×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જેલોમાં વધી રહેલી કેદીઓની ભીડ ભયજનક : સુપ્રીમ


- 4.25 લાખ કેદીઓની ક્ષમતા સામે હાલ 5.54 લાખ કેદીઓ જેલમાં : 4.27 લાખ કાચાકામના 

- અનેક કેદીઓ ગરીબ, તેમના પરિવાર અને રોજગારી પર પણ અસર, ઝડપથી ટ્રાયલ પૂર્ણ કરવા કોર્ટોને સલાહ

- સમયસર ન્યાય ન મળવો પણ અન્યાય, ટ્રાયલના વાંકે સાત વર્ષની કેદ એક કેદીને જામીન પર છોડવા સુપ્રીમનો આદેશ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે દેશની જેલોમાં વધી રહેલા કેદીઓની સંખ્યા અને ભીડને ભયાવહ ગણાવી હતી. સાથે જ ટ્રાયલ કોર્ટને કહ્યું છે કે તેઓ કેસોનો ઝડપથી નિકાલ કરે. ખાસ કરીને વિશેષ કાયદાની કડક જોગવાઇ વાળા મામલાઓનો ઝડપથી નિકાલ કરવા કહ્યું હતું. સાથે જ સુપ્રીમે ટકોર કરતા કહ્યું હતું કે જો સમયસર ટ્રાયલ પૂર્ણ કરવામાં ન આવે તો તે વ્યક્તિ સાથે અન્યાય બરાબર છે. 

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ટ્રાયલ કોર્ટ દ્વારા ઝડપથી મામલાઓનો નિકાલ થવો જોઇએ નહીં તો તે અન્યાય બરાબર જ ગણાશે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એસ રવીંદ્ર ભટ અને ન્યાયાધીશ દીપાંકર દત્તની બેંચે નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાઇકોટ્રોપિક સબ્સટેંસ એક્ટ હેઠળ આરોપી એક વ્યક્તિને જામીન પર છોડતી વખતે આ ટિપ્પણી કરી હતી. 

બેંચે કહ્યું હતું કે વધુ સમય સુધી કોઇને કારણ વગર જેલમાં રાખવાનું ખરાબ પરીણામ આવી શકે છે. જામીન અરજી કરનારી વ્યક્તિ ગરીબ છે, જેને લાંબા સમય સુધી ટ્રાયલના કારણે જેલમાં બંધ રાખવાથી તેની રોજીરોટી પર પણ અસર પહોંચાડે છે. તેનો પરિવાર પણ વિખેરાય જાય છે. અને કોઇ પણ પરીવારનું ટુટી જવું સમાજમાં અલગાવ પેદા કરે છે. દરેક કોર્ટે આ મુદ્દાઓ પર સંવેદનશીલતા રાખવી જોઇએ. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સમયસર ન્યાય ન આપવો કે સમયસર ટ્રાયલ પુર્ણ ન કરવી પણ એક પ્રકારનો અન્યાય જ છે. 

૩૧મી ડિસેમ્બર, ૨૦૨૧ સુધીના નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના આંકડા મુજબ દેશભરની જેલોની ક્ષમતા કુલ ૪,૨૫,૦૬૯ કેદીઓ રાખવાની છે. જ્યારે તેની સામે હાલ દેશમાં ૫,૫૪,૦૩૪ કેદીઓ જેલોમાં બંધ છે. જેમાંથી ૧,૨૨,૮૨૫ દોષી ઠરેલા છે જ્યારે ૪,૨૭,૧૬૫ કેદીઓ ટ્રાયલ હેઠળ છે. છતા જેલોમાં કેદ છે. આવા ટ્રાયલ હેઠળના કેસોનો ઝડપથી નિકાલ થવો જોઇએ. કેમ કે જેલો દિવસે ને દિવસે કેદીઓની ભરાઇ રહી છે. 

આ સમગ્ર મામલે જામીન અરજી કરનારા આરોપી મોહમ્મદ હુસૈનને જામીન આપવામાં આવ્યા હતા, મોહમ્મદ છેલ્લા સાત વર્ષની જેલમાં બંધ હતો જ્યારે તે જે મામલામાં કેદ હતો તેની ટ્રાયલ હજુસુધી પૂર્ણ નથી કરવામાં આવી. મોહમ્મદને ૨૦૧૫માં દિલ્હીમાંથી ગાંજા સપ્લાય કરવાના આરોપો હેઠળ ધરપકડ કરાઇ હતી. પોલીસે તેના પર ડ્રગ પેડલિંગ નેટવર્કનો હિસ્સો હોવાનો આરોપ લગાવ્યો હતો. જોકે તેની પાસેથી કોઇ નશીલો પદાર્થ નહોતો મળ્યો તેવો રિપોર્ટમાં દાવો કરાયો છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે ટ્રાયલના વાંકે અનેક કેદીઓ જેલમાં કેદ રહે છે. આવા કેદીઓની પરિવાર પણ તેની કેદની અસર થાય છે. 

કાચાકામના કેદીઓમાં ઉ. પ્રદેશ મોખરે

વર્ષ ૨૦૨૦માં કાચાકામના કેદીની સંખ્યા ૩,૭૧,૮૪૮ હતી જે વર્ષ ૨૦૨૧માં વધીને ૪,૨૭,૧૬૫એ પહોંચી હતી. જેમાં સૌથી વધુ ૫૧.૪ ટકા કેદીઓ જિલ્લાની જેલોમાં કેદ છે જ્યારે ૩૬ ટકા સેંટ્રલ જેલોમાં કેદ છે. અને ૧૦ ટકા સબજેલમાં કેગ છે.  રાજ્યો પર નજર કરીએ તો સૌથી વધુ ૯૦ હજારથી પણ વધુ (૨૧ ટકા) ઉત્તર પ્રદેશની જેલોમાં કેદ છે. ૫૯૫૭૭ કેદીઓ સાથે બિહાર બીજા ક્રમે અને ૩૧,૭૫૨ કાચાકામના કેદીઓ સાથે મહારાષ્ટ્ર ત્રીજા ક્રમે છે.  દેશભરમાં ૧૪૧૮ કાચાકામની મહિલા કેદીઓ કેદ છે. જેના કુલ બાળકોની સંખ્યા ૧૬૦૧ છે.