×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નિવૃત્તિ વય ૬૪ વર્ષ કરવા સામે ફ્રાન્સમાં વિરોધ વધ્યો, ૩૫ લાખ લોકોના પ્રદર્શનો



ફ્રાન્સની સરકારે કર્મચારીઓની નિવૃત્તિની વય વધારીને ૬૪ કરી દેતા દેશભરમાં ભારે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. વિરોધ સતત વધતો જાય છે અને પેરિસમાં જ ૧૦ લાખ કરતાં વધુ લોકોએ રેલી કાઢીને પ્રદર્શનો કર્યા હતા. ફ્રાન્સના અલગ અલગ શહેરોમાં ૩૫ લાખ લોકો પ્રદર્શનોમાં જોડાયા હતા. પ્રદર્શનકારીઓએ બોર્ડો ટાઉન હોલમાં આગ લગાડી દીધી હતી. ભીડને કાબૂમાં લેવા માટે પેરિસમાં પોલીસે ટીઅર ગેસના સેલ છોડયા હતા. પેરિસમાં અસંખ્ય લોકોની રેલીના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો.
ફ્રાન્સમાં નિવૃત્તિ વય વધારવાનો સરકારે નિર્ણય કર્યો હતો અને સંસદમાંથી બિલને મંજૂરી મળી જતાં હવે એ કાયદો બની ગયો છે. એવી સ્થિતિમાં લોકોમાં વિરોધ વધતો જાય છે. પાટનગર પેરિસમાં ૧૦ લાખ લોકોએ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શનકારીઓએ પેરિસના બોર્ડોટાઉન હોલમાં આગ ચાંપી દીધી હતી. તેના કારણે પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીઅર ગેસના સેલ છોડયા હતા. આગ કોણે ચાંપી તે બાબતે હજુ સુધી સ્પષ્ટતા થઈ ન હતી. પ્રદર્શન કરનારા લોકોમાંથી આગ ચાંપી હોવાથી પોલીસે ૮૦ શંકાસ્પદ લોકોની ધરપકડ પણ કરી હતી.
મજૂર સંગઠનોએ પ્રદર્શનો માટે લોકોને અને સરકારી કર્મચારીઓને આહ્વાહન આપ્યું હતું. મજૂર સંગઠન સીજીટીના કહેવા પ્રમાણે દેશભરમાં વિરોધ પ્રદર્શનો થયા હતા અને ૩૫ લાખ લોકો આ પ્રદર્શનોમાં જોડાયા હતા. મજૂર સંગઠનોએ કહ્યું હતું કે નાના-મોટા બધા જ શહેરોમાં શાંતિપૂર્ણ પ્રદર્શનો થયા હતા. માત્ર બોર્ડો ટાઉન હોલમાં આગ ચાંપવાની એક હિંસક ઘટના બની હતી.
અહેવાલો પ્રમાણે કેટલાક સ્થળોએ પેરિસમાં પ્રદર્શનકારીઓએ સરકારી બેંક અને પોલીસ સ્ટેશનો પર બોટલો ફેંકીને વિરોધ કર્યો હતો. પેરિસ સિવાયના શહેરોમાં પણ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થતાં ટીઅર ગેસ છોડવાની અન્ય ઘટનાઓ પણ નોંધાઈ હતી. સોશિયલ મીડિયામાં કેટલાક વીડિયો વાયરલ થયા હતા, જેમાં અલગ અલગ સ્થળોએ પ્રદર્શનકારીઓ સરકારી ઈમારતો પર અને પોલીસ પર બોટલો-પથ્થરો ફેંકતા જોઈ શકાતા હતા. તો ઘણાં સ્થળોએ સરકારના આ નિર્ણય સામે પોસ્ટર્સ બાળવામાં આવ્યા હતા અને ઈમાન્યુઅલ મેક્રોં વિરૃદ્ધ સૂત્રોચ્ચારો થયા હતા.