×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કર્ણાટક ભાજપમાં ઉથલપાથલ, લક્ષ્મણ સાવદીએ પાર્ટી છોડવાની કરી જાહેરાત, CMના ડેમેજ કન્ટ્રોલના પ્રયાસ

image : Twitter


કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. તેમાં 11 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કપાઈ હતી. તેનાથી નારાજ થઈ લક્ષ્મણ સાવદીએ ભગવા પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપી દેવાની જાહેરાત કરી દીધી. તેમણે કહ્યું કે મેં ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપવાનો નિર્ણય કર્યો છે. ભાજપ માટે આ એક મોટો આંચકો સાબિત થઈ શકે છે. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદથી ડેમેજ કન્ટ્રોલમાં લાગી ગયા છે. 

મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ શું કહ્યું... 

મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ કહ્યું કે 189 ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે. લગભગ બધા સહમત છે. પરંતુ અમુકે અસહમતિ વ્યક્ત કરી છે. તેમની સાથે ચર્ચા કરાશે. હું તેમનો સતત સંપર્ક કરી રહ્યો છું. સાવદીના રાજીનામાની જાહેરાત પર તેમણે કહ્યું કે મેં લક્ષ્મણ સાવદી જોડે વાત કરી છે અને તેમને ઉતાવળે નિર્ણય ન લેવા કહ્યું છે. 

બળવાખોરને ટિકિટ અપાઇ 

ઉલ્લેખનીય છે કે સાવદીની બેલગાવી જિલ્લાની અથાની વિધાનસભા બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય મહેશ કુમથલ્લીને ટિકિટ અપાઈ છે. કુમથલ્લી એ બળવાખોર સમૂહમાં સામેલ હતા જેમણે 2019માં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકારને પાડી દેવા અને બી.એસ.યેદિયુરપ્પાના નેતૃત્વમાં સરકાર બનાવવામાં ભાજપની મદદ કરી હતી. 

કોંગ્રેસમાં જોડાઈ શકે 

સાવદી અથાનીથી ત્રણ વખત ધારાસભ્ય રહ્યા છે પણ 2018ની ચૂંટણીમાં તે કુમથલ્લીથી હારી ગયા હતા. ભાજપના એમએલસી સાવદીએ કહ્યું કે મેં નક્કી એક નિર્ણય કર્યો છે. હું પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપવા જઈ રહ્યો છું. એવી અટકળો છે કે તે કોંગ્રેસમાં જોડાઈ શકે છે.