×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કર્ણાટકમાં ભાજપ ફસાયો! 6 વખત MLA અને પૂર્વ CM રહી ચૂકેલા જગદીશ શેટ્ટારને ટિકિટ ન મળતા બળવો

image : Facebook


કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરતાની સાથે જ તેના પર મોટી મુશ્કેલી તૂટી પડી.  ભાજપના એક કદાવર નેતા જગદીશ શેટ્ટારે બળવો પોકારવાના સંકેત આપી દીધા છે. શેટ્ટારને પાર્ટીએ ટિકિટ નથી આપી પણ તેમણે પાર્ટીને ફરી વિચાર કરવાની માગ કરતા કહ્યું કે હું તો ચૂંટણી લડીશ જ ભલે પછી મને પાર્ટી ટિકિટ આપે કે ન આપે. 

શેટ્ટારે મતવિસ્તારમાં પ્રચાર પણ શરૂ કરી દીધો છે 

શેટ્ટારે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે હાઈકમાને છેલ્લી ઘડીએ મને આગામી વિધાનસભા ચૂંટણી ન લડવા કહ્યું. હું આ નિર્ણયથી નિરાશ છું. મેં પાર્ટી માટે ૩૦ વર્ષથી વધુ સમય કામ કર્યું છે. તેને પગભર બનાવી છે. તેમણે મારી સાથે 2-3 મહિના અગાઉ વાત કરવી જોઈતી હતી અને હું માની પણ ગયો હોત પણ નોમિનેશનથી અમુક જ દિવસ અગાઉ મને ચૂંટણી ન લડવાની સલાહ આપી દીધી. મેં તો મારા મતવિસ્તારમાં પ્રચાર પણ શરૂ કરી દીધો છે. શેટ્ટારે કહ્યું કે વિધાનસભા ક્ષેત્રનો સરવે જણાવે છે કે ભાજપ ચોક્કસ જીતશે. રાજકારણમાં મારી સામે કોઈ કલંક નથી. હું પાર્ટી પ્રત્યે વફાદાર રહ્યો છું અને મને લાગે છે કે આ વફાદારી જ એક સમસ્યા બની ગઈ છે. મેં પાર્ટીના નેતૃત્વને જણાવી દીધું છે કે હું કોઈપણ ભોગે ચૂંટણી લડીશ અને તમારે વિચારવું હોય તો ફરી વિચારી લો. 

6 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે

જગદીશ શેટ્ટાર ભાજપના એ નેતાઓમાં સામેલ છે જેમણે કર્ણાટકમાં ભાજપને જમીનથી આકાશ સુધી પહોંચાડી છે. તે હુબલી ધારવાડ ક્ષેત્રના ધારાસભ્ય છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં તેમને 75,794 વોટ મળ્યા હતા. તે 6 વખત કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ચૂંટાયા હતા. તેમણે કહ્યું કે હું કોઈ ચૂંટણીમાં હાર્યો નથી. 6  વખત વિધાનસભા માટે ચૂંટાયો છું અને દરેક વખત 25 હજાર કે તેનાથી વધુ વોટથી જીત્યો છું. તે યેદિયુરપ્પાના નજીકના મનાય છે. ૨૦૧૨માનં તેમને ભાજપે કર્ણાટકના મુખ્યમંત્રી બનાવ્યા હતા. તેઓ કર્ણાટક વિધાનસભામાં વિપક્ષના નેતા પણ રહ્યા છે. 5 દાયકા પહેલાથી તેમનો પરિવાર સંઘ સાથે જોડાયેલો રહ્યો છે.