશોમાં જલદી જ ભારતની ટ્રેન દોડાવવામાં આવી શકે છે. 

ચીનને પડકારવાની તૈયારી 

આ રેલવે નેટવર્ક પોર્ટથી માંડીને શિપિંગ લેનના માધ્યમથી ભારત સાથે જોડાયેલું હશે. તેનો પ્રાથમિક ઉદ્દેશ્ય અખાતી દેશોમાં વધતા ચીનના પ્રભાવને ઘટાડવાનો છે. ચીન બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવના માધ્યમથી મધ્યપૂર્વના દેશોમાં ઝડપથી રોકાણ વધારી રહ્યું છે. એવામાં રેલ નેટવર્કનો આ સંયુક્ત પાયાનો પ્રોજેક્ટ એ મુખ્ય પહેલમાંથી એક છે જેને વ્હાઈટ હાઉસ મધ્યપૂર્વમાં ઝડપથી લાગુ કરવા માગે છે. 

I2U2 ફોરમમાં રેલવે નેટવર્ક અંગે ચર્ચા થઈ હતી 

ઉલ્લેખનીય છે કે અખાતી દેશોમાં ભારતીય રેલવે નેટવર્કનો વિચાર ગત 18 મહિનામાં I2U2 નામના એક ફોરમમાં વાતચીત દરમિયાન સામે આવ્યો હતો. તેમાં અમેરિકા, ઈઝરાયલ, સંયુક્ત અરબ અમીરાત અને ભારત પણ સામેલ છે.