×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કર્ણાટક વિઘાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, તેમાં પણ શેટ્ટરનું નામ નથી

Image : Twitter

ભાજપે કર્ણાટક ચૂંટણી 2023 માટે પાર્ટીના 23 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના નેતા નાગરાજ ચબ્બીને કલઘાટગીથી ટિકિટ આપવામાં આવી છે. આ બીજી યાદીમાં પણ પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટરનું નામ પણ નથી.

ભાજપે કોલાર ગોલ્ડ ફિલ્ડ્સથી અનુસૂચિત જાતિના ઉમેદવાર અશ્વિની સંપાંગીને મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત વરિષ્ઠ નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાના સંબંધી અને નજીકના મિત્ર એનઆર સંતોષનું નામ પણ બીજી યાદીમાંથી ગાયબ છે. પ્રથમ યાદી જાહેર થયા બાદ બળવાખોર બનેલા પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટરનું નામ પણ આ યાદીમાં સામેલ નથી. શેટ્ટર હુબલ્લી-ધારવાડ સેન્ટ્રલ સીટ પરથી ચૂંટણી લડવાનો દાવો કરવા માટે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને પણ દિવસની શરૂઆતમાં મળ્યા હતા.

યેદિયુરપ્પાના પુત્રને ટિકિટ મળી

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પાના પુત્ર વિજયેન્દ્ર શિકારીપુરા બેઠક પરથી ચૂંટણી લડશે. શિકારીપુરા યેદિયુરપ્પાની પરંપરાગત બેઠક છે. આ વખતે તેમણે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. રાજ્ય મંત્રી ડૉ.અશ્વથનારાયણ સીએન મલ્લેશ્વરમ બેઠક પરથી અને મંત્રી આર.કે. અશોક પદ્મનાભનગર અને કનકપુરા એમ બે બેઠક પરથી ચૂંટણી લડશે.

આ અગાઉ દિલ્હીમાં બે દિવસની બેઠક બાદ ભાજપે મંગળવારે રાત્રે કર્ણાટક ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરી હતી. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તેની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આજે અમે આગામી કર્ણાટક ચૂંટણી 2023 માટે 189 ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છીએ. આ યાદીમાં ભારતીય જનતા પાર્ટીએ 52 નવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. આ પહેલા ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી સમિતિની બેઠકના પહેલા દિવસે પીએમ મોદીએ કહ્યું હતું કે આ વખતે યુવા ચહેરાઓને તક આપીને કલંકિત નેતાઓથી દૂર કરવા જોઈએ.