×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જીએસટી કલેક્શન માર્ચ 2023માં 13 ટકા વધીને રૂ. 1.60 લાખ કરોડ થયું


- સરકારને જીએસટીમાં અત્યાર સુધીમાં બીજા ક્રમની સૌથી વધુ આવક

- 2022-23માં જીએસટીની આવક 12 મહિનાથી સતત 1.40 લાખ કરોડથી વધુ 

નવી દિલ્હી : દેશમાં જીએસટી કલેક્શન માર્ચ ૨૦૨૩માં ૧૩ ટકા વધીને રૂ. ૧.૬૦ લાખ કરોડ થયું છે, જે અત્યાર સુધીનું બીજા ક્રમનું સૌથી વધુ જીએસટી કલેક્શન છે તથા ગઈકાલે જ પૂરા થયેલા નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ચોથી વખત ગ્રોસ જીએસટી કલેક્શન રૂ. ૧.૫૦ લાખ કરોડને પાર કરી ગયું છે. નાણામંત્રાલયે જણાવ્યું હતું કે માર્ચ ૨૦૨૩માં ગ્રોસ જીએસટી આવક રૂ. ૧,૬૦,૧૨૨ કરોડ થઈ છે, જેમાં સીજીએસટી રૂ. ૨૯,૫૪૬ કરોડ, એસજીએસટી રૂ. ૩૭,૩૧૪ કરોડ અને આઈજીએસટી રૂ. ૮૨,૯૦૭ કરોડ છે.

નાણામંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં જીએસટી કલેક્શનમાં સતત ૧૨ મહિનાથી તેજી જોવા મળી રહી છે. જીએસટી કલેક્શન છેલ્લા ૧૨ મહિનાથી સતત રૂ. ૧.૪૦ લાખ કરોડથી વધુ રહ્યું છે. બીજીબાજુ દેશમાં જીએસટી વ્યવસ્થા લાગુ થયા પછીથી બીજી વખત જીએસટી કલેક્શન રૂ. ૧.૬૦ લાખ કરોડને પાર પહોંચી ગયું છે. આ પહેલાં ફેબુ્રઆરી ૨૦૨૩માં જીએસટી કલેક્શન ૧.૪૯ લાખ કરોડ રહ્યું હતું જ્યારે જાન્યુઆરી ૨૦૨૩માં રૂ. ૧.૫૭ લાખ કરોડ કર સંગ્રહ થયો હતો. દેશમાં અત્યાર સુધીમાં સૌથતી વધુ જીએસટી કલેક્શન એપ્રિલ ૨૦૨૨માં રૂ. ૧.૬૮ લાખ કરોડ થયું હતું.

માર્ચ ૨૦૨૩ના જીએસટી કલેક્શનના આંકડા જાહેર કરતા જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન કુલ ગ્રોસ કલેક્શન રૂ. ૧૮.૧૦ લાખ કરોડ થયું છે, જે છેલ્લા આઠ વર્ષમાં સૌથી વધુ વાર્ષિક કલેક્શન છે. આ સાથે આખા વર્ષનું જીએસટી કલેક્શન સરેરાશ માસિક રૂ. ૧.૫૦ લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યું છે. ગ્રોસ રેવન્યુના સંદર્ભમાં વર્ષ ૨૦૨૧-૨૨ની સરખામણીમાં ૨૦૨૨-૨૩માં જીએસટી કલેક્શન ૨૨ ટકા વધુ હતું.

માર્ચ ૨૦૨૩ દરમિયાન રિટર્ન ફાઈલિંગ અત્યાર સુધીમાં સૌથી વધુ છે. ફેબુ્રઆરીના ૯૩.૨ ટકા સ્ટેમેન્ટ (જીએસટીઆર-૧માં) અને ૯૧.૪ ટકા રિટર્ન (જીએસટીઆર-૩બીમાં) માર્ચ ૨૦૨૩ સુધી દાખલ કરાયા જ્યારે ગયા વર્ષે આ જ મહિનામાં ક્રમશ: ૮૩.૧ ટકા અને ૮૪.૭ ટકા રિટર્ન દાખલ થયા હતા.

રાજ્યોમાં જીએસટી સંગ્રહની વૃદ્ધિની બાબતમાં મિઝોરમ પહેલા ક્રમે છે, જ્યાં વર્ષ ૨૦૨૧-૨૨ની સરખામણીમાં ૨૦૨૨-૨૩માં જીએસટી કલેક્શનમાં ૯૧.૧૬ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. અંદામાન નિકોબારમાં ૩૮.૮૮ ટકા, અરૂણાચલ પ્રદેશમાં ૩૭.૫૬ ટકા, નાગાલેન્ડમાં ૩૫.૭ ટકા અને ગોવામાં જીએસટી કલેક્શનમાં ૩૩.૩૩ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. ગુજરાતમાં જીએસટી કલેક્શન ૮.૩૧ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૯,૯૧૯ કરોડ રહ્યું હતું, જે અગાઉના વર્ષે રૂ. ૯,૧૫૮ કરડો હતું.