×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ના હોય! દિલ્હી NCRની મોટાભાગની ઈમારતો ભૂકંપ સામે ટકી શકે તેવી સ્થિતિમાં જ નથી

image : Wikipedia 


સિસ્મિક ઝોન 4માં સામેલ  દિલ્હી NCRમાં મંગળવારે મોડી રાત્રે અનુભવાયેલા ભૂકંપના આંચકાએ ફરી એકવાર લોકોને હચમચાવી દીધા છે. આ ભય અતાર્કિક પણ નથી. તેનું કારણ એ છે કે ભૂકંપની દ્રષ્ટિએ દિલ્હી-એનસીઆર સૌથી વધુ જોખમવાળા બીજી કેટેગરી એટલે કે સિસ્મિક ઝોન-4માં સામેલ છે. કેન્દ્રીય આવાસ અને શહેરી વિકાસ મંત્રાલય હેઠળ આવતી બિલ્ડીંગ મટિરિયલ એન્ડ ટેક્નોલોજી પ્રમોશન કાઉન્સિલ દ્વારા કોરોનાકાળ પછી હાથ ધરવામાં આવેલા સર્વેમાં મોટાભાગના  એટલે કે લગભગ 80 ટકા ફ્લેટ અને મકાનો અસુરક્ષિત હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. 

તીવ્ર આંચકો આવે તો આ વિસ્તારો તો ગયા કામથી... 

ભૂસ્તરશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ, ગાઝિયાબાદ, ફરીદાબાદ વગેરે સહિત એનસીઆરના શહેરોમાં મોટી સંખ્યામાં ફ્લેટ અને મકાનો ભૂકંપના તીવ્ર આંચકા સામે ટકી શકે તેમ નથી. તે જ સમયે દિલ્હીના ઘણા વિસ્તારોમાં, ગેરકાયદેસર કોલોનીઓ અને સેંકડો જૂની ઇમારતો છે જે ભૂકંપ દરમિયાન તૂટી જવાની આરે છે.

દિલ્હીમાં ક્યાં વધુ ખતરો છે

અર્થ સાયન્સ મંત્રાલયના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે યમુનાના મેદાનોને ભૂકંપથી સૌથી વધુ ખતરો છે. પૂર્વ દિલ્હી,લુટિયન્સ દિલ્હી, સરિતા વિહાર, પશ્ચિમ વિહાર, વજીરાબાદ, કરોલ બાગ અને જનકપુરી જેવા વિસ્તારોમાં મોટી વસ્તી છે, તેથી ત્યાં જોખમ વધારે છે. આ રિપોર્ટ અનુસાર છતરપુર, નારાયણ, વસંત કુંજ જેવા વિસ્તારોમાં મોટા ભૂકંપનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય દિલ્હીમાં બનેલી નવી ઈમારતો 6 થી 6.6ની તીવ્રતાના ભૂકંપનો સામનો કરી શકે છે. જૂની ઇમારતો 5 થી 5.5ની તીવ્રતાના ભૂકંપનો સામનો કરી શકે છે. 2008 અને 2015માં નેપાળમાં આવેલા ભૂકંપ બાદ દિલ્હીએ જૂની ઇમારતોને રિપેર કરવાની કવાયત શરૂ કરી હતી. આ પછી, દિલ્હી સચિવાલય, દિલ્હી પોલીસ મુખ્યાલય, વિકાસ ભવન, ગુરુ તેગ બહાદુર હોસ્પિટલની ઇમારતને પણ મજબૂત કરવામાં આવી.

ગેરકાયદે વસાહતોમાં બાંધકામના ધોરણોનું કોઈ પાલન જ કરાયું નથી 

દિલ્હીમાં લગભગ 2,000 ગેરકાયદે કોલોનીઓ છે. માત્ર ગેરકાયદે વસાહતોમાં કુલ વસ્તી 40 લાખથી વધુ છે. તેમ છતાં અહીં બાંધકામના કામ માટે કોઈ નિર્ધારિત ધોરણો નથી. દિલ્હી એનસીઆરમાં આમ તો દરેક જગ્યાએ ગેરકાયદે બાંધકામ અને નિયમોની અવગણના કરવામાં આવી રહી છે અને નિર્માણ કાર્યો કરાઇ રહ્યા છે, આ મામલે સંબંધિત કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરો વિરુદ્ધ કાર્યવાહીની જોગવાઈ પણ છે પરંતુ વોટબેન્કની રાજનીતિ અને ભ્રષ્ટાચારના ખેલમાં બધી જ ફાઈલો ભૂગર્ભમાં દટાઇ જયા છે. આંખો ત્યારે ઉઘાડી થાય છે જ્યારે કોઈ દુર્ઘટના સર્જાય છે.