×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્યમાં આજે 8 લાખથી વધુ ઉમેદવારો તલાટીની પરીક્ષા આપશે, તમામ કેન્દ્રો પર IBની ચાંપતી નજર



રાજ્યમાં ગુજરાત પંચાયતી સેવા પસંદગી મંડળ દ્વારા આજે 3437 જગ્યા માટે તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવાશે. આ પરીક્ષા માટે મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે તંત્ર સજજ હોવાનું જણાવ્યુ હતું. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે પરીક્ષામાં ગેરરિતી ન થાય તે માટે ચાંપતી નજર રાખવામાં આવશે અને ગેરરિતી કરનારા સામે કડક પગલા લેવામાં આવશે. તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે રાજ્યભરમાંથી કુલ 17 લાખથી વધુ ફોર્મ ભરાયા હતા. જો કે ફોર્મ ભરનાર ઉમેદાવારો પૈકી 8.64 લાખે પરીક્ષા આપવા માટે સંમતિ પત્રક ભર્યા હતા. પરીક્ષાર્થીએ પોતાના કેન્દ્ર પર 11.55 વાગ્યે પ્રવેશવાનું રહેશે. ઉમેદવારોને 12.30 વાગ્યે જ પ્રશ્નપત્ર આપવામાં આવશે. 

ગેરરિતી કરનાર સામે કડક પગલા લેવામાં આવશે

રાજ્યના આજે ગીર સોમનાથ, ડાંગ અને નર્મદા સિવાયના બાકી તમામ 30 જિલ્લામાં ફાળવેલા 2694 કેન્દ્રો પર 28,814 ખંડોમાં આ પરીક્ષા યોજાશે. આ પરીક્ષા માટે રાજ્યમાં 64 હજારથી વધુનો સ્ટાફ હાજર રહેશે. આ તમામ પરીક્ષા કેન્દ્ર ખાતે આજે રિહર્સલ કરવામાં આવ્યુ હતું. પરીક્ષા માટે ઉમેદવારને પોતાના કેન્દ્ર પર પહોંચવા માટે વધારાની 7 ટ્રેન દોડાવામાં આવી રહી છે. આ ઉપરાંત ગુજરાત એસ.ટી દ્વારા પણ વધારાની 4500 બસ દોડાવશે. આ સાથે તલાટીની પરીક્ષા માટે ખાનગી અને સ્કૂલ બસો પણ સંયાલન કરી શક્શે. પરીક્ષા માટે ઉમેદવારો દ્વારા એસટી બસોમાં 60 ટકાથી વધુ ઓનલાઈન બુકીંગ કર્યુ છે. તલાટીની પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે ચાંપતી નજર રાખવામાં આવશે અને ગેરરિતી કરનારા સામે કડક પગલા લેવામાં આવશે. 




પરીક્ષા કેન્દ્રોના વિસ્તારમાં ઝેરોક્ષની દુકાન ખુલી નહી રાખી શકે

આજે પરીક્ષાના દિવસે કેન્દ્રની આસપાસના વિસ્તારમાં આવેલી ઝેરોક્ષ દુકાન સવારે 9 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી ખુલ્લી રાખી શક્શે નહીં. આ ઉપરાંત પરીક્ષા સ્થળે પાનબીડી, ગલ્લા તેમજ ચા પાણીની દુકાન પણ પરીક્ષાના સમયગાળા દરમિયાન ચાલુ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્રની આસપાસ લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રની 100 મીટરની હદમાં બહારના લોકોને પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે.

 પરીક્ષા સમયે ક્લાસીસના સંચાલકો સામે નજર રખાશે

રાજ્યમાં તલાટીની પરીક્ષાને લઈને આઈ બી એલર્ટ મોડ પર છે. હસમુખ પટેલે પેપર ફોડનારાઓ અંગે ચેતવણી આપતી એક ટ્વીટ કરી કહ્યું હતું કે  ભૂતકાળમાં પરીક્ષા સંબંધી ગેરરીતિમાં સંડોવાયેલા લોકો, કોચિંગ ક્લાસ, અસામાજિક તત્વો વગેરે લોકો ઉપર રાજ્યનું ઈન્ટેલિજન્સ તંત્ર તથા પોલીસ ચાંપતી નજર રાખી રહેલ છે. ગેરરીતિનો પ્રયાસ કરનાર કોઈપણ વ્યક્તિ વિરોધમાં નવા કાયદા મુજબ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત પરીક્ષા સમયે ક્લાસીસના સંચાલકો સામે નજર રખાશે. આ પરીક્ષા માટે જિલ્લા તેમજ રાજ્યક્ષાએ કંટ્રોલ રુમ ઉભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસે ઘણા જિલ્લામાં હેલ્પલાઈન શરુ કરી છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર જરૂરી સંખ્યામાં પોલીસ કોન્સ્ટેબલ દ્વારા ઉમેદવારોનું 100 ટકા ફ્રિસ્કિંગ કરવાની સૂચના અપાઈ છે. પરીક્ષા કેન્દ્ર પર રાખેલા પોલીસ સ્ટાફને પણ મોબાઈલ ફોન, સ્માર્ટવોચ, બ્લૂટુથ, ઇયરફોન જેવા ઇલેક્ટ્રોનિક ડિવાઇસ પરીક્ષાના દિવસે પરીક્ષા શરૂ થયાના ત્રણ કલાક પહેલા સ્વીચ ઓફ કરી જમા લઇ સંબંધિત કેન્દ્રના બોર્ડ પ્રતિનિધિને આપવાના આદેશ છે.

પરીક્ષામાં વિડીયો ગ્રાફી કરવામાં આવશે

રાજ્યમાં લેવાનાર તલાટીની પરીક્ષામાં ગેરરીતી ન થાય તે માટે વિડીયો ગ્રાફી સહિત કેમેરાથી રેકોડીંગ કરવામાં આવશે. ઉમેદવારોએ પરીક્ષા ખંડની બહાર બુટ-ચંપલ ઉતારવાના રહેશે. આ પરીક્ષામાં ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો પર બાઈકની ચાવી લઈ જવા દેવામા આવશે નહી. આ ઉપરાંત ઉમેદવારો સાદી ઘડીયાળ પહેરી શક્શે સ્માર્ટ વોચ પહેરી શક્શે નહીં. પરીક્ષા પૂર્ણ થયા બાદ જ ઉમેદવાર પરીક્ષા ખંડની બહાર નીકળી શક્શે. તમામ ઉમેદવારોના કોલ લેટરની ચકાસણી કરવામાં આવશે. પરીક્ષા શરૂ થાય તેના બે કલાક પહેલા જ ઉમેદવારોનું ચેકિંગ શરૂ કરવામાં આવશે. પરીક્ષામાં ગેરરીતિ ન સર્જાય તે માટે નાનામાં નાની વિગતો પર નજર રાખવામાં આવશે. 

સંમતિ પત્રક નહીં ભરનારને ફી પાછી નહીં મળે

આ અગાઉ પંચાયત પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જે લોકોએ આ સંમતિ પત્રક ભર્યા છે તેઓ જ પરીક્ષા આપી શકશે. તેમણે કહ્યું હતું કે જે ઉમેદવારોએ સંમતિ પત્રક ભર્યા નથી તે ઉમેદવારોને પરીક્ષાની ફી પરત આપવામાં આવશે નહીં.