×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આજે જ જામીન પર છુટેલી મહાઠગ કિરણ પટેલની પત્નીની ફરી ધરપકડ, વેપારીએ સોલામાં નોંધાવી હતી ફરિયાદ

અમદાવાદ, તા.06 મે-2023, શનિવાર

મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. અમદાવાદની સોલા પોલીસ સ્ટેશનમાં બંને વિરુદ્ધ  ફરિયાદ નોંધવામાં આવ્યા બાદ માલિની પટેલની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ બંનેએ મોરબીના એક વેપારી સાથે ઠગાઈ કરી હતી. આમ માલિની પટેલની ચોથા કેસમાં ધરપકડ થઈ છે. માલિની પટેલને આજે જ જામીન મળ્યા હતા, જોકે વધુ એક ફરિયાદ સામે આવતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફરી માલિની પટેલની ફરી ધરપકડ કરી છે.

માલિની પટેલ સામે 4 કેસ

ઉલ્લેખનિય છે કે, અગાઉ માલિની પટેલ સામે થયેલા 4 કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. તો બીજી તરફ મહાઠગ કિરણ પટેલને ટ્રાન્સફર વોરન્ટથી કાશ્મીરથી અમદાવાદ લાવવા માટેની પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. મળતા અહેવાલો મુજબ કિરણ પટેલના નજીકના સમયમાં કાશ્મીરથી અમદાવાદ ઉપાડી લેવામાં આવી શકે છે.

મોરબીના વેપારીને પીએમઓ ઓફિસર તરીખે ઓળખ આપી હતી

અમદાવાદ સેશન્સ કોર્ટે મહાઠગ કિરણ પટેલની પત્નીને આજે જ જામીન આપ્યા હતા... ત્યારે ફરી એકવાર બંને વિરુદ્ધ મોરબીના વેપારીને GPCBનું લાયસન્સ અપાવવા નામે 42.86 લાખ ખંખેરી લીધા હોવાની ફરીયાદ કરી હતી. જો કે આ રકમમાંથી વેપારીને 11.75 લાખ રુપિયા પરત આપી દીધા છે. આ મામલાની સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના જોધપુર ગામે રહેતા અને એક સિરામિક મશીનરીની ફેક્ટરી ચાલાવતા ભરતભાઈ પટેલને કિરણ પટેલે પીએમઓ ઓફિસર તરીખે ઓળખ આપી હતી. 

GPCBમાંથી લાયસન્સ કઢાવી આપવા વાયદો કર્યો

ભરતભાઈ મોરબીની ફેક્ટરીમાં ભાગીદારી ધરાવતા હોવાથી તેમણે પોતાની કેમિકલ કંપની માટે ગુજરાત પોલ્યુશન બોર્ડમાંથી લાયસન્સ કઢાવી આપવાની વાત કરી હતી. કિરણ પટેલ દ્વારા આ લાયસન્સ કઢાવવા માટે ભરતભાઈને વાયદો કર્યો હતો અને થોડા દિવસો બાદ કિરણ પટેલ અને તેની પત્ની માલિનીએ ભરતભાઈને સોલા એસજી હોસ્પિટલ ખાતે મળવા બોલાવ્યા હતા. આ દરમિયાન ભરતભાઈને પ્રોસિજર ફી માટે રુપિયા 45 લાખ રુપિયાની માંગ કરી હતી. આ માટે ભરતભાઈએ બંનેને રુપિયા 42 લાખથી વધુની રકમ આપી હતી. 

અંતે બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી 

આ રકમ આપ્યાને લાંબો સમય વીતી ગયો હોવાથી ભરતભાઈએ કિરણ પટેલને ફોન કર્યા હતા. જો કે કિરણ પટેલે કોઈપણ કોલ રિસિવ કર્યો ન હતો. આ કારણે કંટાળીને ભરતભાઈએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ઓફિસમાં તપાસ કરાવી હતી. આ તપાસમાં જાણવા મળ્યુ હતું કે આ પ્રકારની કોઈ અરજી આવી નથી. આ કારણે કિરણ પટેલનો સંપર્ક કરીને રુપિયા પાછા માંગ્યા હતા અને બંનેએ ભરતભાઈને 11.75 લાખ પરત આપ્યા હતા જ્યારે 31.11 લાખ બાકી રાખ્યા હતા. આ સમગ્ર મામલો સામે આવતા ભરતભાઈ સોલા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા અને બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.