×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પાકિસ્તાન નાદાર જાહેર થવાની અણીએ, વર્લ્ડ બેન્કે આપ્યો મોટો આંચકો, મોંઘવારી 48 વર્ષની ટોચે પહોંચી

image : Twitter

/Wikipedia/DD NEWS

પાકિસ્તાન હાલમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દિન-પ્રતિદિન પરિસ્થિતિ વણસી રહી છે. મોંઘવારી તમામ રેકોર્ડ તોડીને 48 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે, જેના કારણે જનતાનું જીવન મુશ્કેલ બની રહ્યું છે. વિદેશી હૂંડિયામણના ઘટતા ભંડારને કારણે પાકિસ્તાન પોતાની જરૂરિયાતની તમામ વસ્તુઓની આયાત કરી શકતું નથી. જેના કારણે લોકોને લોટ અને ચોખા જેવી રોજીંદી વસ્તુઓ મળી શકી રહી નથી. મળતું હોય તો પણ સામાન્ય કરતાં અનેક ગણું વધારે ચૂકવવું પડે છે. આ દરમિયાન વર્લ્ડ બેંકે પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે.

વર્લ્ડ બેન્કે આપ્યો મોટો આંચકો 

વર્લ્ડ બેન્કે પાકિસ્તાનના વિકાસ દરમાં ઘટાડો કર્યો છે.  વર્લ્ડ બેન્કે પાકિસ્તાનનો વિકાસ દર 2 ટકાથી ઘટાડીને 0.4 ટકા કર્યો છે.  અહેવાલ મુજબ, વર્લ્ડ બેન્કે કહ્યું છે કે વિવિધ આર્થિક આંચકાઓને કારણે આ નાણાકીય વર્ષમાં લગભગ 40 લાખ પાકિસ્તાનીઓ ગરીબીમાં સંપડાઈ ગયા છે. વર્લ્ડ બેન્કે પાકિસ્તાનને 'જાહેર દેવાની કટોકટી' ટાળવા માટે તાત્કાલિક નવી વિદેશી લોનની વ્યવસ્થા કરવાની સલાહ આપી છે. પાકિસ્તાનના નાણામંત્રી ઈશાક ડાર ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) અને વર્લ્ડ બેન્કની બેઠકમાં ભાગ લેવા વોશિંગ્ટન જવાના હતા. પરંતુ તેમણે પોતાનો પ્રવાસ રદ કર્યો હતો.

બેલઆઉટ પેકેજ માટે ફાંફા 

આ આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે પાકિસ્તાનને IMFના બેલઆઉટ પેકેજની સખત જરૂર છે, પરંતુ પાકિસ્તાનને હજુ સુધી આ પેકેજ મળ્યું નથી. પાકિસ્તાન સરકાર $1.1 બિલિયનનું બેલઆઉટ પેકેજ મેળવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આ માટે તેણે IMFની તમામ શરતો પણ માંની છે. પરંતુ હજુ સુધી તેને ફંડ મળ્યું નથી. 10 એપ્રિલે યોજાનારી IMFની બેઠકમાં પાકિસ્તાનના નાણા મંત્રી ઈશાક ડાર ભાગ લેવાના હતા. અહેવાલો અનુસાર, ઘરેલુ રાજકીય ઉથલપાથલના કારણે તેમણે વોશિંગ્ટનનો તેમનો પ્રવાસ રદ કર્યો છે. આ બેઠક $1.1 બિલિયનના બેલઆઉટ પેકેજ માટે જરૂરી હતી. 

કંપનીઓ ધંધો સમેટી રહી છે 

IMF તરફથી બેલઆઉટ પેકેજમાં વિલંબને કારણે પાકિસ્તાની રૂપિયાની કિંમત અમેરિકી ડોલર સામે 284 પર પહોંચી ગઈ છે. પાકિસ્તાનમાં ગાઢ આર્થિક સંકટ વચ્ચે મોંઘવારીએ પણ તેનો પાંચ દાયકાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વર્ષના આધાર પર માર્ચમાં મોંઘવારી દર 35.37 ટકા પર પહોંચી ગયો છે. સંકટની વચ્ચે પાકિસ્તાનની મોટી કંપનીઓ પોતાનો બિઝનેસ બંધ કરી રહી છે. ભૂતકાળમાં હોન્ડા સહિતના અનેક પ્લાન્ટને તાળા લાગી ગયા હતા.

દેવાના બોજા હેઠળ પાકિસ્તાન

પાકિસ્તાન પર કુલ દેવું અને જવાબદારી 60 ટ્રિલિયન પાકિસ્તાની રૂપિયાથી વધુ છે. આ દેશની જીડીપીના 89 ટકા છે. તે જ સમયે, આ દેવામાંથી લગભગ 35 ટકા માત્ર ચીનનું છે, તેમાં ચીનની સરકારી વ્યાપારી બેન્કોનું દેવું પણ સામેલ છે. પાકિસ્તાન પર ચીનનું 30 અબજ ડોલરનું દેવું છે, જે ફેબ્રુઆરી 2022માં 25.1 અબજ ડોલર હતું.