×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તોડબાજી કરનાર આશિષ કણજારિયા સામે વધુ એક શાળાએ નોંધાવી ફરિયાદ, કુલ 5 ફરિયાદ નોંધાઈ

અમદાવાદ, તા.06 મે-2023, શનિવાર

ખાનગી ટીવી ચેનલના તોડબાજ એડિટર આશિષ કંજારિયાની વધુ એક કરતુત સામે આવી છે. આશિષ કંજારિયા સામે વધુ એક સ્કૂલના સંચાલકે ફરિયાદ નોંધાવી છે. આશિષે રૂપિયા 2.78 લાખનો તોડ કર્યો છે, જેની બોપલની શિવઆશિષ સ્કૂલના સંચાલકે ખંડણીની ફરિયાદ નોંધાવી છે. આશિષ કંજારિયાએ શાળા સંચાલકોને વાલી મંડળના પ્રમુખ અને એક્ટિવિસ્ટ હોવાનું કહી શાળાને બદનામ કરવાની ધમકી આપી હતી. આશિષ કંજારિયાનો પુત્ર આ જ સ્કુલમાં ભણે છે, અને આશિષે સ્કુલમાં દીકરાની 1 લાખ સુધીની ફી પણ ભરી ન હતી. આશિષ કંજારિયા સામે અત્યાર સુધીમાં કુલ 5 ખંડણીની ફરિયાદો નોંધાઈ છે. હાલ બોપલ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.

CMOમાં સબંધો હોવાનું કહી આશિષ કંજારીયાએ બે લાખ પડાવ્યા

આ ઘટના અગાઉ આશિષ કંજારિયા સામે આનંદનિકેતન સ્કુલને બદનામ કરવાની ધમકી આપવાની તેમજ ટ્રસ્ટી પાસેથી 6 લાખ તેમજ તેમના ભાઈપાસેથી CMOમાં ઓળખાણ હોવાનું કહી IT અને GSTની રેડ પડાવવાની ધમકી આપી 2 લાખ પડાવ્યાની ફરિયાદ નોંધાઈ હતી. પીએમઓ અધિકારીની ઓળખ આપી ફૂંલેકુ ફેરવનાર મહાઠગ કિરણ પટેલની જેમ યુટયુબ ચેનલનો તંત્રી આશિષ કંજારીયા પણ સીએમઓમાં સબંધો હોવાનું કહી લોકોને ડરાવી પૈસા પડાવતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આરોપી વિરૂદ્ધ ખંડણીની આ ચોથી ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટનામાં આશિષે ફરિયાદી પાસે ખોટું બોલીને એડમિશન કરાવી વાલી પાસેથી 2 લાખ લીધા હતા. બીજીવાર આરોપી આવતા ફરિયાદીએ એડમિશન કરવાની ના પાડતા આરોપીએ સ્કુલને બદનામ કરવાની ધમકી આપી હતી. ધમકીથી ડરીને ફરિયાદીએ અન્ય ટ્રસ્ટીઓ સાથે વાત કરી આરોપીને અત્યાર સુધીમાં છ લાખ રૂપિયા આપ્યા હતા. ક્રાઈમબ્રાંચની તપાસમાં ખુલેલી વિગત મુજબ આરોપી આશિષે અત્યાર સુધીમાં 30 જેટલી શૈક્ષણીક સંસ્થાઓ, ઔધોગીક એકમ અને ટ્રાવેલ એજન્સીઓ પાસેથી 1.15 કરોડ બેંક ખાતામાં અને રૂ.૩૫ લાખ રોક્ડમાં લઈ કુલ દોઢ કરોડની રકમ પડાવી છે.

દોઢ કરોડની ખંડણી વસૂલીમાં કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા

આ અગાઉ આશિષ સામે 4 નામાંકિત સ્કૂલોના ટ્રસ્ટીઓએ પણ તોડબાજની ફરિયાદ કરી હતી. આરોપી આશિષ કંજારિયા વાલી મંડળનો પ્રમુખ તેમજ આરટીઆઈ એક્ટિવિસ્ટ હોવાનું કહી વર્ષ 2017થી અમદાવાદ શહેર તથા અમદાવાદ જિલ્લામાં આવેલી 30થી વધુ સ્કૂલોના ટ્રસ્ટીઓ, ઓદ્યોગિક એકમો તથા ટ્રાવેલ્સ એજન્સીઓ પાસેથી દોઢ કરોડની ખંડણી વસૂલી હોવાનું પોલીસે જણાવ્યું છે. આ મામલે પોલીસે તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યાં હતા. આરોપી આશિષ કંજારિયા સામે શહેરમાં ઉદગમ, સંતકબિર અને આનંદ નિકેતન જેવી નામાંકિત સ્કૂલોએ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો અને કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યાં હતા.

સંત કબિર સ્કૂલ પાસે પણ ખંડણી માંગી

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદની મણિનગરમાં એડ્યુનોવા સાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલના સંચાલક સંજયસિંહ ધરમપાલસિંગે ક્રાઈમ બ્રાંચમાં આશિષ કંજારિયા સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ શહેરની જાણિતી ઉદગમ સ્કૂલના સંચાલક મનન ચોકસીએ પણ તેની સામે ફરિયાદ નોંધાવી છે. મનન ચોકસીને સ્કૂલમાં એડમિશન કરી આપવા માટે કહ્યું હતું પરંતુ તેમણે આ પ્રકારે એડમીશનની ના પાડતાં જ આશિષ તેમની સામે ખોટી અરજી અને આરટીઆઈ કરતો હતો. તે સ્કૂલમાં આવીને કહેતો હતો કે તમારી સ્કૂલ વિરૂદ્ધમાં ખોટા પુરાવા ઊભા કરીને ફસાવી દઈશ અને જામીન પણ નહીં મળે તેવા ખોટા કેસમાં ફસાવી દઈશ. તે ઉપરાંત શહેરની પ્રતિષ્ઠિત ગણાતી સંત કબીર સ્કૂલ પાસે પણ આશિષ કનજારિયાએ ખંડણી માગી હતી. 

ધમકી આપીને વાર્ષિક રૂ.50 હજારની માંગણી કરી

બીજી તરફ સેટેલાઈટ શ્યામલ રો હાઉસમાં રહેતા શશીબહેન ભટ્ટ બોપલ અને સાણંદમાં શ્રી રામ વિદ્યાલય ધરાવે છે. 2017 માં આશિષ તેમને મળવા ગયો હતો અને પોતે વાલી મંડળનો પ્રમુખ, આરટીઆઈ એકટીવીસ્ટ અને પોલખોલ યુ ટ્યૂબ ચેનલના તંત્રી તરીકે ઓળખાણ આપી સ્કૂલની કેટલીક માહિતી માંગી હતી. જે નહીં આપતા સ્કૂલમાં આંદોલનની ધમકી આપીને વાર્ષિક રૂ.50 હજારની માંગણી કરી હતી. તેમણે પણ આશિષ સામે ફરિયાદ નોંધાવી છે. અત્યાર સુધીમાં આશિષ સામે કુલ ચાર ફરિયાદો નોંધાઈ છે. આશિષે ઘણી સ્કૂલો પાસેથી પૈસા પડાવ્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલતા આશિષ વિરુદ્ધ હજુ અન્ય કેટલીક ફરિયાદો દાખલ થઇ શકે છે. જેના માટે પોલીસ સામેથી પણ સ્કૂલના સંચાલકોનો સંપર્ક કરી રહી છે.