×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વાહન ચાલકોને CNG અને રસોડામાં PNG ગેસના ભાવમાં 9 થી 11 ટકા ઘટડો થશે


- હવે આંતરરાષ્ટ્રીય નહી પણ ક્રૂડની પડતરના આધારે ભાવ નક્કી થશે

- કેન્દ્ર સરકારે લઘુત્તમ, મહત્તમ ભાવ બાંધણું નક્કી કર્યું : હવેથી દર મહીને ગેસની કિંમતમાં ફેરફાર થશે

નવી દિલ્હી : કુદરતી ગેસના વપરાશકારો માટે રાહતના સમાચાર રૂપે કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં નેચરલ ગેસના ભાવ ગણવાની પદ્દતિમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. તા. ૮ એપ્રિલ કે શનિવારે અમલમાં આવતા આ ફેરફારથી વાહનોમાં ઇંધણ તરીકે વપરાતા કમ્પ્રેસડ નેચરલ ગેસ (સીએનજી) અને ઘરવપરાશના પાઈપ નેચરલ ગેસ (પીએનજી)ના ભાવમાં લગબગ નવથી ૧૧ ટકા જેટલો ઘટાડો જાહેર થશે. 

ભાવના ઘટાડાનો આધારે ગેસ વિતરણ કરતી કંપનીઓની આયાતી અને સ્થાનિક ગેસની પડતર ઉપર વધારે કે ઓછો હોય શકે છે. કેન્દ્ર સરકારના નવા ભાવ ગણવાની પદ્ધતિ માત્ર વહીવટી અંકુશ હેઠળ (એપીએમ) હેઠળ આવતા નેચરલ ગેસ ઉત્પાદનને જ લાગુ પડે છે.

અગ્રણી રીસર્ચ સંસ્થા ક્રિસિલે જણાવ્યું હતું કે જો કેન્દ્ર સરકારે જૂની પદ્ધતિ અનુસાર ભાવ ગણવાનું ચાલુ રાખ્યું હોત તો ભારતમાં ગ્રાહકો ઉપર ઊંચા ભાવનો બોજ આવવાની શક્યતા હતી. ભારતમાં સ્થાનિક નેચરલ ગેસ ઉત્પાદનમાં એપીએમ ઉત્પાદનનો હિસ્સો ૭૦ ટકા જેટલો છે. દેશમાં એપીએમ ગેસ મેળવી તેનું સીએનજી અને પીએનજીમાં વિતરણ કરવાનો હિસ્સો ૬૦ ટકા જેટલો છે. સરકારે નવી પદ્ધતિ જાહેર કરતા ભાવમાં ૯ થી ૧૧ ટકા જેટલો ઘટાડો આવી શકે છે. 

છેલ્લા પાંચ વર્ષથી ભારતમાં એપીએમ ગેસનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવના આધારે દર છ મહીને નક્કી થતો હતો. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ અને કોરોના પછી ક્રૂડ ઓઈલ અને ગેસની વધતી માંગના કારણે છેલ્લા બે વર્ષથી દેશ અને દુનિયામાં ભાવ સતત વધી રહ્યા હતા. આ સ્થિતિમાં ભારતે ઉકેલ શોધવા માટે કિરીટ પારેખ કમિટીની રચના કરી હતી. આ કમિટીએ એપીએમ હેઠળના નેચરલ ગેસ ઉત્પાદનના ભાવ ગણવાની પદ્ધતિમાં આમૂલ પરિવર્તન સૂચવ્યું છે. સમિતિએ આંતરરાષ્ટ્રીય ભાવના બદલે હવે ભારતમાં આયાતી ક્રૂડની પડતરના આધારે ભાવ નક્કી કરવાની જાહેરાત કરી છે. ક્રૂડની પડતર ગેસના આંતરરાષ્ટ્રીય ભાવ કરતા ઓછી હોવાથી ભારતમાં ગેસના ભાવમાં પણ ઘટાડો થશે. 

કેન્દ્ર સરકારના જાહેરનામાં અનુસાર આંતરરાષ્ટ્રીય ભાવના નેચરલ ગેસની કિંમત ૮.૫૭ ડોલર પ્રતિ મીલીયન બ્રિટીશ થર્મલ યુનિટ (એમએમબીટીયુ) થાય છે પણ ક્રૂડના આધારે તે ૭.૯૨ ડોલર પ્રતિ એમએમબીટીયુ થાય છે. આ નિર્ણયના કારણે દિલ્હીમાં સીએનજીનો ભાવ રૂ.૭૯.૫૬થી ઘટી ૭૩.૫૯ અને મુંબઈમાં રૂ.૮૭ના બદલે ઘટી રૂ.૭૯ થશે. આવી જ રીતે, પીએનજીનો ભાવ દિલ્હીમાં રૂ.૫૩.૫૯ સામે ઘટી રૂ.૪૭.૫૯ અને મુંબઈમાં રૂ.૫૪ સામે ઘટી રૂ.૪૯ પ્રતિ હજાર ક્યુબીક મીટર થશે. 

કેન્દ્ર સરકારે જાહેર કરેલા ઘટાડાનો લાભ વાહન ચાલકો અને ઘરેલું વપરાશકારોને મળે એ માટે પેટ્રોલીયમ પ્લાનિંગ એન્ડ એનાલિસીસ સેલ દ્વારા ગેસ વિતરણ કંપનીઓના ભાવ ઉપર નજર રાખવામાં આવશે તેમજ સિટી ગેસ વિતરણ કંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસુલવામાં આવતા ભાવ ઉપર કે વેબ પોર્ટલ બનાવી નજર રાખવામાં પણ આવશે.

ગેસના ભાવની નવી પદ્ધતિમાં મુખ્ય ફેરફાર શું છે ?

- આંતરરાષ્ટ્રીય ગેસના ભાવના બદલે હવે વહીવટી અંકુશ હેઠળના ગેસના ભાવ ક્રૂડ ઓઈલની પડતરના આધારે નક્કી થશે. 

- કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ એમ બે વર્ષ માટે ઓછામાં ઓછો ભાવ ૪ ડોલર અને વધુમાં વધુ ભાવ પ્રતિ એમએમબીટીયુ ૬.૫ ડોલર નક્કી કર્યો છે.

- બે વર્ષ પછી દર વર્ષે લઘુત્તમ અને મહત્તમ ભાવમાં ૦.૨૫ ડોલરનો વધારો કરવામાં આવશે.

- અત્યારે કેન્દ્ર સરકાર નેચરલ ગેસનો ભાવ દર છ મહીને જાહેર કરતી હતી હવે તેના બદલે દર મહીને તેમાં ફેરફાર થશે.