×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશમાં હીટવેવની સ્થિતિ, અનેક રાજ્યોમાં પારો 42 ડિગ્રીને પાર


- ઉત્તર-પશ્વિમ વિસ્તારોમાં બે દિવસ પછી ગરમીથી રાહત મળશે

- પૂર્વોત્તરમાં તાપમાનનો પારો હજુ પણ ઊંચો જશે : અનેક રાજ્યોમાં આગામી ચાર દિવસ સુધી હવામાન વિભાગની હીટવેવની ચેતવણી

- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી સપ્તાહના અંતે ઉત્તર-પશ્વિમ ભારતમાં વરસાદની શક્યતા: કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, પંજાબમાં કરા -બરફવર્ષાની આગાહી 

 નવી દિલ્હી : દેશના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો ૪૦થી ૪૪ ડિગ્રી નોંધાતા હીટવેવની સ્થિતિ સર્જાઈ હતી. પાટનગર દિલ્હીમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીને પાર થયું હતું. બિહારના ઓરંગાબાદ જિલ્લામાં ૪૩ ડિગ્રી નોંધાયું હતું. પશ્વિમ બંગાળમાં આકરી ગરમીના કારણે શાળા-કોલેજો બંધ રાખવાની ફરજ પડી હતી. પૂર્વોત્તર રાજ્યોમાં તાપમાનનો પારો આગામી ચાર દિવસમાં વધીને ૪૪ સુધી પહોંચે એવી ધારણા છે. જોકે, સપ્તાહના અંતે પશ્વિમ અને ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં ગરમીથી થોડી રાહત મળશે. કારણ કે હિમાલયન રેન્જમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

પશ્વિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તેલંગણા, તમિલનાડુ સહિતના રાજ્યોમાં મહત્તમ તાપમાન ૪૦ની નજીક રહેતા ગરમીએ હાહાકાર મચાવ્યો હતો. 

આકરી ગરમીથી જનજીવન પ્રભાવિત થયું હતું. પશ્વિમ બંગાળમાં લૂથી બચવા માટે શાળા-કોલેજો બંધ રાખવાનો આદેશ અપાયો હતો. હજુ ત્રણ-ચાર દિવસ સુધી પશ્વિમ બંગાળને ગરમીમાં રાહત મળવાની શક્યતા નથી. આંધ્રપ્રદેશમાં પણ એવી જ સ્થિતિ રહી હતી. હવામાન વિભાગના અંદાજ પ્રમાણે આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં તાપમાનનો પારો ૪૨થી ૪૩ ડિગ્રી પહોંચશે અને હીટવેવની સ્થિતિ સર્જાશે. હવામાન વિભાગના અધિકારીઓએ દેશભરના અનેક રાજ્યો માટે એલર્ટ જારી કર્યો હતો. ઝારખંડ, સિક્કિમમાં આગામી બે દિવસ આકરી ગરમી રહેશે. 

જોકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમાલયન રેન્જમાં તાપમાન બદલાશે. જમ્મુ-કાશ્મીર, હિમાલચ પ્રદેશ, ઉત્તરાખંડમાં બરફવર્ષા થવાની શક્યતા છે અને કેટલાક રાજ્યોમાં કરા પડે એવી પણ આગાહી થઈ છે. રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશનું વાતાવરણ રૂટિન મુજબ રહેશે. પરંતુ દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં બે-ત્રણ દિવસમાં પડશે. તેના કારણે ઉત્તર અને પશ્વિમ ભારતમાં ગરમીથી થોડી રાહત રહેશે.

 તેલંગણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કેરળમાં પણ થોડા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. તેના કારણે આ રાજ્યોમાં તાપમાનનો પારો એક-બે ડિગ્રી સુધી નીચે આવશે.