×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે અનુપમસિંહ ગેહલોત અથવા શમશેરસિંહનું નામ મોખરે



અમદાવાદઃ ગુજરાતમાં નજીકના દિવસોમાં IPS અધિકારીઓની બદલીઓનો ગંજીફો ચીપાશે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાના પોલીસ કમિશ્નરોની બદલીઓ પણ કરવામાં આવી શકે છે. અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ આગામી 30 એપ્રિલના રોજ નિવૃત્ત થતાં હોવાથી તેમના સ્થાને આઈબીના વડા અને એસીબીના ડાયરેક્ટર અનુપમસિંહ ગેહલોત તેમજ વડોદરાના પોલીસ કમિશ્નર ડો.શમશેરસિંહનું નામ મોખરે ચાલતું હોવાનું પોલીસબેડામાં ચર્ચાઈ રહ્યું છે.આ ઉપરાંત સુરત પોલીસ કમિશ્નર અજય તોમર અને જેલોના વડા ડો. કે.એલ.એન રાવના નામોની ચર્ચાઓ ચાલી રહી છે. 

અમદાવાદના પોલીસ કમિશ્નર વયનિવૃત્ત થઈ રહ્યાં છે
આ ઉપરાંત અમદાવાદ ક્રાઈમ બ્રાંચના જેસીપી અને અમદાવાદ રેન્જ આઈજીપી વી.ચંદ્રશેખર સહિતના અનેક અધિકારીઓની બદલીઓ કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ 30મી એપ્રિલના રોજ નિવૃત થતા હોવાથી તેમના સ્થાને કોને બેસાડવા તે બાબતે અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. આ ઉપરાંત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી ગઇ હોવાથી લોકોમાં પોલીસની છબી સુધારવા માટે ડેમેજ કંટ્રોલ તરીકે અને કડક અધિકારી તરીકેની છાપ ધરાવતા ડો.શમશેરસીંગ પર સરકારની નજર છે. તેમને અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે મુકાય તેવી પ્રબળ શકયતા સેવાઇ રહી છે. 

..તો ગેહલોતને સુરતના કમિશ્નર બનાવાય તેવી શક્યતા
આઇ.બીના વડા અનુપમસિંહ ગેહલોત સરકારની ગુડબુકમાં હોવાથી તેમને અમદાવાદ પોલીસ કમિશનર તરીકે મુકવામાં આવે તેવી પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓમાં ચર્ચાઓ ચાલી રહી છે. તેઓ ઇન્ટેલીજન્ટ બ્યુરોમાં હોવાથી સરકારની ખુબ જ નજીકના અધિકારી માનવામાં આવે છે.વિધાનસભાની ચૂંટણીમાં અનુપમસિંહ ગેહલોતે સરકારની ખુબ જ મદદ કરી હતી. જેના કારણે સરકારને ગુજરાતમાં ખુબ જ સારા પરિણામો મળ્યા છે. આ ઉપરાંત ગેહલોતને સુરત પોલીસ કમિશનર પણ બનાવાય તેવી શકયતા પણ નકારી શકાતી નથી. જો અજય તોમરને સુરતથી હટાવશે તો ગેહલોતને તેમના સ્થાને મુકાય તેમ છે. આ ઉપરાંત રેલ્વેના ડીઆઇજી રાજકુમાર પાંડીયન પણ સુરત પોલીસ કમિશનરની રેસમાં હોવાનુ જાણવા મળ્યુ છે. 

બદલીઓને લઈને પોલીસબેડામાં ભારે ચર્ચાઓ
જેલોના વડાના ડો.કે .એલ.એન રાવને અમદાવાદ પોલીસ કમિશનર બનાવાય તેવી ચર્ચા ચાલી હતી. પરંતુ સમગ્ર ગુજરાતની જેલોમાં ખુદ ગુહમંત્રીએ સર્ચ કરાવ્યુ તેમાં ઘણી બધી જેલોની પોલપટ્ટી સરકારના હાથે લાગી હોવાથી હવે સરકાર તેમને અન્ય કોઇ જગ્યાએ મુકે તેવી શકયતા સેવાઇ રહી છે. આ ઉપરાંત અમદાવાદ ક્રાઇમબ્રાંચના સંયુકત પોલીસ કમિશનર પ્રેમવીર સીંઘને હટાવીને તેમના સ્થાને  IPS આર.વી.અસારી, અભય ચુડાસમા સહિતના અધિકારીઓ રેસમાં હોવાનુ જાણવા મળ્યુ છે. અમદાવાદ રેન્જ આઇજીપી વિ.ચંદ્રશેખરની બદલી કરીને તેમના સ્થાને સંદીપસિંહ, અશોકકુમાર યાદવ તેમજ અન્ય અધિકારીઓ રેસમાં હોવાની પોલીસબેડામાં ચર્ચા ચાલી રહી છે. વડોદરા પોલીસ કમિશનર ડો. શમશેરસીંગની બદલી કરવામાં આવે તો તેમના સ્થાને નરસિંહા કોમર તેમજ અન્ય અધિકારીઓના નામ પોલીસબેડામાં ચાલી રહેલી ચર્ચામાં મોખરે છે.