×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO : 70 વર્ષ બાદ કિંગ ચાર્લ્સ અને રાણી કેમિલાની કરાઈ તાજપોશી, કોહિનૂર જડિત મુગટ ન પહેર્યો

લંડન, તા.06 મે-2023, શનિવાર

કિંગ ચાર્લ્સ ત્રીજાને આજે બ્રિટનના રાજા તરીકેનો રાજ્યાભિષેક કરાયો છે. ગત સપ્ટેમ્બરમાં રાણી એલિઝાબેથના અવસાન થયા બાદ ચાર્લ્સ ત્રીજાએ બ્રિટનના રાજાનું બિરુદ સ્વીકાર્યું હતું. ત્યારાદ આજે ઔપચારિક રીતે તેમનો રાજ્યાભિષેક કરતી વખતે કૈંટરબરીના આર્કબિશપ જસ્ટિન વેલ્બીએ રાજા ચાર્લ્સને તાજ પહેરાવ્યો છે. આ તાજ ઈંગ્લેન્ડના રાજાની શક્તિનું પ્રતીક છે. આ સાથે જ 74 વર્ષીય કિંગ ચાર્લ્સ બ્રિટિશ સિંહાસન પર બિરાજમાન થનારા સૌથી વૃદ્ધ બ્રિટિશ રાજા બની ગયા છે.

આજનો દિવસ બ્રિટનવાસીઓ માટે ખુબ જ મહત્વનો હતો. આજે કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેકને લઈને ભવ્યાતિભવ્ય સમારોહ યોજાયો હતો. આ દરમિયાન હિન્દુ, શીખ, મુસ્લિમ, બૌદ્ધ અને યહૂદી સમુદાયના ધાર્મિક નેતાઓ અને પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વેસ્ટમિંસ્ટર એબેમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન કિંગ્સ ચાર્લ્સ ત્રીજા બાદ તેમની પત્ની કૈમિલાને પણ કીંગરૂપે તાજ પહેરાવાયો હતો.

બ્રિટનના PM સુનાકે રાજ્યાભિષેક પ્રસંગે બાઈબલનું વાંચન કર્યું

કૈંટરબરીના આર્કબિશપ દ્વારા પ્રાર્થના કરાયા બાદ બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે પરંપરા મુજબ ‘કુલુસ્સિયોંની બાઈબલ' પુસ્તકમાંથી સંદેશ વાંચ્યો હતો. સુનક બ્રિટનના ભારતીય વારસાના પ્રથમ વડાપ્રધાન અને ધર્મપ્રેમી હિન્દુ છે. બ્રિટનના નવા શાસક કિંગ ચાર્લ્સ તૃતીયની આજે તાજપોશી પ્રસંગે 100 રાષ્ટ્રપ્રમુખો, રાજપરિવારો અને ઘણી જાણીતી હસ્તીઓને ઉપસ્થિત રહી હતી. તો ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સહિત અનેક હસ્તીઓ પણ સમારોહના સાક્ષી બન્યા હતા.

પ્રિન્સ ચાર્લ્સ બ્રિટન સહિત અન્ય 14 દેશોના પણ રાજા બન્યા

રસપ્રદ વાત એ છે કે, પ્રિન્સ ચાર્લ્સ માત્ર બ્રિટનના જ નહીં પણ બીજા 14 દેશોના રાજા બની ગયા છે. આ 14 દેશો એવા છે જ્યાં ક્યારેક ને ક્યારેક બ્રિટનનુ રાજ રહ્યુ હતુ. જેમને કોમનવેલ્થ દેશ ગણવામાં આવે છે. કોમનવેલ્થ દેશોમાં એવા પણ દેશોનો સમાવેશ થાય છે, જેઓ ક્યારેક ને ક્યારેક બ્રિટનના ગુલામ હતા અને હવે આઝાદ થવાની સાથે સાથે રાજાશાહી પણ ફગાવી ચુકયા છે. જોકે આ 14 દેશોમાં હજી પણ બ્રિટનના રાજાના નામે શાસન ચાલે છે. આ દેશોમાં સરકાર પોતાની છે, સંસદ તરફથી જ નિર્ણય લેવામાં આવે છે. જેમાં રાજવી પરિવાર કોઈ હસ્તક્ષેપ કરતો નથી. સંસદ જે નિર્ણય લે છે તે વડાપ્રધાન જ લાગુ કરે છે. પણ પ્રતિકાત્મક રીતે બ્રિટનની રાજાશાહી હજી પણ આ દેશોમાં અસ્તિત્વ ધરાવે છે. પ્રિન્સ ચાર્લ્સ પહેલા મહારાણી એલિઝાબેથ દ્વિતિયે બ્રિટનમાં 70 વર્ષ મહારાણી તરીકે અને બીજા 14 દેશોમાં પણ મહારાણી તરીકે શાસન કર્યુ હતુ.

પ્રિન્સ ચાર્લ્સ આ દેશોના રાજા બન્યા

  • ઓસ્ટ્રેલિયા
  • કેનેડા
  • ન્યૂઝીલેન્ડ
  • બેલીઝ
  • બહામાસ
  • ગ્રેનેડા
  • જમૈકા
  • એન્ટીગુઆ અને બરમુડા
  • સોલોમન ટાપુ
  • તુવાલૂ
  • સેન્ટ વિન્સેન્ટ 
  • સેન્ટ લૂસિયા
  • પપુઆ ન્યૂ ગિની
  • સેન્ટ કિટ્સ