×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કેજરીવાલને રાહત, ઉત્તર પ્રદેશમાં નહીં ચલાવાય કેસ, સુપ્રીમ કોર્ટે જુલાઈ સુધી લગાવ્યો સ્ટે

Image  - wikipedia

નવી દિલ્હી, તા.01 મે-2023, સોમવાર

સુપ્રીમ કોર્ટે 2014ની સંસદીય ચૂંટણી દરમિયાન ઉત્તર પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વિરુદ્ધ કથિત રૂપે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે દાખલ કરાયેલા કેસની કાર્યવાહી પરનો વચગાળાનો સ્ટે સોમવારે લંબાવ્યો હતો. અરવિંદ કેજરીવાલે અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. હાઈકોર્ટે જાન્યુઆરીમાં સુલતાનપુરની ટ્રાયલ કોર્ટ સમક્ષ પેન્ડિંગ ફોજદારી કેસમાં કેજરીવાલને મુક્ત કરવાનો ઈનકાર કર્યો હતો.

ઉત્તર પ્રદેશ સરકારે પોતાનો જવાબ દાખલ કરવા માટે વધુ સમય માંગ્યો

FIRમાં અરવિંદ કેજરીવાલ પર જનપ્રતિનિધિત્વ અધિનિયમ-1951ની કલમ 125 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. આ આરોપ ચૂંટણીના સંબંધમાં વિવિધ વર્ગો વચ્ચે દુશ્મનીને પ્રોત્સાહન આપવાનો છે. જસ્ટિસ કે.એમ.જોસેફ અને જસ્ટિસ બી.વી.નગરત્નાની બેન્ચે આ મામલે સુનાવણી મોકૂફ રાખી છે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા સ્થગિત કરવા માટેનો એક પત્ર મોકલાયો છે. આ પત્રમાં ઉત્તર પ્રદેશ સરકારે પોતાનો જવાબ દાખલ કરવા માટે વધુ સમય માંગ્યો છે તે ધ્યાનમાં રાખીને કોર્ટની બેન્ચે આ નિર્ણય લીધો છે. બેન્ચે કહ્યું કે, આને જુલાઈના ત્રીજા સપ્તાહમાં રાખો... વચગાળાનો આદેશ ચાલુ રહેશે...

કેજરીવાલે શું કહ્યું હતું ?

અરવિંદ કેજરીવાલે કથિત રીતે કહ્યું હતું કે, જે કોંગ્રેસને મત આપશે... મારું માનવું હશે... દેશ સાથે દગો હશે... જે ભાજપને મત આપશે, તેને ભગવાન પણ માફ નહીં કરે.... એડવોકેટ વિવેક જૈન દ્વારા દાખલ કરાયેલી તેમની અરજીમાં અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, પિટિશન કાયદાના કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો ઉઠાવે છે, જેમાં તે પણ સામેલ છે કે, શું કાયદાની કલમ 125 હેઠળ કોઈપણ વિડિયો ક્લિપ વગર અથવા કથિત ભાષણની સંપૂર્ણ ટ્રાન્સક્રિપ્ટ વગર કેસ કરી શકાય છે.