×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કર્ણાટક ચૂંટણી : કોલારની જાહેરસભામાં મોદી સરકાર પર વરસ્યા રાહુલ ગાંધી, કહ્યું ‘તેઓ કામો માટે 40% કમિશન લે છે’

કોલાર, તા.16 એપ્રિલ-2023, રવિવાર

કર્ણાટકમાં ચૂંટણીમાં મતદારોને રિઝવવા તમામ પક્ષો કમરસમી રહ્યા છે, તો વિવિધ પક્ષોના દિગ્ગજો સહિત સેલીબ્રીટીઓ ચૂંટણી સભાઓ અને રેલીઓમાં જોવા મળી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ દ્વારા પણ કર્ણાટકમાં ચૂંટણી સભા યોજાઈ હતી. આ સભામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી કોલારમાં જાહેરસભા ગજવી હતી. અહીં તેમણે ફરી કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા.

રાહુલ ગાંધીએ ફરી કેન્દ્ર સરકારને ઘેરી

ચૂંટણી સભા દરમિયાન રાહુલ ગાંધીએ કેન્દ્રમાં મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોલારમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, રાજ્યની ભાજપ સરકાર તમામ કામો કરવા માટે 40 ટકા કમિશન લે છે. ઉપરાંત લોકસભામાં પોતાની વાત રજૂ કરવા અને સંસદ પદેથી અયોગ્ય જાહેર કરવાની બાબતનો ઉલ્લેખ કરી રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને ઘેરી હતી. રાહુલ ગાંધીએ જનસભાને સંબોધતા જણાવ્યું કે, રાજ્યમાં કમિશન લેવાતુ હોવા અંગે PM મોદીને પત્ર લખાયો હતો, પરંતુ તેમણે હજુ સુધી તેનો જવાબ આપ્યો નથી... તેથી તેનો મતલબ એ છે કે, તેઓ આ વાતને માને છે કે, 40 ટકા કમિશન લેવાઈ રહ્યું છે. રાહુલે આરોપ લગાવ્યો કે રાજ્યમાં ભાજપ સરકાર જે પણ કામ કરે છે, તેમાં 40 ટકા કમિશન લે છે.

મને લોકસભામાં બોલવાની તક ન અપાઈ : રાહુલ ગાંધી

આ દરમિયાન રાહુલ ગાંધીએ સંસદનું સભ્ય પદ રદ કરવા અંગે વાત કરતા કહ્યું કે, તેમને લોકસભામાં બોલવાની તક ન અપાઈ... રાહુલે જણાવ્યું કે, તેઓ તેમના પર લાગેલા આરોપો પર લોકસભામાં બોલવા માંગતા હતા, પરંતુ તેમને તક ન અપાઈ... જ્યારે તેમણે સ્પીકરને પત્ર લખીને બોલવાની મંજૂરી માંગી, ત્યારે તેઓ હસ્યા અને કહ્યું કે તેઓ કંઈપણ કરી શકે તેમ નથી. આ બાબત પર રાહુલે તેમને કહ્યું કે, તેઓ સ્પીકર છે અને સંસદમાં જે ઈચ્છે તે કરી શકે છે... તો તેઓ પોતાનું કામ કેમ કરી રહ્યા નથી ? રાહુલે જણાવ્યું કે, તેઓ અદાણીનો મુદ્દો સંસદમાં લાવવાથી ડરી રહ્યા હતા. ત્યારબાદ રાહુલ ગાંધીનું લોકસભામાંથી સભ્યપદ અયોગ્ય જાહેર કરાયું હતું.

રાહુલે ફરી કહ્યું... આખરે 20 હજાર કરોડનો માલિક કોણ છે ?

સંસદની કાર્યવાહી ન ચાલવા દેવાનો આરોપ લગાવતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, જ્યારે તેમણે સંસદમાં અદાણીનો મુદ્દો ઉઠાવ્યો અને પૂછ્યું કે, આખરે 20 હજાર કરોડનો માલિક કોણ છે ? તેમણે કહ્યું કે, આવું પ્રથમવાર બન્યું કે, ભાજપે સંસદની કાર્યવાહી ન ચાલવા દીધી... સામાન્ય રીતે વિપક્ષના કારણે સંસદની કાર્યવાહીમાં ખોરવાતી હોય છે... રાહુલ ગાંધીએ જાહેરસભામાં લોકોને સંબોધતા વડાપ્રધાન મોદીને પડકાર ફેંકતા જણાવ્યું કે, જો તેઓ અદાણીને હજારો કરોડ રૂપિયા આપી શકે છે તો કોંગ્રેસ દેશના ગરીબો, મહિલાઓ અને યુવાનોને પૈસા આપી શકે છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીએ અદાણીને દિલથી મદદ કરી છે, કોંગ્રેસ રાજ્યની જનતાને દિલથી મદદ કરશે.