×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જ્યોર્જિયા હિન્દુફોબિયા વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કરનાર USનું પ્રથમ રાજ્ય બન્યું, હિન્દુઓમાં ખુશીની લહેર

image : pixabay 


અમેરિકાની જ્યોર્જિયા એસેમ્બલીએ હિન્દુફોબિયાની ટીકા કરતો પ્રસ્તાવ પાસ કર્યો છે. આ સાથે જ્યોર્જિયા એસેમ્બલીમાં હિંદુફોબિયા અને હિંદુવિરોધી કટ્ટરતા સામે પગલાં ભરનાર અમેરિકાનું પ્રથમ રાજ્ય બની ગયું છે. આ પ્રસ્તાવ એટલાન્ટાના ફોર્સીથ કાઉન્ટીના પ્રતિનિધિ લોરેન મેકડોનલ્ડ અને ટોડ જોન્સે રજૂ કર્યો હતો. જ્યોર્જિયામાં આ વિસ્તારમાં સૌથી વધુ હિંદુ અને ભારતીય-અમેરિકન સમુદાયો રહે છે.

પ્રસ્તાવમાં હિન્દુ-અમેરિકન સમુદાયના યોગદાનનું કરાયું વર્ણન

પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકન-હિન્દુ સમુદાય મેડિકલ, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, નાણા, શિક્ષણ, નિર્માણ, ઊર્જા, રિટેલ બિઝનેસ જેવા વિવિધ ક્ષેત્રોમાં મુખ્ય યોગદાન આપનાર સમુદાય છે. આ પ્રસ્તાવમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે યોગ, આયુર્વેદ, ધ્યાન, ભોજન, સંગીત, કલાના ક્ષેત્રોમાં હિન્દુ સમુદાયના યોગદાનથી સાંસ્કૃતિક માળખાને સમૃદ્ધ બનાવ્યું છે. અમેરિકન સમાજે આને વ્યાપકપણે અપનાવ્યું છે અને લાખો લોકોના જીવનમાં સુધારો કર્યો છે. આ પાસ થયેલા પ્રસ્તાવમાં વધુમાં જણાવાયું છે કે છેલ્લા કેટલાક દાયકાઓમાં દેશના કેટલાક ભાગોમાં હિંદુ-અમેરિકનો વિરુદ્ધ નફરતના અપરાધોના મામલા બન્યા છે. હિંદુફોબિયાને કેટલાક શિક્ષણવિદો દ્વારા સંસ્થાકીય સ્વરૂપ આપવામાં આવ્યું છે જેઓ હિંદુ ધર્મને ખત્મ કરવાનો સમર્થન કરે છે અને તેના પવિત્ર ગ્રંથો પર હિંસા અને ઉત્પીડનની પ્રથાનો આરોપ લગાવે છે.

હિન્દુફોબિક નિવેદનોની હિન્દુ-અમેરિકન સમુદાય પર નકારાત્મક અસર થાય છે

અમેરિકન-હિન્દુ સમુદાયે પ્રસ્તાવ પાસ થવા પર ખુશી વ્યક્ત કરી છે. કોલાઈઝન ઑફ હિંદુઝ ઑફ નોર્થ અમેરિકા (COHNA)ના વાઇસ પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે, "મેકડોનલ્ડ અને જોન્સ સહિત અન્ય પ્રતિનિધિઓ સાથે કામ કરવું એ સન્માનની વાત છે જેમણે આ કાઉન્ટી પ્રસ્તાવ પાસ કરવાની પ્રક્રિયામાં યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું." COHNAના જનરલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે, 'જ્યોર્જિયા અને બાકીના દેશમાં હિન્દુફોબિક નિવેદનો હિન્દુ અમેરિકન સમુદાયના મહેનતુ, કાયદાનું પાલન કરનાર અને અમેરિકન માળખાને મજબૂત કરનાર લોકો પર નકારાત્મક અસર કરી રહ્યા છે.'