×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચીને તાઈવાનને ઘેરી યુદ્ધાભ્યાસ શરૂ કરતાં તંગદિલી વધી


- રશિયા-યુક્રેન યુદ્ધ હજુ શાંત થયું નથી ત્યાં નવા યુદ્ધની મોકાણની આશંકા

- ચીને 'યુદ્ધની તૈયારીઓ'ના ભાગરૂપે તાઈવાનની સરહદ નજીક 71 ફાઈટર જેટ, 9 જહાજ સાથે ડ્રીલ કરી

- તાઈવાનના શહેરથી 130 કિ.મી. દૂર ચીને લાઈવ ફાયર એક્સરસાઈઝ કરી, જે 11, 13, 15, 17 અને 20 એપ્રિલ સુધી ચાલશે

બેઈજિંગ : તાઈવાનના પ્રમુખ ત્સાઈ ઈંગ વેનના અમેરિકાના પ્રવાસથી છંછેડાયેલા ચીને શનિવારે તાઈવેનને ત્રણ બાજુથી ઘેરીને તેની સરહદની આજુબાજુ જ ત્રણ દિવસનો સૈન્યાભ્યાસ કરવાની જાહેરાત કરી છે. ચીનના સૈન્ય પીએલએના પૂર્વીય થીયેટર કમાન્ડે જણાવ્યું હતું કે 'યુદ્ધની તૈયારીઓ' માટે 'યુનાઈટેડ શાર્પ સોર્ડ' નામનો યુદ્ધાભ્યાસ ૮થી ૧૦ એપ્રિલ સુધી ચાલશે. બીજીબાજુ તાઈવેનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ચીને તાઈવાનના ટાપુને ૭૧ ચીની વિમાનો અને ૩ યુદ્ધ જહાજોથી ઘેરી લીધું છે.

તાઈવાનનાં પ્રમુખ ત્સાઈ ઈંગ વેન તાજેતરમાં જ અમેરિકાના પ્રવાસેથી પાછા ફર્યા છે. અમેરિકામાં તેમણે યુનાઈટેડ સ્ટેટ્સ હાઉસના સ્પીકર સાથે મુલાકાત કરી હતી. ત્યાર પછી ચીન છંછેડાયું છે અને તેણે તાઈવાન પ્રત્યે તેનો ગુસ્સો વ્યક્ત કર્યો છે અને આ સૈન્ય અભ્યાસની જાહેરાત કરી છે. આ સાથે શનિવારે ચીને 'યુદ્ધની તૈયારીઓ'ના યુદ્ધાભ્યાસના ભાગરૂપે તાઈવાન નજીક ૭૧ ફાઈટર જેટ રવાના કર્યા હતા. ચીન આ યુદ્ધાભ્યાસ મારફત તાઈવાનને તેની સૈન્ય શક્તિ બતાવવાની સાથે ફરીથી યુદ્ધની ચેતવણી આપવા માગે છે. ચીનના સૈન્ય પીપલ્સ લિબરેશન આર્મીના પૂર્વીય થિયેટર કમાન્ડે જણાવ્યું હતું કે, તાઈવાનની ઉત્તર, દક્ષિણ અને પૂર્વે જળસીમા અને હવાઈ સરહદ નજીક 'જોઈન્ટ સ્વોર્ડ' ડ્રીલ હાથ ધરાઈ છે. 'સ્વતંત્ર તાઈવાન'ના અલગતાવાદી બળોના અભિયાન અને બાહ્ય ફોર્સીસની ઉશ્કેરણી સામે આ ગંભીર ચેતવણી છે તથા રાષ્ટ્રના સાર્વભૌમત્વ તથા પ્રાદેશિક અખંડતા માટે સુરક્ષાના પગલાં લેવા અત્યંત જરૂરી છે તેમ પૂર્વીય થીયેટર કમાન્ડના પ્રવક્તા સીનીયર કર્નલ શી યીએ કહ્યું હતું. પાછળથી તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતુ ંકે, તેણે ચીનના ૭૧ ફાઈટર પ્લેન અને નવ નેવલ વેસલ્સને ટાપુની આજુબાજુ ડીટેક્ટ કર્યા છે. વધુમાં ચીનના ૪૫ ફાઈટર પ્લેને તાઈવાન ખાડીની મેડિયન લાઈન ક્રોસ કરી હતી. કેટલાક મીડિયા અહેવાલો મુજબ શનિવારે ચીનના ફુજિઆન પ્રાંતના દરિયા કાંઠે તાઈવાન ખાડી તરફ લાઈવ ફાયર ડ્રીલ્સ જોવા મળી હતી. તાઈવાનના શહેર સિન્ચુથી ૧૩૦ કિ.મી. દૂર પિંગ્ટન કાઉન્ટી નજીક ફાયર એક્સરસાઈઝ હાથ ધરાઈ હતી. લાઈવ ફાયર ડ્રીલ્સ ૧૧, ૧૩, ૧૫, ૧૭ અને ૨૦ એપ્રિલ સુધી ચાલશે.

ચીન તાઈવાનને પોતાનું ક્ષેત્ર માને છે અને સતત તેનો દાવો કરતું રહે છે. બીજીબાજુ તાઈવાન પોતે ચીનથી સ્વતંત્ર હોવાનો દાવો કરે છે. ગયા વર્ષે અમેરિકન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવ્સનાં સ્પીકર નેન્સી પેલોસી તાઈવાન પહોંચ્યા હતા ત્યારે પણ અમેરિકા અને ચીનના સંબંધોમાં તણાવ વધ્યો હતો. ચીને ત્યારે પણ તાઈવેનને ઘેરી લીધું હતું અને યુદ્ધાભ્યાસ કર્યો હતો. તે સમયે ચીનના સૈન્યે યુદ્ધાભ્યાસમાં હાઈપરસોનિક મિસાઈલ્સનો પણ ઉપયોગ કર્યો હતો.

દરમિયાન ચીને અમેરિકન પ્રતિનિધિ સભાના સ્પીકર કેવિન મેક્કાર્થી અને તાઈવાનના પ્રમુખ ત્સાઈ ઈંગ-વેનની બેઠકના વિરોધમાં 'રોનાલ્ડ રેગન પ્રેસિડેન્શિયલ લાઈબ્રેરી' અને અન્ય અમેરિકા અને એશિયા આધારિત સંસ્થાનો પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ સિવાય ચીને હડસન ઈન્સ્ટિટયૂટ પર પણ પ્રિબંધ મૂકી દીધો છે, જેણે અમેરિકન સ્પીકર મેક્કાર્થી અને તાઈવાનના પ્રમુખ માટે કાર્યક્રમનું આયોજન કર્યું હતું તેમજ ૩૦ માર્ચે ત્સાઈને વૈશ્વિક નેતૃત્વ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. એક દિવસ પહેલાં ચીનના પ્રમુખ શી જિનપિંગે કહ્યું હતું કે, બેઈજિંગ તાઈવાન મુદ્દે તેના વલણમાં સમજૂતી કરશે તે એક ખયાલી પુલાવ છે.

ચીનના વિરોધ વચ્ચે અમેરિકન સ્પીકર-તાઈવાનના પ્રમુખની મુલાકાત

ચીનના આકરા વિરોધ છતાં યુએસ હાઉસના સ્પીકર કેવિન મેકકાર્થીએ બુધવારે તાઈવાનના પ્રમુખ ત્સાઈ ઈંગ-વેન સાથે બેઠક કરી હતી. તાઈવાનના કોઈ પ્રમુખ અમેરિકા જઈને યુએસ સ્પીકરને મળ્યા હોય તેવી આ પ્રથમ ઘટના છે. જોકે, તાઈવાનના પ્રમુખ અને અમેરિકન અધિકારીઓ વચ્ચે આ બીજી ઉચ્ચ સ્તરીય બેઠક હતી.

તાઈવાનના પ્રમુખ ત્સાઈની આ મુલાકાત મુદ્દે ચીને ધમકી આપી હતી કે પ્રમુખ ત્સાઈ ઈંગ વેન અમેરિકન સ્પીકરને મળશે તો તેના માટે સારું નહીં હોય. બીજીબાજુ બાઈડેન તંત્રે કહ્યું હતું કે ત્સાઈના પ્રવાસ અંગે કશું જ ઉશ્કેરણીજનક નથી. માત્ર આ પ્રવાસ એવા સમયે થયો છે જ્યારે અમેરિકા અને ચીનના સંબંધો ઐતિહાસિક તળીયે પહોંચ્યા છે.