×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ


- પોર્ન સ્ટારને પેમેન્ટ માટે નાણાકીય ગેરરીતિનો કેસ, ગુનાઈત આરોપોનો સામનો કરનારા અમેરિકાના પહેલાં પ્રમુખ

- ડેનિયલ સ્ટોર્મીને 1.22 લાખનો દંડ ચૂકવવા ટ્રમ્પને કોર્ટનો આદેશ: સુનાવણી બાદ ટ્રમ્પ ઘરે જવા રવાના, કેસની આગામી સુનાવણી 4થી ડિસે.એ

- ટ્રમ્પે પોતાના પર લગાવાયેલા 34 આરોપોને ખોટા ગણાવ્યા

- ડોનાલ્ડ ટ્રમ્પ કોર્ટમાં હાજર થયા તે પ્રમુખ બાઈડેન માટે કોઈ મુદ્દો જ નથી: વ્હાઈટ હાઉસ

ન્યૂયોર્ક : અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોર્ન ફિલ્મ સ્ટાર સ્ટોર્મી ડેનિયલને ગુપ્ત રીતે ૧.૩૦ લાખ ડોલર આપવાના ગુનાઈત કેસમાં મંગળવારે મેનહટન ક્રિમિનલ કોર્ટ સમક્ષ હાજર થયા હતા. કોર્ટ પહોંચતા જ પોલીસે ટ્રમ્પની ધરપકડ કરી હતી. આ સાથે ૭૬ વર્ષીય રિપબ્લિકન નેતા સત્તાવાર રીતે ધરપકડ કરાયેલા અમેરિકાના પહેલા પૂર્વ પ્રમુખ બની ગયા છે. ટ્રમ્પ સામે નાણાકીય હેરાફેરીના ૩૪ આરોપો ઘડાયા છે. કોર્ટમાં આરોપોની સુનાવણી પછી ટ્રમ્પે પોતાને નિર્દોષ ગણાવ્યા હતા. કોર્ટે ટ્રમ્પને ૧.૨૨ લાખ ડૉલરનો દંડ કર્યો છે જે સ્ટોર્મી ડેનિયલને ચૂકવવામાં આવશે. અગાઉ મેનહટન કોર્ટમાં ટ્રમ્પની હાજરી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ન્યૂયોર્કમાં ટ્રમ્પ ટાવરથી મેનહટન કોર્ટ સુધી ૩૫,૦૦૦થી વધુ પોલીસ જવાનો તૈનાત કરાયા હતા. બીજીબાજુ ટ્રમ્પના પુત્રે ફ્રી ટ્રમ્પ અભિયાન શરૂ કર્યું છે.

રિપબ્લિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૧૬ની પ્રમુખપદના ચૂંટણી અભિયાન દરમિયાન અભિનેત્રી સ્ટોર્મી ડેનિયલ્સને નાણાં ચૂકવવા હશ મની કેસમાં નાણાકીય હેરાફેરીની તપાસનો સામનો કરી રહ્યા છે. ગ્રાન્ડ જ્યુરીએ ટ્રમ્પ સામે ૩૪થી વધુ આરોપો ઘડયા છે. આ કેસમાં મંગળવારે ટ્રમ્પ સામે કોર્ટમાં દલીલો શરૂ થઈ તે સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાવાર રીતે ગુનાઈત આરોપોનો સામનો કરનારા અમેરિકાના સૌપ્રથમ પ્રમુખ બની ગયા છે. રિપબ્લિકન નેતા સામે કોર્ટ કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવાની મંજૂરી અપાઈ નથી, પરંતુ પાંચ ફોટોગ્રાફર્સને મેનહટન ક્રિમિનલ કોર્ટરૂમની અંદર સુનાવણી થતાં પહેલાં ટ્રમ્પના ફોટા લેવાની મંજૂરી અપાઈ હતી.

રિપબલ્કિન નેતા ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની ૨૦૨૪ની પ્રમુખપદની ચૂંટણી માટે દાવેદારી નોંધાવી છે ત્યારે મંગળવારે તેમણે મેનહટન ક્રિમિનલ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું. ત્યાર પછી પોલીસે તેમની ધરપકડ કરી હતી. જોકે, કોર્ટની અંદર હાજર થતાં પહેલાંની આ એક કાયદાકીય પ્રક્રિયા હતી. ટ્રમ્પને હાથકડી પહેરાવવામાં આવી નહોતી. કોર્ટની અંદર ડોનાલ્ડ ટ્રમ્પને નાણાકીય હેરાફેરીના કેસમાં તેમની સામેના આરોપો સંભળાવાયા હતા. પૂર્વ અમેરિકન પ્રમુખ ટ્રમ્પ તરફથી ત્રણ વકીલો જોએ ટેકોપિના, સુસાન નેશેલેસ અને ટોડ બ્લાન્કે કોર્ટમાં દલીલો કરી હતી. દલીલો પૂરી થયા પછી ટ્રમ્પે પોતે કોઈ ગૂનો નહીં કર્યો હોવાનું જણાવ્યું હતું.

આ કેસની સુનાવણીના અંતે કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને ૧.૨૨ લાખ ડોલરનો દંડ પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને ચૂકવવા આદેશ આપ્યો છે. વધુમાં આ કેસની સુનાવણી ૪થી ડિસેમ્બરે નિશ્ચિત કરી છે. કેસની સુનાવણી પૂરી થયા પછી ટ્રમ્પ કોર્ટમાંથી રવાના થઈ ગયા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પે મેનહટન કોર્ટ પહોંચતા પહેલાં તેમના મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું કે, તેઓ મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્નીની ઓફિસ અને ત્યાંથી કોર્ટહાઉસ જઈ રહ્યા છે. લોઅર મેનહટન, કોર્ટહાઉસ જતા પહેલાં આ અતિવાસ્તવિક લાગે છે. તેઓ મારી ધરપકડ કરી રહ્યા છે. માનવામાં આવતું નથી આ અમેરિકા છે.  દરમિયાન વ્હાઈટ હાઉસે જણાવ્યું હતું કે અમેરિકન પ્રમુખ જો બાઈડેન તેમના પૂરોગામીની ધરપકડ અને તેમની સામે મેનહટન કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહીથી માહિતગાર છે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ કોર્ટમાં હાજર થાય તે તેમના માટે કોઈ મુદ્દો જ નથી.

તેઓ ગુનાઈત કેસનો સામનો કરનારા પહેલા અમેરિકન પૂર્વ પ્રમુખ બન્યા છે. ૭૬ વર્ષીય ટ્રમ્પ મેનહટન કોર્ટમાં હાજરી આપે તે પહેલાં ન્યૂયોર્કમાં તેમના સમર્થકોનો જમાવડો થવા લાગ્યો હતો. વધુમાં ટ્રમ્પના વિરોધીઓ પણ ન્યૂયોર્કના રસ્તા પર ઉમટી પડયા છે. ટ્રમ્પ સમર્થકો અને વિરોધી વચ્ચે હિંસક અથડામણના ભૂતકાળના અનુભવો પરથી બોધપાઠ લઈને ન્યૂયોર્કમાં ટ્રમ્પ ટાવરથી લઈને મેનહટન કોર્ટ સુધી ૩૫,૦૦૦ પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

દરમિયાન ટ્રમ્પની સુનાવણી પહેલાં મેનહટન કોર્ટ બહાર એકત્ર થયેલા ટ્રમ્પના વિરોધીઓ તેમના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. બીજીબાજુ ટ્રમ્પે કોર્ટમાં હાજર રહેતા પહેલાં તેમના મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર કહ્યું હતું કે, તેમનો કેસ મેનહટનની બહાર થવો જોઈએ. અહીંના જજ અને તેમનો પરિવાર ટ્રમ્પ વિરોધી હોવાનું જગજાહેર છે. તેમણે પાછલા કેસમાં ખોટો ચૂકાદો સંભળાવ્યો હતો. જજની પુત્રીએ કમલા હેરિસ માટે કામ કર્યું છે અને હવે તે બાઈડેન-હેરિસ અભિયાન માટે કામ કરી રહી છે. અહેવાલો મુજબ ટ્રમ્પ કોર્ટમાં હાજરી પહેલાં અને પછી કોર્ટરૂમ બહાર હોલવેમાં મીડિયા સાથે વાત કરશે. કોર્ટમાં પહોંચતા ટ્રમ્પના ફોટા લઈ શકાશે. પરંતુ કોર્ટમાં ટીવી-મીડિયાના પ્રસારણની મંજૂરી અપાઈ નથી.

કોર્ટમાં કેસની સુનાવણી પહેલાં ટ્રમ્પનો સમર્થકોને ઉશ્કેરણી કરતો ઈ-મેલ

અમેરિકા 'માર્ક્સવાદી થર્ડ વર્લ્ડ' દેશ બની રહ્યો છે: ટ્રમ્પનો સમર્થકોને સંદેશ

- આજે એ દિવસ છે જ્યારે એક શાસક રાજકીય પક્ષે તેના મુખ્ય પ્રતિસ્પર્ધીની કોઈ ગુનો નહીં કરવા છતાં પણ ધરપકડ કરી છે: ટ્રમ્પ

અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોર્ન ફિલ્મ સ્ટારને ગુપ્ત રીતે ૧.૩૦ લાખ ડોલર આપવાના કેસમાં આજે મેનહટન કોર્ટમાં હાજર  થતા પહેલાં રિપબ્લિક નેતા ટ્રમ્પે તેમના સમર્થકોને સંદેશ આપતા ઈ-મેલમાં દાવો કર્યો હતો કે, દુનિયાનું સુપર પાવર અમેરિકા હવે 'માર્ક્સવાદી થર્ડ વર્લ્ડ' દેશ બની રહ્યો છે. આ સાથે તેમણે દેશના ન્યાયતંત્ર પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

મેનહટન કોર્ટમાં હાજરી આપતા પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સમર્થકોને લખેલા ઈ-મેલના વિષયવાળા ખાનમાં 'મારી ધરપકડ પહેલાં છેલ્લો ઈ-મેલ' એવું લખ્યું હતું. ટ્રમ્પે આ ઈ-મેલમાં  જણાવ્યું હતું કે, અમેરિકા 'માર્ક્સવાદી થર્ડ વર્લ્ડ'નો દેશ બની રહ્યો છે. આજે આપણે અમેરિકામાં ન્યાયની ક્ષતિનો શોક મનાવી રહ્યા છીએ. આજે એ દિવસ છે જ્યારે એક શાસક રાજકીય પક્ષે તેના મુખ્ય પ્રતિસ્પર્ધીને કોઈ ગુનો નહીં કરવા છતાં પણ ધરપકડ કરી છે. તેમણે ઈ-મેલમાં ઉમેર્યું છે, 'હું મને સમર્થન આપવા માટે આપનો આભાર માનું છું. અમને મળેલું બધું જ દાન, સમર્થન અને પ્રાર્થનાઓથી હું અભિભૂત છું. જે થઈ રહ્યું છે તે જોવું દુઃખદ છે. મારા માટે નહીં, પરંતુ આપણા દેશ માટે. આપણો દેશ હવે માર્ક્સવાદી ત્રીજી દુનિયાનો દેશ બની રહ્યો છે, જ્યાં અસહમતિને ગુનો ગણાવવામાં આવે છે અને પોતાના રાજકીય વિરોધીને કેદ કરવામાં આવે છે. પરંતુ અમેરિકામાં આશા ના છોડશો. આપણે એક એવું રાષ્ટ્ર છીએ, જેણે દુનિયાને સૌથી મોટા સામ્રાજ્ય પાસેથી પોતાની સ્વતંત્રતાની જાહેરાત કરી હતી, બે વિશ્વ યુદ્ધો જીત્યા અને જેના નાગરિકે ચંદ્ર પર સૌથી પહેલાં પગ મૂક્યો. આપણું આંદોલન ઘણું આગળ નીકળી ચૂક્યું છે. અને મારા મનમાં કોઈ શંકા નથી કે આપણે ફરી એક વખત જીતીશું અને ૨૦૨૪માં ફરી વ્હાઈટ હાઉસ પહોંચીશું.'