×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમેરિકાના ટેક્સાસમાં ડેરી ફાર્મમાં પ્રચંડ વિસ્ફોટ બાદ આગ લાગતા એકસાથે 18000 ગાયો મૃત્યુ પામી ગઈ

image : Twitter/ wikipedia


અમેરિકાના ટેક્સાસમાં એક ડેરી ફાર્મમાં થયેલા વિસ્ફોટ બાદ આગ લાગવાની ઘટનામાં ઓછામાં ઓછી 18000 ગાયો મૃત્યુ પામી ગયાના સનસનાટી મચાવતા અહેવાલ સામે આવ્યા છે. આ દુનિયામાં કોઈ એક દુર્ઘટનામાં સૌથી વધુ પશુઓના મૃત્યુનો પ્રથમ મામલો છે. આ વિસ્ફોટ સોમવારે ટેક્સાસના ડિમિટમાં સાઉથ ફોર્ક ડેરી ફાર્મમાં થયો હતો. વિસ્ફોટ એટલો ભયાવહ હતો કે સમગ્ર વિસ્તારમાં ધૂમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા. 

કોઈ માનવીની જાનહાનિ થઈ નથી 

ફાયરબ્રિગેડના કર્મચારીઓએ આગને કાબૂમાં લેવા માટે ભારે મહેનત કરવી પડી હતી. આગને કાબૂમાં લેવાયા બાદ જાણ થઈ કે આ ઘટનામાં 18000થી વધુ ગાયો મૃત્યુ પામી ચૂકી હતી. જોકે આ ઘટનામાં કોઈ માનવી મૃત્યુ પામ્યો નથી. એક ડેરી ફાર્મનો કર્મચારી આગમાં ફસાઈ ગયો હતો જેને ભારે જહેમત બાદ બચાવી લેવાયો હતો. તે ગંભીર રીતે દાઝી જતાં તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે હજુ એ સ્પષ્ટ થયું નથી કે વિસ્ફોટની શરૂઆત કેવી રીતે થઈ હતી. જોકે કાઉન્ટી જજ મેન્ડી ગેફેલરે આશંકા વ્યક્ત કરી હતી કે કોઈ ઉપકરણમાં ખામી સર્જાતા દુર્ઘટના સર્જાઈ હોઈ શકે છે. 

ડેરી ફાર્મની 90 ટકા ગાયો મૃત્યુ પામી ગઈ 

આગમાં મૃત્યુ પામનારી મોટાભાગની ગાયો હોલસ્ટિન અને જર્સી ગાયોની મિશ્ર પ્રજાતિ હતી. આ આગમાં ફાર્મની 90 ટકા ગાયો મૃત્યુ પામી ચૂકી છે. જ્યારે વિસ્ફોટ થયો તો ગાયો એક વાડામાં બંધાયેલી હતી. આટલી મોટી સંખ્યામાં ગાયોના મૃત્યુથી ફાર્મનો વ્યવસાય જ ઠપ થઈ ગયો છે. એક અનુમાન અનુસાર એક ગાયની કિંમત સરેરાશ 2000 ડૉલર છે.  

ટેક્સાસનું સૌથી વધુ દૂધ ઉત્પાદન અહીં જ થતું હતું 

સાઉથ ફોર્ક ડેરી ફાર્મ કાસ્ત્રો કાઉન્ટીમાં આવેલું છે જે ટેક્સાસમાં સૌથી વધુ ડેરી ઉત્પાદક કાઉન્ટીમાંથી એક છે. ટેક્સાસના 2021ના અહેવાલ અનુસાર કાસ્ત્રો કાઉન્ટીમાં 30,000થી વધુ પશુઓ છે. ડિમીટના મેયર રોજર માલોને  આગની ઘટનાને હૃદયને હચમચાવી મૂકતી ઘટના ગણાવી હતી. તેમણે કહ્યું કે આવી ઘટના કદાચ જ પહેાલ બની હશે. આ ખરેખર એક ત્રાસદી છે.