×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સુદાનમાં બોંબ-ગોળીબારની હિંસા વચ્ચે ફસાયા કર્ણાટકના 31 આદિવાસી લોકો, કોંગ્રેસ નેતાએ પરત લાવવા કરી માંગ

બેંગલુરુ, તા.18 એપ્રિલ-2023, મંગળવાર

હાલ સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચેની ભયાનક અથડામણ ચાલી રહી છે. આ અથડામણમાં ઓછામાં ઓછા 185થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, તો 1800થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાના પણ અહેવાલો મળી રહ્યા છે. દરમિયાન સુદાનની હિંસામાં કર્ણાટકના હક્કી-પિક્કી જનજાતિના 31 લોકો ફસાયા છે અને તેઓ ભયાનક સ્થિતિનો સામનો કરી રહ્યા છે. સુદાનની હિંસામાં અન્ય દેશોના લોકો પણ ફસાયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ મંગળવારે કેન્દ્રને વિનંતી કરી કે, યુદ્ધગ્રસ્ત સુદાનમાં ફસાયેલા રાજ્યના હક્કી-પિક્કી (આદિવાસી) જનજાતિના 31 લોકોને પાછા લાવવા માટે જરૂરી પગલાં ભરે...

સુદાન મામલે વિદેશ મંત્રાલયે શું કહ્યું ?

કર્ણાટક સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના કમિશનર મનોજ રાજને જણાવ્યું કે, અમને સંદેશો મળ્યો છે કે, કર્ણાટકના 31 લોકોનું ગ્રૂપ સુદાનમાં ફસાયું છે. અમે આ અંગે વિદેશ મંત્રાલયને જાણ કરી છે. અધિકારીએ જણાવ્યું કે, તેમના વિભાગે આ ગ્રૂપને સુદાનમાં ભારતીય દૂતાવાસની સૂચનાઓનું પાલન કરવા કહ્યું છે. કમિશનર મનોજ રાજને એક નિવેદનમાં કહ્યું કે, અત્યારે ફસાયેલા લોકોએ જ્યાં છે ત્યાં જ રહેવું જોઈએ અને બહાર ન આવવું જોઈએ. વિદેશ મંત્રાલયે આ બાબતની નોંધ લીધી છે અને તેના પર કામ કરી રહ્યું છે. શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાએ ભારત સરકારને દરમિયાનગીરી કરવા અને સુદાનમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે પાછા લાવવા વિનંતી કરી છે.

ત્રીજા દિવસે પણ સુદાનમાં સંઘર્ષ યથાવત્, 185થી વધુના મોત

સુદાનમાં સતત ત્રીજા દિવસે પણ સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. અહીં ઓછામાં ઓછા 185 લોકોના મૃત્યુ થયા છે, જેમાં એક ભારતીયનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત 1800થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. એક એજન્સીએ જણાવ્યું કે, રાજધાની ખાર્તુમની નજીક સર્જાયેલી અથડામણમાં મૃતકોની સંખ્યા વધી શકે છે. હોસ્પિટલમાં દાખલ ઘણા ઈજાગ્રસ્તોની હાલત નાજુક હોવાનું જણાવાઈ રહ્યું છે. 

સત્તા કબજે માટે લાંબા સમયથી ચાલી રહ્યો છે વિવાદ 

બે જનરલોના દળો વચ્ચે 2021માં સત્તા કબજે માટે  બળવો થયો હતો. ત્યારબાદ ફરી એકવાર શનિવારથી આ બળવો ઘાતક હિંસામાં બદલાયેલ જોવા મળે છે. અર્ધલશ્કરી દળો અને સેનાના વિલીનીકરણને લઈને આ વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. જેના કારણે અમુક સમયે હિંસા થતી રહે છે. સુદાનના આર્મી ચીફ અબ્દેલ ફત્તાહ અલ-બુરહાન અને તેમના ડેપ્યુટી, મોહમ્મદ હમદાન ડગલો, જેઓ અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસને કમાન્ડ કરે છે.

ભારતીય દૂતાવાસે એક એડવાઈઝરી જાહેર કરી હતી 

ખાર્તુમની સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાનું કહેવાય છે. અનેક જિલ્લાઓમાં ગોળીબારની ઘટનાઓ બની છે. અહીં બોમ્બ ફેંકવામાં આવ્યા છે. તેને જોતા અહીં શાળા, કોલેજ, સરકારી ઓફિસો તમામને બંધ કરી દેવામાં આવ્યા છે. ભારતીય દૂતાવાસે એક એડવાઈઝરી જાહેર કરીને તેના લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. લોકોને ઘરની અંદર રહેવા અને બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.