×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જો સત્યપાલ મલિકની વાત યોગ્ય છે તો રાજ્યપાલ હતા ત્યારે ચુપ કેમ હતા ? અમિત શાહનો વળતો જવાબ

Image - Amit Shah Facebook

નવી દિલ્હી, તા.22 એપ્રિલ-2023, શનિવાર

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક તાજેતરમાં સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપો લગાવી રહ્યા છે. આ આરોપો બાદ દેશના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. જો કે ગૃહમંત્રી અમિત શાહે પૂર્વ રાજ્યપાલ પર સવાલ ઉઠાવ્યા છે. સત્યપાલ મલિકની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવતા અમિત શાહે કહ્યું કે, તેમણે કહેવું જોઈએ કે, અમારો સાથ છોડ્યા બાદ જ તેમને બધા વિચારો કેમ આવે છે.

જ્યારે લોકો સત્તામાં હોય છે, ત્યારે તેમને અંતરઆત્માની અવાજ કેમ સંભળાતી નથી : અમિત શાહ

એક મીડિયા જૂથને આપેલા ઈન્ટરવ્યૂમાં અમિત શાહે કહ્યું કે, જ્યારે લોકો સત્તામાં હોય છે, ત્યારે તેમને અંતરઆત્માની અવાજ કેમ સંભળાતી નથી. તેમણે એમ પણ કહ્યું કે, જ્યારે સત્યપાલ મલિક રાજ્યપાલ હતા ત્યારે જ તેમણે તમામ આરોપો લગાવવા જોઈતા હતા. અમિત શાહને પ્રશ્ન કરાયો કે, જ્યારે તમે તેમને રાજ્યપાલ બનાવી રહ્યા હતા, ત્યારે એવું ન લાગ્યું કે અયોગ્ય વ્યક્તિની પસંદગી થઈ રહી છે ? આ પ્રશ્નના જવાબમાં અમિત શાહે કહ્યું કે, જ્યારે રાજનાથ સિંહ રાષ્ટ્રીય અધ્યક્ષ હતા, તે સમયે સત્યપાલ મલિક રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હતા. તેઓ લાંબા સમય સુધી પક્ષમાં રહ્યા... જ્યારે હું અધ્યક્ષ હતો, તે સમયે પણ તેઓ અમારી પાર્ટીમાં હતા. અમિત શાહે કહ્યું કે, રાજકારણમાં આવું થતું રહે છે. જો કોઈ કારણથી કોઈનું મન બદલાઈ જાય, તો તેમાં અમે શું કરી શકીએ...

મલિકે PM મોદી વિરુદ્ધ કર્યા હતા ગંભીર આરોપ

ઉલ્લેખનિય છે કે, સત્યપાલ મલિકે યૂટ્યૂબ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે પુલવામા હુમલા માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવ્યા હતા. દરમિયાન ગઈકાલે 21 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકને CBIએ નોટિસ ફટકારી હતી. CBIએ આ નોટિસમાં સત્યપાલ મલિકને ભ્રષ્ટાચારના મામલાની તપાસમાં સામેલ થવા માટે કહ્યું છે. 

મલિકે કિસાન બિલ મામલે ખેડૂતોને આપ્યું હતું સમર્થન

ઉલ્લેખનીય છે કે, સત્યપાલ મલિક ઘણા સમયથી કેન્દ્ર સરકારની ટીકા કરી રહ્યા છે. તેમણે કિસાન બિલના વિરોધમાં ધરણા પર બેઠેલા ખેડૂતોના સમર્થનમાં પણ વાત કરી હતી. તે દરમિયાન તેમણે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા બિલનો પણ વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, કેન્દ્રના 3 કૃષિ કાયદાને રદ થવું ખેડૂતોની ઐતિહાસિક જીત છે. વિરોધ કરી રહેલા ખેડૂતો પર દાખલ કરાયેલા કેસ પાછા ખેંચવા અંગે કેન્દ્ર સરકારે પ્રમાણિકતાથી કામ કરવું પડશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, સરકારે પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ને કાયદેસર બનાવવો પડશે. સત્યપાલ મલિકે કહ્યું હતું કે તેઓ પોતે આ કૃષિ કાયદાની વિરુદ્ધ છે.

સત્યપાલ મલિકે લગાવ્યા હતા ભ્રષ્ટાચારના આરોપ

17 ઓક્ટોબર, 2021ના રોજ રાજસ્થાનના ઝુંઝુનુમાં એક કાર્યક્રમમાં સત્યપાલ મલિકે કહ્યું હતું કે, 'કાશ્મીર ગયા પછી મારી પાસે બે ફાઇલો આવી. એક અંબાણીની ફાઈલ હતી અને બીજી આરએસએસ સંલગ્ન વ્યક્તિની હતી જે અગાઉની મહેબૂબા મુફ્તી-ભાજપ ગઠબંધન સરકારમાં મંત્રી હતા. તેઓ પીએમ મોદીના પણ ખૂબ નજીક હતા. મને સચિવો દ્વારા જાણ કરવામાં આવી હતી કે કૌભાંડ થયું છે અને પછી મેં બદલામાં બંને સોદા રદ કર્યા. સચિવોએ મને કહ્યું કે બંને ફાઈલો માટે 150-150 કરોડ રૂપિયા આપવામાં આવશે પરંતુ, મેં તેમને કહ્યું કે હું પાંચ કુર્તા-પાયજામા લઈને આવ્યો છું અને તે જ લઈને જઈશ.