×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

માનહાનિ કેસમાં રાહુલ ગાંધી ફસાયા, હવે તેમની સામે લોકસભાનું સભ્યપદ બચાવવા ફક્ત આ જ વિકલ્પ

image : Twitter


મોદી અટક અંગે વાંધાજનક ટિપ્પણી કરવા મામલે દાખલ માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા થઈ છે. કાયદાના નિષ્ણાતો અનુસાર જનપ્રતિનિધિ કાયદાની કલમ 8(3) હેઠળ જોગવાઈ છે કે જો કોઈ પણ ધારાસભ્ય કે સાંસદને 2 વર્ષ કે તેનાથી વધુની સજા થાય તો તેમનું સભ્યપદ તાત્કાલિક અસરથી છીનવાઈ જાય છે. 

રાહુલ ગાંધીની શું છે સ્થિતિ? 

રાહુલ ગાંધીને સુરતની કોર્ટ દ્વારા સજાને એક મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી છે અને ઉપરી અદાલતમાં અપીલ દાખલ કરવાની તક આપવામાં આવી છે. તેમ છતાં કાયદાના જાણકારો કહે છે કે રાહુલ ગાંધીને સજામાં એક મહિના મુદ્દત મળવા છતાં સભ્યપદ નહીં બચી શકે. નિષ્ણાતો અનુસાર રાહુલ ગાંધી પાસે સભ્યપદ બચાવવાનો છેલ્લો રસ્તો હવે કોર્ટ જ છે. 

જાણકારો શું કહે છે? 

ચૂંટણીપંચ સાથે આવા મામલે કામ કરી ચૂકેલા કાયદાના જાણકારો કહે છે કે રાહુલ ગાંધી પાસે સભ્યપદ બચાવવાનો ફક્ત એ જ વિકલ્પ છે કે ટ્રાયલ કોર્ટ આ સજાને ઘટાડીને ઓછી કરી દે અથવા માફ કરી દે. આ ઉપરાંત જો ઉપરી અદાલત જો સજાને ખતમ કરી દે કે પછી સજાને ઘટાડી દે તો જ તેમને રાહત મળી શકે છે. સ્પષ્ટ છ કે રાહુલ ગાંધીને જે પીડા કોર્ટના ચુકાદાએ આપી છે તેની સારવાર પણ કોર્ટ જ કરી શકશે. 

સાંસદ મોહમ્મદ ફૈઝલના કેસમાં શું થયું હતું? 

તાજેતરમાં લક્ષદ્વીપના સાંસદ મોહમ્મદ ફૈઝલનો કેસ સામે આવ્યો હતો. આ મામલે તેમનું સભ્યપદ છીનવાઈ ગયું હતું અને તેમની સીટને  લોકસભા સચિવાલયે ખાલી જાહેર કરી હતી. તેમને હત્યાના પ્રયાસ મામલે જાન્યુઆરીમાં સજા થઈ હતી. તેના પછી ચૂંટણીપંચે તેમની સીટ પર પેટાચૂંટણીનો આદેશ આપ્યો હતો પણ પછી હાઇકોર્ટે તેમની સજા પર સ્ટે આપી દીધો હતો. જેનાથી તેમનું સભ્યપદ બહાલ થયું અને ચૂંટણીપંચે પેટાચૂંટણીની નોટિફિકેશન પાછી ખેંચી હતી. 

સુપ્રીમકોર્ટના એક ચુકાદાથી કાયદો કડક બન્યો 

ખરેખર જુલાઈ 2013માં સુપ્રીમકોર્ટના ચુકાદા બાદ જનપ્રતિનિધિત્વ કાયદો કડક બનાવી દેવાયો હતો. પહેલા નિયમ હતો કે કોઈ સાંસદ કે ધારાસભ્ય બે વર્ષ કે તેનાથી વધારે જેલની સજા પામે તો તેમને ૩ મહિનાનો સમય અપીલ કરવા માટે અપાતો હતો. પછી એ અપીલ પર કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી સભ્યપદ જળવાઈ રહે. આ નિયમ હેઠળ નવજોત સિંહ સિદ્ધુને 2007માં રાહત મળી હતી જ્યારે તેમને ત્રણ વર્ષની સજા બિનઈરાદાપૂર્વક હત્યા મામલે સંભળાવાઈ હતી. પણ સુપ્રીમકોર્ટે આ નિયમને ખોટો ઠેરવતા 10 જુલાઈ, 2013ના રોજ તેના એક ચુકાદાથી તેને રદ કરી દીધો હતો.