×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સુરતમાં બાળકીની હત્યા કરી દુષ્કર્મ કરનાર આરોપીને ફાંસી, બીજાને આજીવનકેદ

સુરત, તા.28 માર્ચ-2023, મંગળવાર

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામમાં 20 ફેબ્રુઆરી 2022ના રોજ એક બાળકી પર દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરી નાખવાના કેસમાં કોર્ટે બે આરોપીમાંથી એકને ફાંસીની સજા ફટકારી છે, તો બીજા આરોપીને આજીવન કેદની સજા સંભળાવી છે. આ ઘટનામાં બારડોલીની એડિશનલ સેશન્સ કોર્ટે બંને આરોપીઓને દોષિત જાહેર કર્યા છે અને સજાની સાથે દંડ પણ ફટકારાયો હતો.

આરોપીઓને સોમવારે દોષિત જાહેર કરાયા, મંગળવારે સજા સંભળાવાઈ

બારડોલી સેસન્સ કોર્ટ દ્વારા 11 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરી હત્યાના કેસમાં બે આરોપીને સોમવારે સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં બંને આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા, જોકે સજાનો નિર્ણય આજે મંગળવાર પર મુલતવી રખાયો હતો. બારડોલી સેસન્સ કોર્ટના સાતમા એડિશનલ ડિસ્ટ્રીકટ જજ બી.જી. ગોલાણીએ આ કેસના મુખ્ય આરોપી દયાચંદ ઉમરાવ પટેલને ફાંસીની સજા સંભળાવી છે. તો આરોપીને મદદગારી કરનાર કાલુરામ ઉર્ફે કાલુ જાનકી પ્રસાદ પટેલને અંતિમ શ્વાસ સુધી જેલની સજા ફટકારાઈ છે. આ ઘટના અંગે સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું કે, કેસમાં 42 જેટલા સાક્ષીઓને તપાસાયા હતાં.

42 સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા

સમગ્ર કેસ અંગે સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે, સમગ્ર કેસમાં 42 જેટલા સાક્ષીઓને તપાસવામાં આવ્યાં હતાં. આરોપીઓનું કૃત્ય નિર્દયી રીતનું હતું. બાળકીને લોહી લુહાણ હાલતમાં છોડીને આરોપીઓ રૂમમાં બંધ કરીને નાસી ગયા હતાં. માનવતાને લજાવે તેવું કૃત્ય હોવાથી કેપિટલ પનિશમેન્ટની સજાની માગ કરાઈ હતી. જે કોર્ટે ગ્રાહ્ય રાખીને એકને ફાંસી અને સહાયતા કરનારને આજીવન કેદની સજા ફટકારી છે.

જોળવા ગામે બની હતી દુષ્કર્મની ઘટના

ગત 20મી ફેબ્રુઆરી 2022ના રોજ આ ગંભીર બનાવ બન્યો હતો. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામમાં આરોપીઓએ 11 વર્ષની બાળકી પર દુષ્કર્મ કર્યા બાદ ક્રુરતાપૂર્વક હત્યા કરી દીધી હતી. એટલું જ નહીં આરોપીઓ તેને રૂમમાં પુરી ફરાર થઈ ગયા હતા. અહીં એક એપાર્ટમેન્ટમાં રહેતું દંપતી પરિવારે બાળકીને શોધી કાઢી હતી અને તેને તુરંત સારવાર માટે લઈ ગયા હતા. જોકે આરોપીઓની ક્રુરતાનો શિકાર બનેલી માસૂમ બાળકીએ સારવાર મળે તે પહેલા જ મૃત્યુ થઈ ગયું હતું.