×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજસ્થાનને મળશે પહેલી વંદે ભારત ટ્રેનની ભેટ : 12 એપ્રિલે PM મોદી કરશે ઉદઘાટન

જયપુર, તા.10 એપ્રિલ-2023, સોમવાર

PM નરેન્દ્ર મોદી રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યને મોટી ભેટ આપશે. વડાપ્રધાન મોદી રાજસ્થાનમાં 12 એપ્રિલે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જયપુરથી નવી દિલ્હી સુધી દોડનારી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે. રાજસ્થાને ભેટ મળનારી આ પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હશે. મળતા અહેવાલો મુજબ આ ટ્રેન સામાન્ય દિવસોમાં અજમેર અને દિલ્હી વચ્ચે દોડાવાશે, જોકે ઉદ્ઘાટનના દિવસે તેને જયપુરથી રવાના કરાશે.

ટૂંક સમયમાં ટ્રેનનો સમય, સ્ટોપેજ સહિતની વિગતો નક્કી કરાશે

વંદે ભારત એક્સપ્રેસ દેશની પ્રથમ સેમી-હાઈ-સ્પીડ ટ્રેન છે, જે પ્રથમવાર 2019માં 15મી ફેબ્રુઆરીએ નવી દિલ્હીથી ઉત્તર પ્રદેશના વારાણસી સુધી શરૂ કરાઈ હતી. રાજસ્થાનમાં વંદે ભારત ટ્રેન શરૂ થયા બાદ દેશમાં વંદે ભારત ટ્રેનોની સંખ્યા વધીને 14 પર પહોંચી જશે. ટૂંક સમયમાં આ ટ્રેનના સમય, સ્ટોપેજ, ભાડા સહિતની તમામ વિગતો નક્કી કરાશે. ઉલ્લેખનિય છે કે, દિલ્હી અને અજમેર વચ્ચે દોડનારી 14મી વંદે ભારત ટ્રેન 150-160 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડશે, ત્યારબાદ દિલ્હીથી અજમેર સુધીની મુસાફરી સરળ બની જશે. બીજી તરફ સામાન્ય લોકોને દિલ્હી-જયપુર-અજમેર વચ્ચે શરૂ થનારી આ ટ્રેન દ્વારા દિલ્હીથી જયપુર જવામાં ઓછો સમય લાગશે.

ચૂંટણી પહેલા રાજસ્થાનને ભેટ

એવું મનાઈ રહ્યું છે કે, રાજસ્થાનમાં ચૂંટણી પહેલા જયપુરને મોટી ભેટ મળવાની છે. રેલવેની ટીમ પણ PM મોદીના ઉદ્ઘાટન કાર્યક્રમની સંપૂર્ણ તૈયારીમાં વ્યસ્ત છે. ઉપરાંત રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ આ દિવસે જયપુરમાં ઉપસ્થિત રહેશે.