×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બ્રિટનના રાજા ચાર્લ્સ-3ની 700 વર્ષ જૂના સિંહાસન પર ભવ્ય તાજપોશી


- બ્રિટનમાં 70 વર્ષે તાજપોશીની 1,000 વર્ષ જૂની પરંપરા તાજી થઈ

- 74 વર્ષીય રાજા ચાર્લ્સ-3 14મી સદીના સિંહાસન પર 360 વર્ષ જૂનો ક્રાઉન પહેરનાર સૌથી વૃદ્ધ બ્રિટિશ રાજા બની ગયા

બ્રિટનમાં શનિવારે શાહી ચર્ચ વેસ્ટમિંસ્ટર અબેમાં રાજા ચાર્લ્સ-૩ અને રાણી કેમિલાની ભવ્ય તાજપોશી થઈ. લંડનમાં ૧,૦૦૦ વર્ષ જૂની પરંપરા મુજબ એક ધાર્મિક સમારંભમાં રાજા ચાર્લ્સ-૩ પત્ની અને રાણી કેમિલાની તાજપોશી કરવામાં આવી હતી. બ્રિટનમાં લગભગ ૭૦ વર્ષ પછી હાથ ધરાયેલી તાજપોશીની આ પરંપરામાં રાજા ચાર્લ્સ-૩નાં પત્ની કેમિલા પણ સત્તાવારરૂપે 'ક્વીન' બની ગયાં. રાજા ચાર્લ્સ-૩ શાહી ચર્ચમાં તેમના ઐતિહાસિક રાજ્યાભિષક સમયે ૭૦૦ વર્ષ જૂના સિંહાસન પર બેઠાં હતા. આ સાથે ૭૪ વર્ષીય રાજા ચાર્લ્સ-૩ ૧૪મી સદીના સિંહાસન પર ૩૬૦ વર્ષ જૂનો સેન્ટ એડવર્ડ ક્રાઉન પહેરનાર સૌથી વૃદ્ધ બ્રિટિશ રાજા બની ગયા.

રાજા ચાર્લ્સ-૩ અને તેમનાં પત્ની કેમિલા ભારતીય સમય મુજબ બપોરે છ વિંડસર ગ્રે ઘોડા દ્વારા ખેંચવામાં આવતી ડાયમંડ જ્યુબલી સ્ટેટ કોચમાં બકિંઘમ પેલેસમાંથી શાહી ચર્ચ વિંડસર અબે પહોંચ્યા હતા.

 તેમને રાજાના બોડીગાર્ડ અને ઘોડેસવાર સૈન્યના સભ્યોએ એસ્કોર્ટ કર્યા હતા. વર્ષ ૧૦૬૬માં વિલિયમ ધ કોન્કરરના સમયથી પ્રત્યેક રાજ્યાભિષેકનો સમારંભ શાહી ચર્ચ વેસ્ટમિંસ્ટર અબેમાં થાય છે, જ્યાં કેન્ટરબરીના આર્કબિશપે રાજા ચાર્લ્સ-૩ને રાજમુકુટ પહેરાવ્યો હતો. દુનિયાનો સૌથી મોટો રંગહીન કપાયેલા હીરાવાળો રાજદંડ, સોનાના ઘરેણાં અને બેઝવેલ્ડ તલવારોથી લઈને ઐતિહાસિક રાજચિહ્ન રાજ્યાભિષેક સમારંભની વિશેષતા હતા.

હિન્દુ, મુસ્લિમ, શીખ, બૌદ્ધ, યહુદી ધર્મના પ્રતિનિધિઓ હાજર રહ્યા 

આ ભવ્ય તાજપોશી પછી આર્કબિશપે વેસ્ટમિંસ્ટર અબે અને ટીવી તથા ઈન્ટરનેટના માધ્યમથી આ કાર્યક્રમ જોઈ રહેલા બ્રિટિશ નાગરિકોને રાજા ચાર્લ્સ-૩ પ્રત્યે નિષ્ઠાના શપથ લેવડાવ્યા હતા. તેમણે કહ્યું, 'હું શપથ લઉં છું કે હું યોર મજેસ્ટી, તેમના ઉત્તરાધિકારી અને કાયદા પ્રત્યે સાચી નિષ્ઠા રાખીશ.' આર્કબિશપ ઓફ કેન્ટબરીએ ઈંગ્લેન્ડમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, બૌદ્ધ, યહુદી સહિત અલગ અલગ ધર્મોના પ્રતિનિધિઓની હાજરી અંગે વાત કરતા કહ્યું કે, ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ એક એવું વાતાવરણ બનાવવાનું ચાલુ રાખશે જ્યાં દરેક ધર્મના લોકો સ્વતંત્રતાપૂર્વક રહી શકે.

હું સેવા લેવા નહીં, સેવા કરવા આવ્યો છું : રાજા ચાર્લ્સ-3

દરમિયાન રાજા ચાર્લ્સ-૩એ વેસ્ટમિંસ્ટર અબેમાં કહ્યું હતું, 'હું અહીં સેવા લેવા નહીં સેવા કરવા આવ્યો છું.' આ સાથે રાજા ચાર્લ્સ-૩એ પણ શપથ લીધાં હતા. આર્કબિશપે રાજા ચાર્લ્સ-૩ને સવાલ કર્યો કે શું તેઓ તેમના શાસનકાળ દરમિયાન કાયદો અને ચર્ચ ઓફ ઈંગ્લેન્ડને જાળવી રાખશે. ત્યાર પછી રાજાએ હોલી ગોસ્પેલ પર હાથ મૂકીને સંમતી આપી હતી. 

રાજા ચાર્લ્સ-3ના પુત્રો નહીં પૌત્ર પ્રિન્સ જ્યોર્જે સત્તાવાર ભૂમિકા ભજવી

આ ધાર્મિક સમારંભ પછી રાજા અને રાણી એક મોટા ઔપચારિક 'રાજ્યાભિષેક જુલુસ'માં ગોલ્ડ સ્ટેટ કોચમાં બકિંઘમ પેલેસ પાછા ફર્યા હતા. ત્યાર પછી બકિંઘમ પેલેસમાં પાછા ફર્યા પછી રાજા-રાણીએ પરિવારના અન્ય સભ્યો સાથે બાલ્કનીમાં હાજરી આપી હતી. આ સમયે બ્રિટિશ રોયલ સૈન્ય વિમાનોએ ફ્લાય-પાસ્ટ પરંપરા નિભાવી હતી. રાજા ચાર્લ્સ-૩ના આ ભવ્ય સમારંભમાં તેમના પુત્રો પ્રિન્સ હેરી અને એન્ડ્ર્યુ બંને હાજર રહ્યા હતા, પરંતુ આ કાર્યવાહીમાં તેમની કોઈ ઔપચારિક ભૂમિકા નહોતી. રાજા ચાર્લ્સ-૩ના પૌત્ર પ્રિન્સ જ્યોર્જે સત્તાવાર ભૂમિકા ભજવી હતી.

1937માં રાજા જ્યોર્જ-6 પછી ચાર્લ્સ-3 બ્રિટનના પહેલા રાજા

બ્રિટનમાં વર્ષ ૧૯૫૩માં રાણી એલિઝાબેથની તાજપોશીનાં ૭૦ વર્ષ પછી યોજાયેલા આ ભવ્ય સમારંભમાં હાજરી આપવા માટે સમગ્ર દુનિયામાંથી ૨,૦૦૦થી વધુ મહેમાનોને આમંત્રણ અપાયું હતું. જેમાં ભારત તરફથી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, અમેરિકા તરફથી ફર્સ્ટ લેડી જિલ બાઈડેન, હોલિવૂડ ગાયિકા કેટી પેરી અને લિયોનલ રિચી, હેલેના વિલ્કિંસનનો સમાવેશ થાય છે. આ સિવાય અન્ય દેશોના શાહી પરિવારો, વડાપ્રધાનો, સાંસદો, અન્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષ પણ રાજ્યાભિષેકમાં હાજરી આપવા લંડન પહોંચ્યા હતા. 

1953માં રાણી એલિઝાબેથના રાજ્યાભિષેકમાં 8,000ને આમંત્રણ

અહીં નોંધનીય છે કે ૧૯૫૩માં રાણી એલિઝાબેથના રાજ્યાભિષેક માટે દુનિયાભરમાંથી ૮,૦૦૦ લોકોને આમંત્રણ અપાયું હતું. આ સિવાય સમગ્ર બ્રિટનમાંથી હજારો નાગરિકો તેમના રાજાને આવકારવા માટે વરસતા વરસાદમાં લંડનના રસ્તાઓ પર એકત્ર થયા હતા. આ સિવાય દુનિયાભરમાં કરોડો લોકો ટીવી અને ઈન્ટરનેટ પર બ્રિટિશ રાજ્યાભિષેકની ઐતિહાસિક પરંપરાઓના સાક્ષી બન્યા હતા.

સમગ્ર દેશમાં આજે 'બીગ લંચ' હેઠળ પાર્ટીઓ થશે

બ્રિટનમાં રાજા ચાર્લ્સ-૩નો રાજ્યાભિષેકનો સમારંભ પૂરો થઈ ગયો છે. હવે રવિવારે સમગ્ર દેશમાં 'બીગ લંચ' પહેલના ભાગરૂપે રસ્તા પર પાર્ટીઓ થશે. રાજા ચાર્લ્સ-૩ અને રાણી કેમિલા વિન્ડસર કેસલના મેદાનમાં બીબીસી દ્વારા પ્રાયોજિત કોરોનેશન કોન્સર્ટમાં હાજરી આપશે. દરમિયાન આખા બ્રિટનમાં લાઈટિંગથી ઝગમગાટ કરાશે.

ખ્રિસ્તી રાજાના રાજ્યાભિષેકમાં ઐતિહાસિક ઘટના

હિન્દુ વડાપ્રધાન રિશિ સુનાકે બાઈબલમાંથી પાઠનું વાંચન કર્યું

લંડનના વેસ્ટમિંસ્ટર અબેમાં શનિવારે ખ્રિસ્તી રાજા ચાર્લ્સ-૩ અને રાણી કેમિલાના રાજ્યાભિષેક સમારંભમાં ભારતીય મૂળના હિન્દુ વડાપ્રધાન રિશિ સુનાકે બાઈબલનો એક પાઠ વાંચીને ઈતિહાસ સર્જ્યો હતો. ૪૨ વર્ષીય બ્રિટિશ હિન્દુ નેતા રિશિ સુનાકે રાજ્યાભિષેક સમયે બ્રિટનના વડાપ્રધાનોને આપવામાં આવતી વાંચનની પરંપરાને અનુસરતા ન્યૂ ટેસ્ટામેન્ટમાંથી કોલોસિયન્સનું વાંચન કર્યું હતું. રિશિ સુનાકે બ્રિટિશ સરકારના વડા તરીકે બાઈબલ વાંચીને ઈતિહાસ સર્જ્યો હતો. રિશિ સુનાક અને તેમનાં પત્ની અક્ષતા મુર્તીએ યુનાઈટેડ કિંગ્ડમનના રાષ્ટ્રધ્વજ યુનિયન જેકને વેસ્ટમિંસ્ટર અબેમાં લઈ જતા ફ્લેગ બેરીયરના સરઘસનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ ઐતિહાસિક ઘટનાની પૂર્વ સંધ્યાએ રિશિ સુનાકે કહ્યું હતું કે, અબેમાં ૧,૦૦૦ વર્ષથી રાજાને તાજ પહેરાવવામાં આવે છે. આ વખતે પહેલી વખત દરેક ધર્મના પ્રતિનિધિઓ કેન્દ્રીય ભૂમિકામાં જોવા મળશે. રાજા ચાર્લ્સ-૩ અને રાણી કેમિલાનો રાજ્યાભિષેક એક રાષ્ટ્રીય ગર્વની બાબત છે.