×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મહારાષ્ટ્રમાં સન્માન સમારોહમાં હીટસ્ટ્રોકને લીધે 11નાં મોત, અમિત શાહ પણ કાર્યક્રમમાં હાજર હતા

image : Twitter

મહારાષ્ટ્રમાં આયોજિત એક સન્માન સમારોહમાં હીટસ્ટ્રોકના કારણે 11 લોકોનાં મોત થયાના સમાચાર મળ્યા હતા. જ્યારે અન્ય 50 લોકોની તબિયત પણ લથડી હતી. જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન નવી મુંબઈના ખારઘરમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. આ પ્રસંગે અપ્પાસાહેબ ધર્માધિકારીનું મહારાષ્ટ્ર ભૂષણથી સન્માન કરવામાં આવ્યું હતું. બપોર બાદ ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું હતું. આ દરમિયાન લોકોની તબિયત લથડી હતી. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઈનામનું વિતરણ કર્યું હતું અને સભા પણ સંબોધી હતી. આ કાર્યક્રમમાં લાખો લોકોએ હાજરી આપી હતી  પણ બેસવાની કોઈ વ્યવસ્થા કરાઈ નહોતી. બધાએ તડકામાં બેસવું પડ્યું અને હીટસ્ટ્રોકનો શિકાર થઈ ગયા. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહની સાથે મહારાષ્ટ્ર સરકારના સીએમ શિન્દે, ડે.સીએમ ફડણવીસ પણ હાજર હતા. વિપક્ષે આ મામલે આક્રમક વલણ અપનાવ્યું છે. 

સીએમ શિંદેએ વળતરની જાહેરાત કરી

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃત્યુ પામેલા 11 લોકો હીટસ્ટ્રોકના કારણે બીમાર હતા. સીએમ શિંદે પણ કાર્યક્રમ બાદ હોસ્પિટલ ગયા હતા જ્યાં અન્ય બીમાર લોકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. સીએમ શિંદેએ મૃતકોને 5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. જ્યારે બીમાર લોકોની સારવારનો ખર્ચ ઉઠાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

24 લોકો હજુ પણ સારવાર હેઠળ છે

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ કાર્યક્રમ દરમિયાન બીમાર પડેલા 50 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 26 લોકોને પ્રાથમિક સારવાર બાદ ઘરે મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે 24 લોકો હજુ પણ સારવાર હેઠળ છે.

વિપક્ષી પાર્ટીના નેતા હોસ્પિટલમાં દાખલ લોકોને મળવા પહોંચ્યા

ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે અને NCP નેતા અજિત પવાર એમજીએમ કામોથે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોને મળ્યા હતા. તેમણે હોસ્પિટલમાં ડોક્ટર સાથે પણ વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. પીડિતોને મળ્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમે લોકોને મળ્યા છીએ, 4-5 લોકો સાથે વાત કરી છે, જેમાંથી બેની હાલત ગંભીર છે. કાર્યક્રમનું આયોજન યોગ્ય રીતે થયું ન હતું. આ ઘટનાની તપાસ કોણ કરશે? તે જ સમયે, અજિત પવારે કહ્યું કે અમે જોયું કે એક દર્દી વેન્ટિલેટર પર છે અને તેની હાલત નાજુક છે. બાકીના લોકોએ અમારી સાથે વાત કરી... આ ખૂબ જ ગંભીર ઘટના છે... તેની તપાસ થવી જોઈએ.